India

'સ્કૂલ ઠીક કરો' અભિયાન: જયપુરમાં સ્કૂલ બહાર આશુતોષ રાંકા અને CJP કાર્યકરો પર હુમલો, ગાડીઓના કાચ તોડ્યા

By GS Team
21 Aug 20263 mins read
TukuTouch Logo
જયપુરના રામપુરા-કંવરપુરા ગામમાં સરકારી શાળા મુદ્દે ભારે હોબાળો થયો. CJP કાર્યકરો 'સ્કૂલ ઠીક કરો' અભિયાન હેઠળ શાળાની સ્થિતિ જોવા ગયા હતા. ગ્રામજનોએ તેમને ગામમાંથી ખદેડી મૂક્યા, ગાડીઓમાં તોડફોડ કરી અને પથ્થરમારો કર્યો. CJP એ ભાજપ પર હુમલાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો. ગ્રામજનોએ રાજકીય લાભ લેવાનો ઈનકાર કરી, સ્વખર્ચે શાળા બનાવવાની વાત કરી.

Summarized by AI; it may make mistakes. Check important info

'સ્કૂલ ઠીક કરો' અભિયાન: જયપુરમાં સ્કૂલ બહાર આશુતોષ રાંકા અને CJP કાર્યકરો પર હુમલો, ગાડીઓના કાચ તોડ્યા

Jaipur CJP Protest : રાજસ્થાનની રાજધાની જયપુરના બગરુ વિસ્તારમાં આવેલા રામપુરા-કંવરપુરા ગામમાં સરકારી શાળાના મુદ્દે ભારે હોબાળો સર્જાયો છે. કોકરોચ જનતા પાર્ટી (CJP) ના કાર્યકરો તેમના 'સ્કૂલ ઠીક કરો' અભિયાન હેઠળ ગામની સરકારી શાળાની વાસ્તવિક સ્થિતિ જોવા પહોંચ્યા હતા, પરંતુ ગ્રામજનોએ તેમનો ઉગ્ર વિરોધ કરી તેમને ગામમાંથી ખદેડી મૂક્યા હતા. આ ઘટનાએ સ્થાનિક સ્તરે રાજકીય માહોલ ગરમાવી દીધો છે અને આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર શરૂ થઈ ગયો છે.

કાર્યકરો પર હુમલો અને વાહનોમાં તોડફોડ

સવારના સમયે જ્યારે CJP ના કાર્યકરો શાળાની જર્જરિત હાલત જોવા પહોંચ્યા ત્યારે ગ્રામજનોએ વિરોધ શરૂ કર્યો હતો. થોડા સમય બાદ CJP પ્રવક્તા આશુતોષ રાંકા ખુદ શાળાએ પહોંચ્યા, જ્યાં તેમની સામે પણ ભારે નારેબાજી થઈ હતી. ધીમે ધીમે મામલો એટલો તંગ બની ગયો કે ધક્કામુક્કી શરૂ થઈ અને ગ્રામજનોએ કાર્યકરોને દોડાવીને માર માર્યો હોવાના અહેવાલ છે. આ દરમિયાન કાર્યકરોની ગાડીઓના કાચ તોડી નાખવામાં આવ્યા અને તેમના પર રેતી તેમજ પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો.

ભાજપ પર હુમલાનું કાવતરું ઘડવાનો આક્ષેપ

આ સમગ્ર ઘટના પર સોશિયલ મીડિયામાં પ્રતિક્રિયા આપતા અભિજિત દીપકે લખ્યું કે રાજસ્થાનમાં આશુતોષ પર ભાજપના ગુંડાઓએ હુમલો કર્યો છે અને પોલીસે આ બધું મૂકપ્રેક્ષક બનીને થવા દીધું. આશુતોષ રાંકાએ પણ આરોપ લગાવ્યો કે વિરોધ કરનારા લોકો વાસ્તવમાં ગ્રામજનો ન હતા, પરંતુ ભાજપ દ્વારા બોલાવવામાં આવેલા અસામાજિક તત્ત્વો હતા. આશુતોષે જણાવ્યું કે આ ટોળકીનો મુખ્ય સૂત્રધાર કમલ પ્રધાન છે, જે ગરીબોની જમીન પચાવી પાડવાનું કામ કરે છે. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે બાળકો ભેંસના તબેલામાં ભણે તે ભાજપને મંજૂર છે, પરંતુ શાળા સુધારવાના પ્રયાસો તેમને ક્યારેય ગમતા નથી.

જર્જરિત શાળા માટે 12 લાખનું બજેટ માત્ર કાગળ પર

બીજી તરફ ગામની શાળાની હાલત ખરેખર દયનીય છે. ગ્રામજન વિષ્ણુ કુમાર શર્માએ જણાવ્યું કે 1999 માં બનેલી આ શાળાની ઈમારત અત્યંત જર્જરિત થઈ ગઈ છે. હાલ 2 શિક્ષકો આશરે 20 થી 30 બાળકોને એક મોટા મકાનના 2 ઓરડામાં ભણાવવા મજબૂર છે. સ્થાનિક ધારાસભ્ય ડૉ. કૈલાશ વર્માએ શાળા માટે 9 લાખ રૂપિયાનું બજેટ ફાળવવાનું આશ્વાસન આપ્યું હતું. વધુમાં સરકાર તરફથી 12 લાખ રૂપિયાનું બજેટ પણ પાસ કરાયું હોવા છતાં જમીન પર કોઈ જ કામગીરી શરૂ થઈ નથી.

રાજકીય રોટલા શેકવાનો ગ્રામજનોનો ઈનકાર

ગ્રામજન રાજેશ કુમાર શર્માએ CJP ના કાર્યકરોના આગમનનો સખત વિરોધ કરતા કહ્યું કે તેઓ શાળાના મુદ્દે માત્ર રાજકીય ફાયદો ઉઠાવવા માંગે છે. તેમણે CJP પર ફંડ ઉઘરાવવાનો અને રાજકારણ કરવાનો સીધો આક્ષેપ કર્યો હતો. ગ્રામજનોએ સ્પષ્ટ કર્યું છે કે તેમના પૂર્વજોએ શાળા માટે જમીન આપી હતી. જો સરકાર સમયસર શાળાનું નિર્માણ નહીં કરાવે તો ગ્રામજનો જાતે જ ફાળો એકત્ર કરીને નવી શાળા બનાવશે, પરંતુ આ મહત્ત્વના મુદ્દે કોઈપણ પક્ષને રાજકીય લાભ લેવા દેવામાં આવશે નહીં.