India

બે માસૂમો પર 19 સેકન્ડમાં 12 થપ્પડ વરસાવનારી માતા સામે પિતાએ જ કાર્યવાહીની માગ કરી

By GS Team
30 Sep 20263 mins read
TukuTouch Logo
ફરીદાબાદમાં એક કાળજુ કંપાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક નિર્દય માતાએ મોબાઈલ સ્ક્રીન પર સ્ક્રેચ પડવા જેવી નજીવી બાબતે પોતાના 2 માસૂમ બાળકોને ક્રૂરતાપૂર્વક માર માર્યો હતો. આ ઘટના CCTVમાં કેદ થઈ હતી. ભારતીય સેનામાં ફરજ બજાવતા પિતા સતબીરે પત્ની સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બે માસૂમો પર 19 સેકન્ડમાં 12 થપ્પડ વરસાવનારી માતા સામે પિતાએ જ કાર્યવાહીની માગ કરી

Faridabad Mother Beating Children: હરિયાણાના ફરીદાબાદમાંથી એક કાળજુ કંપાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક નિર્દય માતાએ માત્ર મોબાઈલની સ્ક્રીન પર સ્ક્રેચ પડી જવા જેવી નજીવી બાબતે પોતાના જ બે માસૂમ બાળકોને ક્રૂરતાપૂર્વક માર માર્યો હતો. આ સમગ્ર ઘટના ઘરમાં લગાવેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, આ નિર્દય માતા બાળકોને સતત થપ્પડ મારી રહી છે. બાળકના રડવાનો અવાજ સાંભળીને એક પાડોસી યુવક પણ ત્યાં પહોંચી ગયો. આ વીડિયો સામે આવ્યા બાદ ભારતીય સેનામાં ફરજ બજાવતા પિતા સતબીરે પોલીસમાં ફરિયાદ નોંધાવીને પોતાની પત્ની સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. પિતાએ પત્ની પર પહેલા પણ બાળકો સાથે મારપીટ કરવાનો આરોપ લગાવ્યો છે.

CCTVમાં કેદ થઈ સમગ્ર ઘટના

આ મામલો ફરીદાબાદના નગલા પાર્ટ-2 વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે. આરોપ છે કે 27 સપ્ટેમ્બરની સાંજે ઘરમાં રહેલી 6 વર્ષની બાળકી મોબાઈલ વાપરી રહી હતી. આ દરમિયાન તેની માતા સોનિયા ત્યાં પહોંચી અને મોબાઈલની સ્ક્રીન પર સ્ક્રેચ જોઈને ગુસ્સે થઈ ગઈ હતી. ત્યારબાદ તેણે આવેશમાં આવીને મોબાઈલ ફેંકીને બાળકોને માર મારવાનું શરૂ કરી દે છે.

સતબીરે જણાવ્યું હતું કે, 'આ ઘટના સાંજે લગભગ 7 વાગ્યાની છે. મારી દીકરી મોબાઈલ વાપરી રહી હતી, ત્યારે જ તેની માતા સોનિયા ત્યાં આવે છે અને મોબાઈલ જોઈ છે. મોબાઈલની સ્ક્રીન પર સ્ક્રેચ જોઈને તે બૂમાબૂમ કરવા લાગે છે અને માસૂમ બાળકીને થપ્પડ મારવાનું શરૂ કરી દે છે. તે માત્ર 12 સેકન્ડમાં દીકરીને 8 થપ્પડ મારી દે છે. ત્યારબાદ તે પોતાના જ દીકરાને પણ 7 સેકન્ડમાં 4 થપ્પડ મારતી નજરે પડે છે.'

બાળકોનો રડવાનો અવાજ સાંભળીને પાડોસી ત્યાં પહોંચી ગયો

ઘટના દરમિયાન બંને બાળકો જોર-જોરથી રડવા લાગ્યા અને ચીસો પાડવા લાગ્યા. પ્રાપ્ત માહિતી પ્રમાણે બાળકોનો અવાજ સાંભળીને પાડોસમાં રહેતો એક યુવક તેમના ઘરે પહોંચી ગયો. યુવકે મહિલાને બાળકોને ન મારવા સમજાવી હતી, જે બાદ મામલો શાંત પડ્યો હતો. આ સમગ્ર ઘટના ઘરમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

બાળકોનો પિતા સેનામાં તહેનાત

બાળકોના પિતા સતબીરે જણાવ્યું કે, 'હું ભારતીય સેનામાં નાયક તરીકે ફરજ બજાવું છું અને હાલમાં રાજસ્થાનમાં તહેનાત છું. વર્ષ 2019માં મારા લગ્ન સાગરપુરની નિવાસી સોનિયા સાથે થયા હતા. અમારે બે બાળકો છે, જેમાં એક 6 વર્ષની દીકરી અને 4 વર્ષનો દીકરો છે.'

પહેલા પણ મારપીટનો આરોપ

સતબીરનો આરોપ છે કે, 'મારી પત્ની અગાઉ પણ નાની-નાની બાબતોમાં બાળકોને ઢોર માર મારતી રહી છે. સેનામાં નોકરી હોવાના કારણે હું લાંબા સમય સુધી ઘરથી દૂર રહુ છું, મારી પત્ની બાળકો અને તેના સાસુ-સસરા સાથે રહે છે. સતબીરના મેં અગાઉ પણ આ અંગે પત્નીના પિયરના સભ્યોને ફરિયાદ કરી હતી, પરંતુ સમસ્યાનો કોઈ ઉકેલ નહોતો આવ્યો.'

ત્રણ મહિના પહેલાં જ લગાવ્યા હતા કેમેરા

સતબીરે જણાવ્યું હતું કે, બાળકો સાથે અવારનવાર થતી મારપીટની ઘટનાઓને ધ્યાનમાં રાખીને મેં લગભગ ત્રણ મહિના પહેલાં જ ઘરમાં CCTV કેમેરા લગાવ્યા હતા. આ કેમેરામાં જ આ સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી. ઘટનાના દિવસે મારા માતા-પિતા પોતાના બીજા ઘરે નૂંહ ગયા હતા અને ઘરમાં માત્ર સોનિયા અને બંને બાળકો જ હાજર હતા.

પત્નીના પિયર પક્ષ પર પણ લગાવ્યા આરોપ

સતબીરે ગંભીર આરોપ લગાવતા જણાવ્યું કે, જ્યારે પણ હું બાળકો સાથે થતી મારપીટનો વિરોધ કરું છું, ત્યારે પત્નીના પિયર પક્ષના લોકો મને જૂઠા કેસમાં ફસાવી દેવાની ધમકી આપે છે. મને અને મારા પરિવારને ગંભીર પરિણામો ભોગવવાની ચિમકી પણ આપવામાં આવે છે.

દાદાએ પોલીસ ચોકીમાં નોંધાવી અર્જી

આ સમગ્ર મામલે બાળકોના દાદા બિશન સિંહે પર્વતિયા કોલોની પોલીસ ચોકીમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. પીડિત પરિવારે પોલીસ પાસે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી યોગ્ય કાનૂની કાર્યવાહી કરવાની માગ કરી છે.

પોલીસે તપાસ હાથ ધરી

ચોકી ઈન્ચાર્જ મહેશના જણાવ્યા પ્રમાણે ફરિયાદ મળ્યા બાદ સમગ્ર મામલે માહિતી એકઠી કરવામાં આવી રહી છે. ઘટનાની તપાસ કરવામાં આવશે અને તથ્યોના આધારે આગળની કાર્યવાહી હાથ ધરાશે. CCTV ફૂટેજ, ફરિયાદ અને બંને પક્ષોના નિવેદનોને તપાસનો મુખ્ય આધાર બનાવાઈ રહ્યા છે. બાળકોના પિતાએ આ મામલે કડક કાર્યવાહી કરવાની અને બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માગ કરી છે.