India

ભારતમાં પ્રથમવાર: પુરમાં ગંભીર ઈજાગ્રસ્ત 53 વર્ષીય હાથણીનું આસામથી જામનગર 'વનતારા' ખાતે થશે એરલિફ્ટિંગ

By GS Team
21 Aug 20264 mins read
TukuTouch Logo
નાગાલેન્ડના પૂરગ્રસ્ત વિસ્તારમાંથી બચાવેલી 53 વર્ષીય હાથણી 'જોયમોતી'ને તાત્કાલિક સારવાર અર્થે જામનગરના 'વનતારા' ખાતે એરલિફ્ટ કરવામાં આવી રહી છે. ભારતમાં પ્રથમવાર હાથીનું આ રીતે એરલિફ્ટિંગ થશે. અનંત અંબાણી દ્વારા સ્થાપિત 'વનતારા'માં તેને ગંભીર ઈજાઓ અને આંખની સમસ્યા માટે વિશેષ સારવાર અપાશે. આ કાયમી સ્થળાંતર નહીં, પણ મેડિકલ ટ્રાન્સફર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતમાં પ્રથમવાર: પુરમાં ગંભીર ઈજાગ્રસ્ત 53 વર્ષીય હાથણીનું આસામથી જામનગર 'વનતારા' ખાતે થશે એરલિફ્ટિંગ

Jamnagar Vantara Elephant Joymoti Airlifted: જુલાઈ મહિનામાં નાગાલેન્ડ અને આસામમાં આવેલા વિનાશક પૂરમાંથી બચાવાયેલી 53 વર્ષીય માદા હાથણી 'જોયમોતી' ને તાત્કાલિક અને અત્યાધુનિક પશુચિકિત્સા પૂરી પાડવા માટે 'વનતારા' ખાતે એરલિફ્ટ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે ભારતમાં તાત્કાલિક સારવારને ધ્યાને રાખીને પ્રથમ વખત આ રીતે હાથીનું એરલિફ્ટિંગ થઈ રહ્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણી દ્વારા સ્થાપિત 'વનતારા' ગુજરાતના જામનગરમાં આવેલું છે.

પૂરમાં તણાઈ ગયેલી જોયમોતીના શરીર પર ગંભીર અને જીવલેણ ઈજાઓ

જુલાઈના બીજા સપ્તાહમાં નાગાલેન્ડના પૂરના પાણીમાં તણાઈ ગયેલી આ હાથણીને સ્થાનિક લોકો અને સરકારી એજન્સીઓની મદદથી બચાવી લેવાઈ હતી. આ દુર્ઘટનામાં તેને કપાળ, જમણો કાન, પૂંછડીની ઉપરનો ભાગ, ડાબી જાંઘ અને પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેના ગુપ્તાંગની આસપાસના ઊંડા ઘામાં કીડા પડી ગયા હતા. તેની જમણી આંખ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થવાથી તે અંધ બની ગઈ છે અને તેમાંથી સતત પાણી વહી રહ્યું છે. લાકડાં ખેંચવાના કામ દરમિયાન ભૂતકાળમાં ડાબા પગમાં થયેલા ફ્રેક્ચરને કારણે તે લંગડાઈને ચાલે છે, જેનાથી તેને ચાલવામાં તેમજ ખોરાક અને પાણી મેળવવામાં પણ ભારે મુશ્કેલી પડી રહી છે.

1.png

પ્રાથમિક સારવાર બાદ ગંભીર હાલતને જોતા સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની તાતી જરૂરિયાત

બચાવ કામગીરી બાદ જોયમોતીને સ્થાનિક સ્તરે પ્રાથમિક તબીબી સારવાર આપવામાં આવી હતી, જેમાં ઘાનું ડ્રેસિંગ, પેઇનકિલર દવાઓ અને મલ્ટીવિટામીન સપ્લીમેન્ટ્સનો સમાવેશ થાય છે. જોકે, તેના ઘાની ગંભીરતા, ઉંમર અને હલનચલનમાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને તેને તાત્કાલિક ધોરણે એક અત્યાધુનિક હોસ્પિટલના માહોલમાં નિષ્ણાત સારવારની આવશ્યકતા ઊભી થઈ હતી.

હાથણીને મુસાફરીમાં તકલીફ ન પડે તે માટે હવાઈ માર્ગે ખસેડાઈ

જોયમોતીને વનતારા ખાતે ખસેડવાનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર તેને તાત્કાલિક અને વિશેષ તબીબી સારવાર પૂરી પાડવાનો છે. જમીન માર્ગે મુસાફરીનો સમય અને શારીરિક શ્રમ ઘટાડવા તથા તેના સ્વાસ્થ્યને કેન્દ્રમાં રાખીને તેને એરલિફ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વનતારા પહોંચ્યા બાદ, પશુચિકિત્સકો દ્વારા તેનું સઘન ચેકઅપ કરવામાં આવશે અને તેની ઈજાઓ તથા આંખની સમસ્યા માટે જરૂરી પોષણ અને સહાયક સારવાર આપવામાં આવશે.

2.jpg

ભારતમાં પ્રથમ વખત હોસ્પિટલની સઘન સારવાર માટે હાથીનું એરલિફ્ટિંગ

સઘન તબીબી સારવારના ભાગરૂપે કોઈપણ હાથીને હવાઈ માર્ગે ખસેડવાની આ ભારતમાં પ્રથમ અને અનોખી ઘટના છે. આ પ્રક્રિયામાં મોટાપાયે પશુચિકિત્સા, પ્રાણીઓની સંભાળ અને લોજિસ્ટિક તૈયારીઓ માંગે છે. મુસાફરી પહેલાં તેના સ્વાસ્થ્યનું મૂલ્યાંકન કરવાથી લઈને, વિમાનમાં ચઢાવવા, ફ્લાઇટ દરમિયાન મોનિટરિંગ કરવા અને હોસ્પિટલમાં પહોંચવા સુધીના દરેક તબક્કે જોયમોતીના સ્વાસ્થ્ય, આરામ અને સુરક્ષાનું ઝીણવટભર્યું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. હવાઈ મુસાફરીના કારણે ગંભીર ઈજાઓ અને બીમારીઓ ધરાવતા હાથીઓ માટે લાંબી મુસાફરીનો સમય ઘટાડી શકાય છે, જે તેમની સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ છે.

12.jpg

આસામમાં સ્થાનિક વન્યજીવ તબીબી સુવિધાઓ ઊભી કરવા વનતારાનો પ્રસ્તાવ

જોયમોતીનો આ કિસ્સો પૂર અને માનવ-વન્યજીવ સંઘર્ષ પ્રભાવિત વિસ્તારોની નજીક સ્પેશિયલાઈઝ્ડ વેટરનરી સુવિધાઓ હોવાની જરૂરિયાત પર ભાર મૂકે છે. આ સમસ્યાના ઉકેલ માટે, વનતારા દ્વારા આસામમાં સ્થાનિક ક્ષમતા વધારવા માટે ત્રણ વન્યજીવ પશુચિકિત્સા કેન્દ્રો સ્થાપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, જેમાં હાથીઓ માટેના એક ખાસ કેન્દ્રનો પણ સમાવેશ થાય છે. આ કેન્દ્રો સંપૂર્ણપણે આસામ વન વિભાગ દ્વારા સ્વતંત્ર રીતે ચલાવવામાં આવશે. તેનો મુખ્ય હેતુ એ છે કે ભવિષ્યમાં આસામના વન્યજીવોને ઘરઆંગણે જ ઉચ્ચ ગુણવત્તાની સારવાર મળી રહે અને લાંબી મુસાફરી ટાળી શકાય.

13.jpg

આ માત્ર મેડિકલ ટ્રાન્સફર છે, જોયમોતીનું કાયમી સ્થળાંતર કરવામાં નથી આવ્યું

જોયમોતીની વનતારા સુધીની આ સફર કોઈ કાયમી સ્થળાંતર નથી, પરંતુ માત્ર તેનો જીવ બચાવવા માટે જરૂરી સ્પેશિયલાઈઝ્ડ સારવાર અર્થે કરાયેલું એક તાત્કાલિક મેડિકલ ટ્રાન્સફર છે. વનતારા ખાતે હાલ પ્રાથમિકતા એ જ છે કે જોયમોતીને શક્ય એટલી શ્રેષ્ઠ સારવાર મળે અને તે ઝડપથી રિકવર થઈને એક સ્વસ્થ, સુરક્ષિત અને સન્માનજનક જીવન જીવી શકે.

વન્યજીવ કલ્યાણ અને સંરક્ષણ ક્ષેત્રે 'વનતારા'ની અદભુત અને પ્રશંસનીય કામગીરી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણી દ્વારા સ્થાપિત 'વનતારા' એક અગ્રણી એનિમલ વેલ્ફેર અને કન્ઝર્વેશન સંસ્થા છે. તેના એક્સ-સિટુ (કુદરતી નિવાસસ્થાનની બહાર અપાતી સંભાળ) કાર્યક્રમોમાં એડવાન્સ્ડ વેટરનરી મેડિસિન, પ્રજાતિ-વિશિષ્ટ પોષણ અને નિષ્ણાત ટીમોના ટેકાથી બચાવ, પુનર્વસન, સારવાર અને લાંબા ગાળાની સંભાળનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વનતારા દ્વારા ઇન-સિટુ સંરક્ષણ (પ્રાણીઓના કુદરતી રહેઠાણોમાં સંરક્ષણ) હેઠળ સરકારી સત્તાવાળાઓ અને સંસ્થાઓની ભાગીદારીથી ભારતમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે મૂળ પ્રજાતિઓની પુનઃસ્થાપના, રહેઠાણોની જાળવણી અને માનવ-વન્યજીવ સંઘર્ષ ઘટાડવાના પ્રયાસો પણ ચલાવવામાં આવે છે.