UNSCનું સભ્ય બનવા ભારતને મળ્યું મજબૂત સમર્થન, ફિનલેન્ડના પ્રમુખે વિદેશ નીતિના કર્યા વખાણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| (IMAGE - IANS) |
Finland President India Visit: નવી દિલ્હી ખાતેના 'રાયસીના ડાયલોગ'ના ઉદ્ઘાટન પ્રસંગે ફિનલેન્ડના પ્રમુખ એલેક્ઝાન્ડર સ્ટબે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(UNSC)માં ભારતની કાયમી સદસ્યતા માટે મજબૂત સમર્થન જાહેર કર્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે પશ્ચિમી દેશોના વર્ચસ્વનો સમય હવે પૂર્ણ થયો છે અને વર્તમાન વૈશ્વિક બદલાવમાં ભારત જેવી મહાસત્તાને સુરક્ષા પરિષદથી દૂર રાખવી તે અનુચિત છે. આ અગાઉ પણ વૈશ્વિક સ્તરે ભારતની દાવેદારીને ટેકો આપી ચૂકેલા સ્ટબના આ નિવેદનથી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની વધતી જતી પ્રતિષ્ઠા અને મહત્ત્વ ફરી એકવાર સાબિત થાય છે.
ગ્લોબલ સાઉથમાં ભારતની ભૂમિકા સૌથી મહત્ત્વની
ભારતની વિદેશ નીતિના વખાણ કરતા ફિનલેન્ડના પ્રમુખે કહ્યું કે, 'ભારત કોઈ પણ ભ્રમમાં રહ્યા વિના વાસ્તવિકતાના આધારે નિર્ણયો લે છે. તેમણે ભારતની 'વ્યૂહરચનાત્મક સાવધાની' અને પોતાની શરતો પર નિર્ણયો લેવાની આઝાદીને વિશ્વ માટે એક ઉદાહરણ ગણાવ્યું હતું. સ્ટબે વધુમાં કહ્યું કે 'ગ્લોબલ સાઉથ' ભવિષ્યની વિશ્વ વ્યવસ્થા નક્કી કરશે અને તેમાં ભારતની ભૂમિકા સૌથી મહત્ત્વની રહેશે. તેમના મતે, ભારત એક એવી વૈશ્વિક વ્યવસ્થા તરફ દોરી જશે જે સહયોગ, નિષ્પક્ષતા અને સમાનતા પર આધારિત હોય.'
આ પણ વાંચો: ઈરાન યુદ્ધને કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે? કેન્દ્ર સરકારના જવાબથી ભારતીયોની ચિંતા દૂર!
પરિવર્તનના યુગમાં ભારતની નિર્ણાયક ભૂમિકા
વૈશ્વિક શક્તિ સંતુલન બદલાઈ રહ્યું હોવાનું સ્વીકારતા એલેક્ઝાન્ડર સ્ટબે જણાવ્યું કે વિશ્વ અત્યારે પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ જેવી જ પરિવર્તનની સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. આ બદલાવના સમયમાં ભારત અને અન્ય અગ્રણી શક્તિઓ દ્વારા લેવામાં આવતા નીતિગત નિર્ણયો ભવિષ્યની દિશા નક્કી કરવામાં નિર્ણાયક સાબિત થશે. તેમણે ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે થયેલા કરારો પર પણ ચર્ચા કરી હતી અને રાયસીના ડાયલોગની વધતી જતી લોકપ્રિયતાને બિરદાવી હતી.









