India

દિલ્હીમાં CJP બાદ સરકાર માટે બીજી મુશ્કેલી ઊભી થઈ, ખેડૂતો હવે મેદાને પડ્યા

By GS Team
20 Jul 20262 mins read
TukuTouch Logo
સંસદના ચોમાસુ સત્ર વચ્ચે, દિલ્હીમાં બે મોટા આંદોલનોથી રાજકીય ગરમાવો આવ્યો છે. CJPના વિરોધ પ્રદર્શન સાથે, પંજાબના હજારો ખેડૂતો 21 જુલાઈએ દિલ્હીના કિસાન ઘાટ પર મહારેલી યોજશે. ખેડૂતો ભારત-અમેરિકા વેપાર કરારના દસ્તાવેજો જાહેર કરવાની માંગ કરી રહ્યા છે. તેઓનું કહેવું છે કે આ કરારથી ગ્રામીણ અર્થતંત્ર પર નકારાત્મક અસર થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

દિલ્હીમાં CJP બાદ સરકાર માટે બીજી મુશ્કેલી ઊભી થઈ, ખેડૂતો હવે મેદાને પડ્યા
ફાઈલ તસવીર

Farmers Protest: સંસદના ચોમાસું સત્ર વચ્ચે દેશની રાજધાની દિલ્હીમાં એકસાથે બે મોટા આંદોલનોને કારણે રાજકીય ગરમાવો આવી ગયો છે અને સુરક્ષા દળો હાઇ ઍલર્ટ પર છે. એક તરફ આજે સોમવારે કોકરોચ જનતા પાર્ટી(CJP)ના વિરોધ પ્રદર્શનથી સંસદ ભવન આસપાસ તંગદીલીભર્યો માહોલ બન્યો છે, તો બીજી તરફ પંજાબથી હજારો ખેડૂતોનો કાફલો દિલ્હી તરફ રવાના થતાં સરકાર માટે બેવડી સુરક્ષા અને રાજકીય પડકાર ઊભો થયો છે. ખેડૂતોનો કાફલો રાત્રિ રોકાણ અલગ-અલગ સ્થળોએ કરીને 21 જુલાઈના રોજ દિલ્હીના 'કિસાન ઘાટ' ખાતે યોજાનાર મહારેલીમાં ભાગ લેશે.

ભારત-અમેરિકા વેપાર કરારના દસ્તાવેજો જાહેર કરવાની માંગ

ખેડૂત નેતાઓએ દાવો કર્યો કે ભારતની ડેરી વ્યવસ્થા કરોડો ગ્રામીણ પરિવારોની આજીવિકા સાથે જોડાયેલી છે. એવામાં આ ક્ષેત્ર પર કોઈપણ પ્રકારનું દબાણ ગ્રામીણ અર્થતંત્ર અને રોજગાર પર નકારાત્મક અસર પાડી શકે છે. દેશ બચાવો મોરચાએ કેન્દ્ર સરકાર પાસે માંગ કરી છે કે ભારત-અમેરિકા વેપાર કરાર સાથે જોડાયેલા તમામ દસ્તાવેજો જાહેર કરવામાં આવે. સાથે જ ખેડૂતો, મજૂરો, ડેરી ઉત્પાદકો અને અન્ય સંબંધિત પક્ષો સાથે વ્યાપક ચર્ચા કર્યા પછી જ કોઈ નિર્ણય લેવામાં આવે.

કિસાન મજદૂર સંઘર્ષ કમિટીએ શું કહ્યું?

કિસાન મજદૂર સંઘર્ષ કમિટીના વરિષ્ઠ નેતા સરવણ સિંહ પંઢેરે જણાવ્યું કે અમૃતસર અને ગુરદાસપુર જિલ્લાઓમાંથી સેંકડો બસો અને અન્ય વાહનોનો કાફલો આજે બિયાસ પુલથી દિલ્હી માટે રવાના થયો. આ સિવાય પંજાબના વિવિધ જિલ્લાઓમાંથી કિસાન મજદૂર મોરચા, બીકેયુ એકતા સંઘર્ષ અને અન્ય ખેડૂત સંગઠનોના જથ્થા પણ દિલ્હી કૂચ કરી રહ્યા છે. આ કાફલા નક્કી કરેલા કાર્યક્રમ મુજબ રાત્રિના સમયે અલગ-અલગ સ્થળોએ રોકાશે.

શંભુ બોર્ડર થઈને દિલ્હી પહોંચશે કાફલો

કિસાન મજદૂર સંઘર્ષ કમિટીનો કાફલો ફતેહગઢ સાહિબ-સરહિંદમાં રાત્રિ રોકાણ કર્યા પછી સવારે શંભુ બોર્ડરના રસ્તે દિલ્હી પહોંચશે. સરવણ સિંહ પંઢેરે કહ્યું કે આ મહારેલીમાં પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ઓડિશા સહિત અનેક રાજ્યોમાંથી હજારો ખેડૂતો જોડાશે. ખેડૂતોની મુખ્ય માંગ ભારત-અમેરિકા પ્રસ્તાવિત દ્વિપક્ષીય વેપાર કરારને રદ કરવાની છે.

અમેરિકન ઉત્પાદનોથી ભારતીય બજાર પર અસરની આશંકા

પંઢેરના જણાવ્યા અનુસાર, પ્રસ્તાવિત કરારના દાયરામાં કૃષિ, ડેરી, ઉદ્યોગ, ડિજિટલ વેપાર, ઈ-કોમર્સ, રોકાણ સહિત અનેક ક્ષેત્રો સામેલ થઈ શકે છે. તેમનું કહેવું છે કે અમેરિકા લાંબા સમયથી ભારતીય બજારમાં પોતાના કૃષિ અને ડેરી ઉત્પાદનોની પહોંચ વધારવાની માંગ કરતું રહ્યું છે. તેમણે આશંકા વ્યક્ત કરી કે જો સસ્તા અમેરિકન કૃષિ અને ડેરી ઉત્પાદનો મોટા પ્રમાણમાં ભારતીય બજારમાં આવે છે તો તેની સીધી અસર ખેડૂતો, દૂધ ઉત્પાદકો, નાના વેપારીઓ અને કૃષિ આધારિત ઉદ્યોગો પર પડી શકે છે.