દેશમાં પહેલીવાર EDએ રચ્યો ઈતિહાસ, 792 કરોડના કૌભાંડમાં જપ્ત કરેલા મોંઘાભાવના વિમાનની હરાજી કરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ED Auctions Seized Hawker 800A Aircraft : દેશમાં પહેલીવાર પ્રવર્તન નિર્દેશાલય (ED)એ મની લોન્ડરિંગના કેસમાં જપ્ત કરવામાં આવેલા એક વિમાનની હરાજી કરીને ઇતિહાસ રચી દીધો છે. હૈદરાબાદ ઝોનલ ઓફિસે હોકર (Hawker) 800A વિમાનને 3 કરોડ રૂપિયામાં વેચી દીધું. આ વિમાન 792 કરોડ રૂપિયાના કથિત પોન્ઝી કૌભાંડના આરોપી અમરદીપ કુમાર અને તેમની કંપની સાથે જોડાયેલા મામલામાં જપ્ત કરવામાં આવ્યું હતું. EDનું કહેવું છે કે, હરાજીમાંથી મળેલી રકમનો ઉપયોગ ભોગ બનનાર રોકાણકારોને રાહત આપવા માટે કરવામાં આવશે. પ્રવર્તન નિર્દેશાલય (ED)ની હૈદરાબાદ ઝોનલ ઓફિસે એક અભૂતપૂર્વ કાર્યવાહી કરીને 1 જુલાઈ 2026ના રોજ MSTC લિમિટેડના માધ્યમથી હોકર 800A વિમાનને 3 કરોડ રૂપિયામાં વેચી દીધું છે. દેશમાં આ પહેલીવાર બન્યું છે, જ્યારે કોઈ જપ્ત કરાયેલા વિમાનની હરાજી કરવામાં આવી હોય. આ કાર્યવાહીને મની લોન્ડરિંગ સામે એજન્સીની મોટી સફળતા માનવામાં આવી રહી છે.
2025માં જપ્ત કરાયું હતુ વિમાન
આ હોકર (Hawker) 800A વિમાન 7 માર્ચ 2025ના રોજ ED દ્વારા કરવામાં આવેલા દરોડા દરમિયાન જપ્ત કરવામાં આવ્યું હતું. આ વિમાન હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી રિકવર કરાયું હતું. આ કાર્યવાહી અમરદીપ કુમાર, કેપિટલ પ્રોટેક્શન ફોર્સ પ્રાઇવેટ લિમિટેડ અને અન્ય આરોપીઓ સામે નોંધાયેલા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ના કેસમાં કરવામાં આવી હતી. EDને તપાસ દરમિયાન શંકા હતી કે, આ વિમાન ગુનાની કમાણીમાંથી ખરીદાયેલી સંપત્તિ છે. આ વિમાન જપ્ત કર્યા પછી EDએ PMLAની એડજ્યુડિકેટિંગ ઓથોરિટી (Adjudicating Authority) સમક્ષ મૂળ અરજી દાખલ કરી હતી. આ અરજી પર સુનાવણી બાદ 18 ઓગસ્ટ 2025ના રોજ વિમાનની જપ્તીને કાયદેસર ઠેરવીને બહાલી આપવામાં આવી હતી. ત્યારબાદ EDએ નિયમ 4(2) હેઠળ વિમાનના વેચાણની મંજૂરી માંગી, જેથી તેની હરાજી કરી શકાય અને તેનાથી પ્રાપ્ત થનારી રકમને સુરક્ષિત રાખી શકાય.
EDએ શરૂ કરી હરાજી પ્રક્રિયા
એડજ્યુડિકેટિંગ ઓથોરિટીએ 20 નવેમ્બર 2025ના રોજ EDની અરજી સ્વીકારીને હૈદરાબાદ ઝોનલ ઓફિસને વિમાનની હરાજી કરવાની મંજૂરી આપી દીધી. ત્યારબાદ EDએ વિમાનના વેચાણ માટેની પ્રક્રિયા શરૂ કરી, અને સરકારી ઈ-હરાજી પ્લેટફોર્મ MSTC લિમિટેડના માધ્યમથી તેની હરાજી કરાવી. અંતે આ વિમાન 3 કરોડ રૂપિયાની બોલી પર વેચાયું હતું. આ કેસ EDએ હૈદરાબાદની કંપની કેપિટલ પ્રોટેક્શન ફોર્સ પ્રાઇવેટ લિમિટેડ અને તેના પ્રમુખ અમરદીપ કુમાર સામે નોંધ્યો હતો. આ કાર્યવાહી સાયબરાબાદની ઇકોનોમિક ઓફેન્સ વિંગ (EOW) દ્વારા નોંધાયેલી ત્રણ FIRના આધારે શરૂ કરવામાં આવી હતી. આરોપ છે કે, ફાલ્કન ગ્રુપ અને તેના સંચાલકોએ રોકાણકારોને નકલી ઇન્વોઇસ ડિસ્કાઉન્ટિંગ સ્કીમના નામે ભારે નફાની લાલચ આપી હતી.
EDએ સમગ્ર કેસની કરી જીણવટપૂર્વક તપાસ
તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, આરોપીઓએ રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા એકઠા કર્યા હતા, પરંતુ વાસ્તવિક રૂપમાં કોઈ ઇન્વોઇસ ડિસ્કાઉન્ટિંગનો વ્યવસાય ચલાવવામાં આવ્યો નહોતો. તેના બદલે રોકાણકારોને કથિત રૂપે એક પોન્ઝી સ્કીમ દ્વારા છેતરવામાં આવ્યા હતા. આ કથિત છેતરપિંડીનું કદ અંદાજે 792 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ મામલામાં મોટી સંખ્યામાં રોકાણકારો સાથે નાણાકીય છેતરપિંડી થઈ હોવાનો આરોપ છે. આ કેસમાં EDએ પહેલા પણ કેટલીક મહત્વની ધરપકડો કરી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓમાં અમરદીપ કુમારના ભાઈ સંદીપ કુમાર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શરદ ચંદ્ર તોષણીવાલ અને ફાલ્કન ઇન્વોઇસ ડિસ્કાઉન્ટિંગના CEO આર્યન સિંહ છાબડા સામેલ છે. આ ત્રણેયને તપાસ દરમિયાન કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. આ સિવાય EDએ 29 સપ્ટેમ્બર 2025ના રોજ સંબંધિત કોર્ટમાં ફરિયાદ (ચાર્જશીટ) પણ દાખલ કરી હતી.
3 કરોડમાં વિમાનની હરાજી
EDએ સ્પષ્ટ કર્યું છે કે, વિમાનની હરાજીમાંથી મળેલી 3 કરોડ રૂપિયાની રકમને સુરક્ષિત રાખવામાં આવશે. આ રકમ PMLA, 2002ની જોગવાઈઓ હેઠળ સ્પેશિયલ કોર્ટની મંજૂરી મળ્યા બાદ વાસ્તવિક અને અસરગ્રસ્ત રોકાણકારોને પરત કરવાની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાશે. એજન્સીનું કહેવું છે કે, તેનો ઉદ્દેશ્ય ભોગ બનનાર રોકાણકારોને ન્યાય અપાવવાનો છે. પ્રવર્તન નિર્દેશાલયનું કહેવું છે કે, તે મની લોન્ડરિંગ દ્વારા મેળવેલી સંપત્તિઓની ઓળખ કરવા, તેની શોધ કરવા, તેને જપ્ત કરવા અને અંતે ગુનેગારોને આ સંપત્તિઓનો લાભ લેતા રોકવા માટે પ્રતિબદ્ધ છે. સાથે જ, એજન્સી આરોપીઓ સામે કાનૂની કાર્યવાહી કરી રહી છે, અને કાયદા અનુસાર પીડિતોને તેમના નાણાં પાછા અપાવવાની દિશામાં પણ કામ કરી રહી છે.
દેશમાં પહેલીવાર કોઈ જપ્ત કરાયેલા વિમાનની હરાજીનો આ મામલો મની લોન્ડરિંગ સામેની કાર્યવાહીના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ ઉદાહરણ માનવામાં આવી રહ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે, આ પગલાંથી આર્થિક ગુનાઓમાં સામેલ લોકોને કડક સંદેશ જશે કે, ગેરકાયદેસર રીતે મેળવેલી સંપત્તિઓને માત્ર જપ્ત જ નહીં કરવામાં આવે, પરંતુ તેને વેચીને પીડિતોને રાહત પણ પહોંચાડવામાં આવશે.









