આસામમાં પૂરની આફતથી ભારે તારાજી : PM મોદીએ બોલાવી બેઠક, રાહત માટે ધારાસભ્યોએ કર્યો પ્રશંસનીય નિર્ણય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Assam Floods PM Modi Reviews Situation : અસમમાં પૂરે સર્જેલી ગંભીર સ્થિતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના સાંસદો સાથે સમીક્ષા બેઠક કરી હતી. આ સિવાય, રાયજોર દળ સિવાયના તમામ ધારાસભ્યોએ પૂરપીડિતોની રાહત અને પુનર્વસન માટે પોતાના 1 મહિનાનો પગાર દાન કરવાની જાહેરાત કરી છે.
પીએમ મોદીએ શું જણાવ્યું?
સોશિયલ મીડિયા 'X' પર એક પોસ્ટમાં વડાપ્રધાને જણાવ્યું કે, તેમણે લોકોની સુરક્ષા અને કુશળતા માટે પ્રાર્થના કરી છે. તેમણે લખ્યું, 'અસમના સાંસદો સાથે મુલાકાત કરી અને રાજ્યના વિવિધ ભાગોમાં પૂરની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરી. કેન્દ્ર સરકાર પ્રભાવિત લોકોની મદદ માટે અસમ સરકાર સાથે મળીને કામ કરી રહી છે. હું તમામની સુરક્ષા અને કુશળ મંગલની કામના કરું છું.'
અસમમાં વર્તમાન પરિસ્થિતિ કેવી છે?
અસમના શિવસાગર જિલ્લામાં પૂરની સ્થિતિ સતત વણસી રહી છે. નૌજાન ગામમાં પૂરના પાણી ઘરોમાં ઘૂસી ગયા છે, અને રસ્તાઓ જળમગ્ન થઈ ગયા છે. જેના કારણે સેંકડો પરિવારો આશ્રય, ભોજન અને સુરક્ષિત પીવાના પાણી માટે સંઘર્ષ કરી રહ્યા છે, જ્યારે રાહત કામગીરી ઝડપી બનાવવામાં આવી છે. બીજી તરફ, અસમના ધારાસભ્યોએ એક મોટો નિર્ણય લીધો છે. રાયજોર દળ સિવાયના તમામ ધારાસભ્યોએ મંગળવારે રાજ્યના પૂર પીડિતોની રાહત અને પુનર્વસન માટે પોતાના 1 મહિનાનો પગાર દાન કરવાની જાહેરાત કરી છે.

અધ્યક્ષ રણજીત કુમાર દાસે શું જાહેરાત કરી?
અધ્યક્ષ રણજીત કુમાર દાસે જણાવ્યું કે, તેઓ અને ઉપાધ્યક્ષ હબ્બે ટેરોન પૂર રાહત માટે 1 મહિનાનો પગાર દાન કરશે. તેમણે જાહેરાત કરી કે, 'અમારા ઉપરાંત, વિધાનસભા સચિવાલયના તમામ કર્મચારીઓ પીડિતોના રાહત અને પુનર્વસન માટે 1 દિવસનો પગાર દાન કરશે.'
સંસદીય કાર્ય મંત્રીએ શું કહ્યું?
આ પહેલને આવકારતા સંસદીય કાર્ય મંત્રી પીયૂષ હજારિકાએ જણાવ્યું કે, ભાજપના તમામ ધારાસભ્યો પણ 1 મહિનાનો પગાર દાન કરશે. રાજ્યમાં તૃણમૂલ કોંગ્રેસના એકમાત્ર ધારાસભ્ય શેરમન અલી અહમદે પણ આવું જ કર્યું છે, અને પૂર પ્રભાવિત વિસ્તારો માટે પોતાના 1 મહિનાનો પગાર દાન કરવાની જાહેરાત કરી છે.
વાયુસેના દ્વારા રાહત કામગીરી ચાલુ
ભારતીય વાયુસેના દ્વારા અસમ અને નાગાલેન્ડના પૂર પ્રભાવિત વિસ્તારોમાં માનવીય સહાય અને આપત્તિ રાહત અભિયાન સતત ચાલુ છે. ખરાબ હવામાન અને પડકારજનક પરિસ્થિતિઓ છતાં વાયુસેના રાહત અને બચાવ કામગીરીમાં પૂર્ણ તત્પરતાથી જોડાયેલી છે. મંગળવારે ભારતીય વાયુસેનાએ જણાવ્યું કે, છેલ્લા 10 દિવસ દરમિયાન તેના હેલિકોપ્ટરોએ પૂરમાં ફસાયેલા 458 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે. વાયુસેનાના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી પ્રભાવિત વિસ્તારોમાં હવાઈ માર્ગે 9 ટનથી વધુ આવશ્યક રાહત સામગ્રી પહોંચાડવામાં આવી છે.
મહત્વનું છે કે અસમના કુલ 631 ગામો હજુ પણ જળમગ્ન છે. જ્યારે રાહત કામગીરી 184 શિબિરો અને વિતરણ કેન્દ્રો દ્વારા ચાલુ છે, જ્યાં લગભગ 28,700 લોકોને આશ્રય આપવામાં આવ્યો છે.









