India

ચંદીગઢમાં શીખ કેદીઓની મુક્તિ માટે ઉગ્ર વિરોધ પ્રદર્શન, 21 ઓગસ્ટે 'પંજાબ બંધ'નું એલાન

By GS Team
15 Aug 20262 mins read
TukuTouch Logo
ચંદીગઢમાં શીખ કેદીઓની મુક્તિ માટે શનિવારે રાજ્યપાલ નિવાસ તરફ કૂચ કરી રહેલા પ્રદર્શનકારીઓને પોલીસે રોક્યા. બેરિકેડ્સ હટાવવાના પ્રયાસ બાદ પોલીસે ટીયર ગેસ અને પાણીનો મારો ચલાવ્યો હતો. કૌમી ઇન્સાફ મોર્ચાએ 21 ઓગસ્ટે 'પંજાબ બંધ'નું એલાન કર્યું છે. ચંદીગઢ-મોહલી બોર્ડર સીલ કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચંદીગઢમાં શીખ કેદીઓની મુક્તિ માટે ઉગ્ર વિરોધ પ્રદર્શન, 21 ઓગસ્ટે 'પંજાબ બંધ'નું એલાન

Chandigarh Protest Bandh 21 August : ચંદીગઢમાં શનિવારે શીખ કેદીઓની મુક્તિની માંગણી સાથે પ્રદર્શનકારીઓએ પંજાબના રાજ્યપાલ ગુલાબ ચંદ કટારીયાના નિવાસસ્થાન તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન કેટલાક પ્રદર્શનકારીઓએ બેરિકેડ્સ પર ચઢીને અને ટ્રેક્ટરની મદદથી તેને હટાવવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારબાદ પોલીસે ભીડને ખદેડવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા હતા અને પાણીનો મારો ચલાવ્યો હતો. આ ઘટના બાદ હવે કૌમી ઇન્સાફ મોર્ચાએ આગામી 21 ઓગસ્ટે 'પંજાબ બંધ'નું એલાન કર્યું છે.

ચંદીગઢ-મોહલી બોર્ડર સીલ, કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી

પ્રદર્શનકારીઓને રાજ્યપાલવાસ સુધી પહોંચતા અટકાવવા માટે ચંદીગઢ-મોહલી સરહદ પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. અનેક સ્તરે બેરિકેડિંગની સાથે તેના પર કાંટાળા તાર પણ લગાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત દંગા રોધી વાહનો અને રેપિડ એક્શન ફોર્સ સહિત મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. કૌમી ઇન્સાફ મોર્ચા દ્વારા 'શીખ કેદીઓની મુક્તિની માંગને લઈને આ માર્ચ બોલાવવામાં આવી હતી, જેઓ પોતાની સજા પૂરી થવા છતાં વિવિધ જેલોમાં બંધ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

મુખ્ય કેદીઓની યાદી અને લાંબા સમયથી ચાલી રહેલું આંદોલન

મોર્ચા દ્વારા જે શીખ કેદીઓની મુક્તિની માંગ કરવામાં આવી રહી છે તેમાં જગતાર સિંહ વારા, બલવંત સિંહ રાજોઆણા, જગતાર સિંહ તારા, પરમજીત સિંહ ભેઓરા, દેવિન્દરપાલ સિંહ ભુલ્લર, ગુરદીપ સિંહ ખેહેરા, લખવિન્દર સિંહ લખા, ગુરમીત સિંહ અને શમશેર સિંહ સામેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ કેદીઓ 1990 ના દાયકાના ઉગ્રવાદ સાથે જોડાયેલા કેસોમાં સજા કાપી રહ્યા છે. આ માંગણીઓને લઈને કૌમી ઇન્સાફ મોર્ચા 7 જાન્યુઆરી 2023થી ચંદીગઢ અને મોહલીની સરહદ પર ધરણા આપી રહ્યું છે, જેને હવે વિવિધ પંથક અને રાજકીય સંગઠનોનું સમર્થન પણ મળી રહ્યું છે.