કાશી વિશ્વનાથ મંદિરમાં ફાયરિંગ, PSC જવાનની બંદૂકમાંથી અચાનક ગોળી છૂટતાં 3ને વાગી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Kashi Vishwanath Temple Security Breach: ધર્મનગરી કાશી (વારાણસી)ના સૌથી સુરક્ષિત ગણાતા શ્રી કાશી વિશ્વનાથ મંદિર પરિસરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શનિવારે સવારે મંદિરના ગેટ નંબર 4B પર સુરક્ષામાં તહેનાત પીએસી (PAC)ના એક જવાનની સરકારી બંદૂકમાંથી અકસ્માતે ગોળી છૂટી ગઈ હતી. સદનસીબે આ ગોળી સીધી કોઈને વાગી ન હતી, પરંતુ તેના કારણે આસપાસ ઊભેલા ત્રણ લોકો સામાન્ય રીતે ઘાયલ થયા છે.
કેવી રીતે ઘટી આ ઘટના?
પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના શનિવારે સવારે આશરે સાત વાગ્યે બની હતી. 48મી વાહિનીના પીએસી જવાન અમરનાથ ચૌહાન રસ્તા કિનારે ઊભા હતા, ત્યારે તેમની પાસે રહેલી કાર્બાઇન બંદૂકમાંથી મિસફાયર થતાં અચાનક ગોળી ચાલી ગઈ હતી. આ ગોળી સીધી કોઈ વ્યક્તિને વાગવાને બદલે રસ્તા પરના પથ્થર સાથે અથડાઈ હતી. પથ્થર સાથે અથડાવાને કારણે તેના છર્રા અને કાંકરીઓ આસપાસ ઊભેલા લોકોને વાગ્યા હતા, જેના લીધે ત્યાં હાજર ભક્તો અને લોકોમાં થોડીવાર માટે અફરાતફરી અને દહેશતનો માહોલ સર્જાયો હતો.
ત્રણ દુકાનદારો ઘાયલ, સ્થિતિ નિયંત્રણમાં
આ અકસ્માતમાં ઘાયલ થયેલા ત્રણેય વ્યક્તિઓની ઓળખ નિક્કી ગુપ્તા, રામ બાબુ અને વિકાસ યાદવ તરીકે થઈ છે. આ ત્રણેય યુવકો મંદિર પરિસરમાં આવેલી 'કૈલાશપતિ' નામની માલા-ફૂલની દુકાનમાં સ્ટાફ તરીકે કામ કરે છે. ગોળીના છર્રા વાગવાને કારણે વિકાસને હાથ અને કમરના ભાગે, રામ બાબુને પેટ અને હાથ પર તથા નિક્કીને હાથના ભાગે ઈજાઓ પહોંચી હતી.
ઘટના બનતાની સાથે જ સુરક્ષાકર્મીઓએ સ્થિતિ સંભાળી લીધી હતી અને ત્રણેય ઘાયલોને તાત્કાલિક સારવાર માટે કબીરચોરા સ્થિત મંડળીય ચિકિત્સાલય ખસેડવામાં આવ્યા હતા. તબીબોના જણાવ્યા અનુસાર, પ્રાથમિક સારવાર બાદ ત્રણેયની હાલત સામાન્ય છે અને તેઓ જોખમથી બહાર છે.
સુરક્ષા વ્યવસ્થા સખત કરાઈ, તપાસ શરૂ
ગોળી ચાલવાની આ ઘટના બાદ વરિષ્ઠ પોલીસ અને વહીવટી અધિકારીઓ તુરંત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું. સાવચેતીના ભાગરૂપે કાશી વિશ્વનાથ મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સખત કરી દેવામાં આવી છે. પોલીસે ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્ર કર્યા છે અને સંબંધિત પીએસી જવાનની પૂછપરછ કરવામાં આવી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે પ્રાથમિક દૃષ્ટિએ આ આકસ્મિક ફાયરિંગનો મામલો જણાય છે, છતાં સુરક્ષાના માપદંડોમાં કોઈ બેદરકારી હતી કે કેમ તે અંગેની સંપૂર્ણ તપાસ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.









