Image Instagram |
Mumbai News : મુંબઈને સપનાનું શહેર કહેવામાં આવે છે, જ્યાં દિવસ અને રાતનો તફાવત ખબર પડતો નથી. અહીં રાતભર લોકો ફરતા જોવા મળે છે અને આ જ કારણે મુંબઈને ઘણીવાર મહિલાઓ માટે સુરક્ષિત શહેર માનવામાં આવે છે. પરંતુ તાજેતરમાં સામે આવેલા એક વાયરલ વીડિયોએ લોકોને વિચારતા કરી દીધા છે. હકીકતમાં, અહીં એક વિદેશી મહિલા સાથે બે યુવકોએ ગેરવર્તણૂક કરી હતી. તેમણે સેલ્ફી માટે મહિલાનો પીછો કર્યો હતો. આ દરમિયાન વિદેશી મહિલા સતત ના પાડતી રહી, છતાં તેઓ તેની પાછળ લાગેલા રહ્યા. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે અને સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
ભારત ફરવા આવી છે યુવતી
પીડિત મહિલાનું નામ ઈનેસ ફારિયા છે, જે છેલ્લા બે મહિનાથી ભારતની મુલાકાતે છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા વીડિયોમાં જણાવ્યું કે, અત્યાર સુધીનો તેમનો અનુભવ અત્યંત સકારાત્મક અને શાનદાર રહ્યો છે, પરંતુ આ ઘટના ઘણી અલગ અને અસહજ કરનારી હતી. વીડિયોમાં એક યુવક વારંવાર તેમની સાથે ફોટો લેવાની જીદ કરતો જોવા મળે છે. ઈનેસ સ્પષ્ટપણે ના પાડે છે, છતાં તે પાછળ હટવા તૈયાર થતો નથી. થોડી વાર પછી તેનો એક મિત્ર પણ ત્યાં આવી જાય છે અને બંને સાથે મળીને ઈનેસનો પીછો કરતા જોવા મળે છે.
અંતર જાળવવા માટે યુવકોને મારવો પડ્યો ધક્કો
ઈનેસના જણાવ્યા અનુસાર, પરિસ્થિતિ એટલી હદ સુધી બગડી ગઈ હતી કે તેમને અંતર જાળવવા માટે તે યુવકોને હાથથી ધક્કો પણ મારવો પડ્યો હતો. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, ‘No (ના) એ એક આખું વાક્ય છે’ અને કોઈએ પણ પોતાની સુરક્ષા અને ખાનગી મર્યાદા (Personal Space) સાથે સમજૂતી કરવી જોઈએ નહીં. તેમનું કહેવું છે કે સતત પીછો કરવો અને પ્રાઈવસીમાં દખલગીરી કરવી બિલકુલ સ્વીકાર્ય નથી.
દેશની છબીને નુકસાન
આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર તીખી પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. ઘણા યુઝર્સે મહિલાના સમર્થનમાં કોમેન્ટ કરી છે અને કહ્યું છે કે આવા વર્તનથી દેશની છબીને નુકસાન પહોંચે છે. કેટલાક લોકોએ તેમને પોલીસ ફરિયાદ નોંધાવવાની સલાહ આપી હતી, જ્યારે કેટલાક યુઝર્સે મહિલાઓની સુરક્ષાને લઈને પણ સવાલો ઉઠાવ્યા હતા.


