India

'પહેલીવાર મેં અસલ જિંદગીમાં મિસાઈલો જોઈ...', હોર્મુઝમાં ફસાયેલી ભારતીય દીકરીએ વર્ણવી આપવીતી

By GS Team
5 Jul 20263 mins read
TukuTouch Logo
કેરળની હિફા સલીમ ઓક્ટોબર 2025માં હ્યુસ્ટનથી મર્ચન્ટ નેવી જહાજ પર સવાર થઈ. ફારસની ખાડીમાં યુદ્ધ ફાટી નીકળતાં, તેમનું જહાજ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાસે ફુજૈરાહ એન્કરેજમાં ફસાયું. 24 વર્ષની હિફાએ આકાશમાં મિસાઈલો જોઈ, જે તેના માટે ભયાવહ અનુભવ હતો. 550 ભારતીય નાવિકો સાથે 13 જહાજો 100 દિવસથી વધુ ફસાયેલા રહ્યા.

Summarized by AI; it may make mistakes. Check important info

'પહેલીવાર મેં અસલ જિંદગીમાં મિસાઈલો જોઈ...', હોર્મુઝમાં ફસાયેલી ભારતીય દીકરીએ વર્ણવી આપવીતી

Hifa Salim: ઓક્ટોબર 2025માં હ્યુસ્ટનથી પોતાના પહેલા મર્ચન્ટ નેવી જહાજ પર સવાર થઈને પોતાના સપનાની નોકરી શરૂ કરનારી હિફા સલીમને અંદાજો નહોતો કે થોડા જ મહિનાઓમાં ફારસની ખાડીમાં યુદ્ધ છેડાઈ જશે. યુદ્ધના કારણે તેના જહાજનો માર્ચની શરૂઆતમાં કુવૈત જવાનો નિર્ધારિત કાર્યક્રમ રદ કરી દેવામાં આવ્યો અને જહાજને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz)ની બહાર ફુજૈરાહ એન્કરેજ પાસે સમુદ્રમાં રાહ જોવાનો નિર્દેશ આપવામાં આવ્યો. બાદમાં હિફાને ખબર પડી કે જો તેમનું જહાજ ત્યાં માત્ર 15 કલાક વહેલું પહોંચ્યું હોત, તો તેઓ ખાડીની અંદર જ ફસાઈ ગયા હોત.

ભયાનક મંજર

કેરળની આ યુવા મરીન એન્જિનિયરે જ્યારે આકાશ તરફ જોયું, તો ત્યાં એક બાદ એક મિસાઈલો ઝડપથી પસાર થઈ રહી હતી. આ નજારો માત્ર થોડી સેકન્ડનો જ હતો, પરંતુ 24 વર્ષની હિફા સલીમ માટે આ એક એવો ભયાનક મંજર હતો કે જેને તે જિંદગીભર ભૂલી નહીં શકે.

પહેલીવાર મેં અસલ જિંદગીમાં મિસાઈલો જોઈ

જહાજના એન્જિન રૂમના ચક્કર લગાવતા પહેલા તાજી હવા ખાવા માટે ડેક પર આવેલી હિફાએ જ્યારે આકાશમાં મિસાઈલોની ચમક જોઈ તો તે ખૂબ ડરી ગઈ. તેણે જણાવ્યું કે, 'આ પહેલીવાર હતું જ્યારે મેં અસલ જિંદગીમાં મિસાઈલો જોઈ હતી. મારા હાથ ધ્રૂજવા લાગ્યા હતા. ગભરાઈને હું નીચે ક્રૂના મેસ રૂમ તરફ ભાગી અને જહાજ પરથી પાછા ઘરે લોટી જવાનું મન બનાવવા લાગી.'

મેસ રૂમનો નજારો જોઈને વિચારસરણી બદલાઈ

તેણે આગળ જણાવ્યું કે, 'પરંતુ મેસ રૂમમાં જે નજારો હતો, તેણે મારી વિચારસરણી બદલી નાખી. ત્યાં મારા સિનિયર અધિકારીઓ ખૂબ જ સહજતાથી નાસ્તો કરી રહ્યા હતા અને હસી-મજાક કરી રહ્યા હતા. જો મારા સિનિયર્સ પોતાના ડરને છુપાવીને કામ પર આવી શકે છે, તો હું પણ આવી શકું છું. તે જ સમયે જહાજની સ્થિતિ સુધારવા માટે મુખ્ય એન્જિન શરૂ થયું. જે એન્જિનનો 'ટક-ટક-ટક' અવાજ હું રોજ સાંભળતી હતી, તે સવારે કંઈક અલગ લાગ્યો. તે અવાજ જહાજના ધબકારા જેવો હતો. મને અહેસાસ થયો કે જહાજ જીવંત છે અને અમે એકલા નથી.'

હિફા જહાજ પર ફિફ્થ એન્જિનિયરના પદ પર હતી

હિફા જહાજ પર ફિફ્થ એન્જિનિયરના પદ પર હતી, તેથી દરિયાઈ પરંપરા મુજબ ક્રૂના સભ્યો તેને પ્રેમથી 'પાંચ સાબ' કહીને બોલાવતા હતા. ગભરાહટના એ સમયમાં જહાજના સેકન્ડ એન્જિનિયરે જ્યારે હિફાનો ઉતરેલો ચહેરો જોયો, ત્યારે તેઓ સમજી ગયા કે આ યુવા એન્જિનિયર ડરેલી છે. પરંતુ જ્યારે હિફાએ નોકરી છોડવાને બદલે બોર્ડ પર રહીને ટીમનો હિસ્સો બનવાની ઈચ્છા વ્યક્ત કરી, ત્યારે સિનિયર ઓફિસર હસ્યા અને તેમણે હિફાને કહ્યું કે, 'પાંચ સાબ હવે મજબૂત થઈ ગયા છે. આવો, સાથે મળીને એક ફ્યુઅલ વાલ્વનું ઓવરહોલિંગ કરીએ, પછી બધું ઠીક થઈ જશે.'

પરિવારથી ડર છુપાવ્યો

હિફાએ ઘરે પોતાના માતા-પિતાને યુદ્ધની સ્થિતિ વિશે વધુ ન જણાવ્યું, જેથી તેઓ ચિંતા ન કરે. પરંતુ રસપ્રદ વાત એ રહી કે જ્યારે જહાજ સુરક્ષિત વિસ્તારમાં બહાર નીકળી આવ્યું, ત્યારે હિફાને ખબર પડી કે તેમના માતા-પિતા પણ ફોન પર જાણીજોઈને શાંત રહેતા હતા જેથી હિફા ગભરાઈ ન જાય. તેઓ બધા એકબીજાની ઢાલ બનેલા હતા.

હિફાના પરિવારે હંમેશા તેને મોટા સપના જોવાનું શીખવ્યું

કેરળના ત્રિશૂર જિલ્લાના એક નાના શહેર એડક્કઝિયૂરની રહેવાસી હિફાના પરિવારે હંમેશા તેને મોટા સપના જોવાનું શીખવ્યું હતું. હિફાએ શરૂઆતમાં ઈન્ડિયન નેવીમાં જવાનું સપનું જોયું હતું, પરંતુ મર્ચન્ટ નેવીની એન્જિનિયરિંગે તેને વધુ આકર્ષિત કરી. તેના શહેરમાં કોઈને આ વ્યવસાય વિશે ખબર જ નહોતી. હિફાએ નક્કી કરી લીધું હતું કે, તે પોતાના શહેરમાંથી આ માર્ગ પર ચાલનારી પહેલી વ્યક્તિ બનશે જેથી ભવિષ્યમાં બીજા લોકોને રસ્તો બતાવી શકે.

વૈશ્વિક સ્તરે દરિયાઈ નાવિકો મામલે ભારત મોટી મહાશક્તિ

ઉલ્લેખનીય છે કે, વૈશ્વિક સ્તરે દરિયાઈ નાવિકો (સીફેર્સ)ના મામલે ભારત એક મોટી મહાશક્તિ છે. વર્ષ 2024ના આંકડા પ્રમાણે ભારત 3.23 લાખ નાવિકો સાથે ફિલિપાઈન્સ અને ચીન પછી દુનિયાના ટોચના ત્રણ દેશોમાં સામેલ છે. દુનિયાનો દર પાંચમો નાવિક ભારતીય છે. આ યુદ્ધ દરમિયાન લગભગ 550 ભારતીય નાવિકો સાથે ભારતના ધ્વજવાળા 13 જહાજો 100 કરતાં વધુ દિવસો સુધી સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ફસાયેલા રહ્યા હતા.