Get The App

1 જૂનથી બદલાશે નિયમો : દેશમાં 5 મોટા ફેરફારો, કાર ખરીદવી પણ બનશે મોંઘી

Updated: May 31st, 2026

GS TEAM

Google News
Google News
1 જૂનથી બદલાશે નિયમો : દેશમાં 5 મોટા ફેરફારો, કાર ખરીદવી પણ બનશે મોંઘી 1 - image

Five Big Financial Rule Changes From First June 2026 :  આજે મે મહિનાનો છેલ્લો દિવસ છે અને કાલથી એટલે કે 1 જૂન 2026થી દેશમાં પાંચ મોટા આર્થિક ફેરફારો થવા જઈ રહ્યા છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓથી લઈને બેંકિંગ અને ઓટોમોબાઇલ સેક્ટર સુધીના આ બદલાવોની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા અને ઘરના બજેટ પર પડવાની છે. કાલથી 5 મોટા નિયમો બદલાવા જઈ રહ્યા છે.જેની સીધી અસર સામાન્ય માણસોના ખીસ્સા પર પડશે.

એલપીજી (LPG) સિલિન્ડરને લઈને બે મોટા ફેરફાર

દર મહિનાની પહેલી તારીખે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એલપીજી સિલિન્ડરના નવા ભાવ જાહેર કરે છે. પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) સંકટને કારણે છેલ્લા કેટલાક સમયથી ગેસ મોંઘો થયો છે. હાલ દિલ્હીમાં 14 કિલોના ઘરેલું ગેસ સિલિન્ડર ₹913માં અને 19 કિલોનો કોમર્શિયલ સિલિન્ડર ₹2078માં મળી રહ્યો છે, જેમાં કાલથી ફેરફાર થઈ શકે છે.

સિલિન્ડર કનેક્શન થઈ શકે છે કેન્સલ : સરકારના નવા નિયમ મુજબ, જો તમારા ઘરે પીએનજી (PNG - પાઇપલાઇન ગેસ) અને એલપીજી (LPG) બંને કનેક્શન હશે, તો તમારે એલપીજી કનેક્શન સરેન્ડર કરવું પડશે. જે લોકો પીએનજી હોવા છતાં સિલિન્ડર સરેન્ડર નથી કરી રહ્યા, કાલથી તેવા ઘરોની ઓળખ કરીને કનેક્શન કેન્સલ કરવાની પ્રક્રિયા શરૂ કરાશે.

પેટ્રોલ-ડીઝલ અને એટીએફ (ATF) પર નવી એક્સપોર્ટ ડ્યુટી

આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા ઓઇલ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારે પેટ્રોલ, ડીઝલ અને એટીએફ (હવાઈ ઈંધણ)ના નિકાસ પર નવો ટેક્સ (એક્સપોર્ટ ડ્યુટી) લગાવવાનો નિર્ણય કર્યો છે, જે 1 જૂન 2026થી લાગુ થશે. સરકારી નોટિફિકેશન મુજબ, હવેથી નિકાસ પર પેટ્રોલમાં ₹1.5 પ્રતિ લીટર, ડીઝલમાં ₹13.5 પ્રતિ લીટર અને એટીએફ પર ₹ 9.5 પ્રતિ લીટરનો નિકાસ વેરો વસૂલવામાં આવશે. એટીએફના ભાવ બદલાવાથી હવાઈ મુસાફરીના ભાડા પર પણ અસર પડી શકે છે.

HDFC બેંકના નિયમોમાં મોટો ફેરફાર

1 જૂનથી HDFC બેંક કરંટ એકાઉન્ટ સહિતના અન્ય ખાતાઓ માટે કેશ ડિપોઝિટના નિયમો બદલી રહી છે. હવે નાની નોટો (₹20 કે તેથી ઓછી) અને સિક્કાઓ જમા કરાવવા માટે માસિક મર્યાદા (Monthly Limit) નક્કી કરવામાં આવી છે.

₹20 કે તેથી નાની નોટો માટે લિમિટ: ₹10,000 પ્રતિ માસ

સિક્કાઓ જમા કરાવવા માટે લિમિટ: ₹5,000 પ્રતિ માસ

જો ગ્રાહક આ નક્કી કરેલી મર્યાદા કરતાં વધુ રકમ જમા કરાવશે, તો લિમિટ બહારની એક્સ્ટ્રા રકમ પર 2 ટકા વધારાનો ચાર્જ ચૂકવવો પડશે.

સોલર પેનલ (Solar Panel) સાથે જોડાયેલો નવો નિયમ

1 જૂન 2026થી સોલર પેનલ માટે સરકારની માન્યતા પ્રાપ્ત મોડલ અને મેન્યુફેક્ચરર્સની યાદી (ALMM List-II) ફરજિયાત બનશે. આ નિયમ લાગૂ થવાથી સરકારી યોજનાઓ અને સબસિડી વાળા પ્રોજેક્ટ્સમાં માત્ર આ લિસ્ટમાં સામેલ સોલર મોડ્યુલ્સ અને સેલનો જ ઉપયોગ કરી શકાશે. ક્વોલિટી સુધારવા માટે લેવાયેલા આ પગલાના કારણે આગામી દિવસોમાં સોલર પેનલની કિંમતો વધવાની આશંકા છે.

મારુતિ સુઝૂકીની કારો થશે મોંઘી

નવી કાર ખરીદવાનું વિચારતા લોકો માટે કાલથી મોટો ઝટકો લાગશે. દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝૂકી (Maruti Suzuki) એ અગાઉ કરેલી જાહેરાત મુજબ, કાલથી કારના નવા ભાવ લાગૂ થઈ જશે. અલ્ટો (Alto) થી લઈને બ્રેઝા (Brezza) સુધીની ગાડીઓની કિંમતોમાં અલગ-અલગ મોડલના આધારે મહત્તમ ₹30,000 સુધીનો વધારો ઝીંકવામાં આવ્યો છે.