India

દિલ્હીમાં 128 કરોડના બનાવટી GST ઈનવોઈસ કૌભાંડનો પર્દાફાશ

By GS Team
17 May 20262 mins read
દિલ્હીમાં 128 કરોડના બનાવટી GST ઈનવોઈસ કૌભાંડનો પર્દાફાશ

નવીદિલ્હી: દિલ્હી પોલીસની આર્થિક ગુના શાખા (ઈઓડબલ્યુ) એ બનાવટી કંપનીઓ અને નકલી ઈનવોઈસના નેટવર્ક દ્વારા ચલાવાતા જીએસટી કૌભાંડનો પર્દાફાશ કરી ૧૨૮ કરોડ રૂપિયાની છેતરપિંડીમાં સંડોવાયેલા છ જણને અટક કર્યા છે. આરોપીઓએ કોઈ માલ કે સેવા, હકીકતમાં પૂરા પાડયા સિવાય બનાવટી કંપનીઓ ચલાવી, બોગસ જીએસટી ઈનવોઈસ બનાવ્યા અને જૂઠા ઈનપુટ ટેક્સ ક્રેડિટ (આઈટીસી) ઉપજાવી કાઢયા, એમ આર્થિક ગુના શાખા (ઈકોનોમિક ઓકેન્સીસ વિંગ) એ નિવેદનમાં જણાવ્યું છે. ઈઓડબલ્યુ ટીમે ૧૫ મેએ દિલ્હી - એનસીઆરના અલગ - અલગ સ્થળોએ દરોડા  પાડીને રાજકુમાર દીક્ષિત, અમર કુમાર, વિભાષકુમાર મિત્રા, નીતિન વર્મા, મોહંમદ વસીમ અને આબિદને અટક કર્યા છે. ૨૪ માર્ચે મેસર્સ આર.કે. એન્ટરપ્રાઈઝિસ નામની બનાવટી પેઢી સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ જીએસટી ઠગાઈનો કેસ નોંધાયો છે. ફરિયાદીએ જણાવ્યું કે એના આધાર કાર્ડ, પાન કાર્ડ, વીજ બિલ અને બાયોમેટ્રિક વિગતોનો, જીએસટી વિભાગમાં નોકરી અપાવવાના બહાને દુરુપયોગ કરાયો છે. પોલીસ તપાસમાં જણાવ્યું કે, ભોગ બનેલાની જાણબહાર સપ્ટેમ્બર, ૨૦૨૫માં પેઢી ઊભી કરાઈ હતી, જેનો ૧૨૮ કરોડથી વધુ રકમના વિનિમય (ટ્રાન્ઝેકશન) માટે ઉપયોગ કરાયો હતો.

બનાવટી કંપનીના નામે લગભગ ૧૦ કરોડ રૂપિયાની ખોટેખોટી ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવામાં આવી હતી, એમ ઈઓડબલ્યુના નિવેદનમાં ઉમેરાયું છે.

ટેકનિકલ દેખરેખ, જીએસટી રેકોર્ડનું પૃથ્થકરણ, બેન્કિંગ વિનિમય, ઈમેઈલ આઈડી તથા અન્ય ડિજિટલ પુરાવા વગેરેને સાંકળતી તપાસમાં સ્પષ્ટ થયું છે કે હજી ભાગતા ફરતા  દીક્ષિત અને દિલીપકુમાર કૌભાંડમાં મુખ્ય કાવતરાખોરો છે.