રામ મંદિર દાન ચોરી મામલે ચંપત રાયનું મોટું નિવેદન, કહ્યું- ‘મારા પર ખોટા આક્ષેપો, સત્ય બહાર લાવીશ’
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Champat Rai On Ayodhya Ram Mandir Donation Theft : અયોધ્યા રામ મંદિર ચઢાવા ચોરી વિવાદમાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી (મહામંત્રી) પદેથી રાજીનામું આપ્યા બાદ ચંપત રાયે પહેલીવાર મૌન તોડ્યું છે. તેમણે રામભક્તોના નામે એક પત્ર જાહેર કરીને પોતાના પર લાગેલા તમામ આરોપોને ખોટા ગણાવ્યા છે. ચંપત રાયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર રામચરિતમાનસની ચૌપાઈ સાથે આ પત્ર શેર કર્યો છે.
ચંપત રાયે પત્રમાં શું કહ્યું?
ચંપત રાયે પત્રમાં લખ્યું છે કે, 'ગત 7 જૂન 2026 થી શ્રીરામ જન્મભૂમિ મંદિર પરિસરના દાનપાત્રની ગણતરી વખતે થયેલી કથિત ચોરીને લઈને અલગ-અલગ ચર્ચાઓ ચાલી રહી છે. વ્યક્તિગત રીતે મારા પર પણ અનેક ખોટા આરોપો લગાવવામાં આવ્યા છે, તેથી મેં અત્યારે મૌન ધારણ કરી લીધું છે.'
SIT ના રિપોર્ટ પર સવાલ ઉઠાવ્યા
તેમણે આગળ જણાવ્યું કે, 6 જુલાઈએ મળેલી ટ્રસ્ટની બેઠકમાં SITનો પ્રારંભિક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો, જે હવે સાર્વજનિક થઈ ગયો છે. આ રિપોર્ટ પહેલા અતિ ગોપનીય હતો. તેમણે ભક્તોને ભરોસો આપતા લખ્યું કે, 'હું આપ સૌને ખાતરી આપું છું કે SITનો અંતિમ રિપોર્ટ આવ્યા પછી ફેલાવવામાં આવી રહેલી તમામ વાતો પર ક્રમબદ્ધ રીતે મારો જવાબ આપીશ અને આખું સત્ય સામે આવી જશે.'
'મારું જીવન ખુલ્લી કિતાબ જેવું છે'
પોતાના લાંબા જાહેર જીવનનો ઉલ્લેખ કરતા ચંપત રાયે કહ્યું કે, 'મને સંગઠને વર્ષ 1991 માં અયોધ્યા મોકલ્યો હતો. હું છેલ્લા 45 વર્ષથી પ્રચારક છું. હું જ્યાં પણ રહ્યો છું, મારું જીવન એક ખુલ્લી કિતાબ જેવું રહ્યું છે.'
કૃષ્ણ મોહનને સોંપાઈ નવી જવાબદારી
દાન ચોરી વિવાદ વચ્ચે ટ્રસ્ટે ચંપત રાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાનું રાજીનામું સ્વીકારી લીધું છે. હવે ચંપત રાયની જગ્યાએ કૃષ્ણ મોહનને રામ મંદિર ટ્રસ્ટના અંતરિમ જનરલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. આ સિવાય મંદિરના રોજબરોજના કામકાજ માટે એક CEOની નિમણૂક કરવામાં આવશે, જેના માટે 3 સભ્યોની સર્ચ કમિટી બનાવવામાં આવી છે.
રામ મંદિર ટ્રસ્ટે ચંપત રાયનો બચાવ કર્યો
વહીવટી ફેરફાર છતાં ટ્રસ્ટે એક પ્રસ્તાવ પસાર કરીને રામ મંદિર આંદોલન અને નિર્માણમાં ચંપત રાયના ઐતિહાસિક યોગદાનની પ્રશંસા કરી છે. ટ્રસ્ટના કોષાધ્યક્ષ સ્વામી ગોવિંદ દેવ ગિરીએ કહ્યું કે, 'તપાસ પારદર્શક રહે અને ટ્રસ્ટની ગરિમા જળવાય તે માટે ચંપત રાયે સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે, અમારી નજરમાં તેઓ બિલકુલ બેદાગ અને નિર્દોષ છે.'









