India

ઉર્દુ શાયર બશીર બદ્રની અલવિદા 91 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા

By GS Team
28 May 20262 mins read
ઉર્દુ શાયર બશીર બદ્રની અલવિદા 91 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા

- આસ, આહટ, આમદ જેવા અનેક કાવ્યસંગ્રહોના રચ્યા 

- દુશ્મની જમ કર કરો લેકિન યે ગુંજાઈશ રહે, જબ કભી હમ દોસ્ત હો જાયે તો શર્મિંદા ન હો.. 

- 'મુસાફિર હૈ હમ ભી મુસાફિર હો તુમ ભી, કિસી મોડ પર ફિર મુલાકાત હોગી' જેવી અનેક રચનાઓ લખી 

ભોપાલ: પ્રખ્યાત ઉર્દૂ શાયર બશીર બદ્રનું ગુરુવારે ભોપાલ સ્થિત નિવાસસ્થાને લાંબી બિમારી બાદ ૯૧ વર્ષની ઉંમરે નિધન થયું. તેમના પરિવારજનોએ આપેલી માહિતી મુજબ બપોરના સમયે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમના અવસાનથી ઉર્દૂ સાહિત્ય જગતમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

૧૫ ફેબુ્રઆરી, ૧૯૩૫ના રોજ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં જન્મેલા બશીર બદ્ર ઉર્દૂ ગઝલને સરળ અને સામાન્ય ભાષામાં રજૂ કરનાર શાયરોમાં ગણાતા હતા. તેમણે અલીગઢ મુસ્લિમ યુનિવસટીમાં અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ, તેઓ મેરઠ કોલેજના ઉર્દૂ વિભાગના વડા તરીકે લાંબા સમય સુધી જોડાયેલા રહ્યા હતા. બશીર બદ્રની ગઝલો માત્ર સાહિત્યપ્રેમીઓ સુધી સીમિત ન રહીને સામાન્ય લોકોમાં પણ લોકપ્રિય બની હતી. 

તેમની અનેક પંક્તિઓ લોકોની રોજિંદી ભાષાનો ભાગ બની ગઈ હતી.  'કુછ તો મજબૂરિયાં રહી હોંગી, યુહી કોઈ બેવફા નહીં હોતા', 'ન જી ભર કે દેખા ન કુછ બાત કી, બડી આરઝૂ થી મુલાકાત કી', 'હમ ભી દરિયા હૈ હમે અપના હુનર માલૂમ હૈ, જિસ તરફ ભી ચલ પડેંગે રાસ્તા હો જાયેગા'..જેવી તેમની પંક્તિ આજે પણ ખૂબ લોકપ્રિય છે.તેમણે 'આસ',' આહટ', 'આમદ' સહિત અનેક કાવ્યસંગ્રહો આપ્યા હતા. 

વર્ષ ૧૯૯૯માં તેમને સાહિત્ય ક્ષેત્રે વિશેષ યોગદાન બદલ પદ્મશ્રી અને સાહિત્ય અકાદમી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 

તેમના અવસાન પર કવિ-ગીતકાર જાવેદ અખ્તર સહિત અનેક સાહિત્યકારો અને રાજકીય આગેવાનોએ શોક વ્યક્ત કર્યો હતો. જાવેદ અખ્તરે જણાવ્યું કે, બશીર બદ્રના નિધનથી ઉર્દૂ શાયરીની દુનિયા વધુ ગરીબ બની ગઈ છે.