Explainer : મિશન 'ગ્રીન બૂટ': એવરેસ્ટ પરથી 30 વર્ષ બાદ એક શહીદનો મૃતદેહ પાછો લવાશે, જાણો શું છે આ ઐતિહાસિક યોજના
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Operation Green Boot : ‘માઉન્ટ એવરેસ્ટ’ એક એવું શિખર છે, જેને સર કરવાનું સપનું દરેક પર્વતારોહક જુએ છે. પરંતુ, આ શિખરની પાછળ એક એવો 'ડેથ ઝોન' છુપાયેલો છે જ્યાં સમય થંભી જાય છે અને જિંદગી સાથ છોડી દે છે. આવા જોખમી એવરેસ્ટ પર વર્ષ 1996 ની બરફીલી રાતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી.
દેશના તિરંગાને વિશ્વના સૌથી ઊંચા શિખર પર લહેરાવવા ગયેલા ‘ભારત-તિબેટિયન બોર્ડર પોલીસ’ના જાંબાઝ લાન્સ નાયક દોરજે મોરૂપ એવરેસ્ટના બરફમાં વિલીન થઈ ગયા હતા. હવે, 30 વર્ષ પછી, ભારત સરકાર પોતાના એ શહીદ સૈનિકના નશ્વર અવશેષોને સન્માનપૂર્વક ઘરે લાવવા પર્વતારોહણના ઇતિહાસનું સૌથી મોટું ઓપરેશન શરૂ કરવા જઈ રહી છે. આ માત્ર એક રેસ્ક્યૂ મિશન નથી, પરંતુ દેશ માટે જાન ન્યોછાવર કરનાર વીર પ્રત્યેની અતૂટ કૃતજ્ઞતાનું પ્રતીક છે.
શું છે 1996ની એ કરુણ કથા?
વર્ષ 1996 ની એવરેસ્ટ ચઢાઈ પર્વતારોહણના ઇતિહાસમાં સૌથી ભયંકર મનાય છે. આઈટીબીપીની 6 સભ્યોની ટીમ તિબેટ તરફના ઉત્તરી ઢોળાવ (North Face) પરથી શિખર સર કરવા આગળ વધી રહી હતી. 10 મે 1996 ના રોજ હવામાન અત્યંત ખરાબ થઈ ગયું. પરિસ્થિતિ બગડતા ટીમના 3 સભ્યો પાછા વળી ગયા, પરંતુ અદમ્ય સાહસ ધરાવતા સુબેદાર ત્સેવાંગ સામનલા, લાન્સ નાયક દોરજે મોરૂપ અને હેડ કોન્સ્ટેબલ ત્સેવાંગ પાલજોર આગળ વધતા રહ્યા.
બ્લેક બ્લેઝાર્ડ (કાળું તોફાન): કમનસીબે, એ રાતે એવરેસ્ટ પર જે ભયંકર બરફનું તોફાન આવ્યું તેને પર્વતારોહણના ઇતિહાસનું સૌથી મોટું તોફાન કહેવાય છે. આ એ જ રાત હતી જેના પર હોલિવૂડની પ્રખ્યાત ફિલ્મ 'Everest' બની છે અને જોન ક્રેકાઉરનું પુસ્તક 'Into Thin Air' લખાયેલું છે. એ જ દિવસે સાઉથ ફેસ (નેપાળ તરફ) બાજુ પણ પ્રખ્યાત ગાઇડ રોબ હોલ સહિત પાંચ લોકોના મોત થયા. આઈટીબીપીના આ ત્રણેય પર્વતારોહકો પણ માઉન્ટ એવરેસ્ટના ખોળામાં હંમેશ માટે પોઢી ગયા.
'ગ્રીન બૂટ' સૌથી પહેલાં કોણે જોયેલા?
એવરેસ્ટના નોર્થ-ઈસ્ટ રિજ રૂટ પર બરફની એક ગુફા છે. ફ્રેન્ચ પર્વતારોહક પિયર પેપરોન (Pierre Paperon) એ 21 મે 1996ના રોજ આ રૂટ પર ચઢાણ કરતી વખતે બરફની આ ગુફામાં એક મૃતદેહ જોયો અને તેનો વીડિયો શૂટ કર્યો. દુનિયાએ લીલા બૂટ પહેરેલો એ મૃતદેહ પહેલીવાર જોયો. ત્યારબાદ વર્ષો સુધી આ રૂટ પરથી પસાર થનારા સેંકડો પર્વતારોહકોએ આ દેહ જોયો અને પોતાના પુસ્તકો તેમજ બ્લોગ્સમાં તેને 'ગ્રીન બૂટ' તરીકે ઓળખાવ્યો.
'ગ્રીન બૂટ' નું રહસ્ય અને ITBP નો દાવો
‘ગ્રીન બૂટ’ ત્યાંથી પસાર થતા દરેક પર્વતારોહક માટે એક સીમાચિહ્ન બની ગયો. મૃતદેહનો ભાગ ગુફાની બહાર હોવાથી, પગમાં પહેરેલા લીલા રંગના વિશિષ્ટ 'કોફલાચ' બૂટ સૌથી પહેલા નજરે ચઢતા હતા.
લાંબા સમય સુધી સંશોધકોમાં ચર્ચા હતી કે આ દેહ ત્સેવાંગ પાલજોરનો છે કે દોરજે મોરૂપનો, પરંતુ તાજેતરમાં 'ધ ટ્રિબ્યુન' દ્વારા એક્સેસ કરાયેલા ITBP ના દસ્તાવેજોએ આ રહસ્ય પરથી પડદો હટાવ્યો છે. દસ્તાવેજમાં મોરૂપના નામની સામે જ 'ગ્રીન બૂટ' લખવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે સેના સત્તાવાર રીતે માને છે કે આ સીમાચિહ્નરૂપ શરીર લાન્સ નાયક દોરજે મોરૂપનું જ છે.
27,700 ફૂટની ઊંચાઈ: કેમ મુશ્કેલ છે આ મિશન?
આ ઓપરેશન ભારત દ્વારા અત્યાર સુધી હાથ ધરાયેલા તમામ મિશનોમાં સૌથી જટિલ અને જોખમી સાબિત થવાનું છે. જેમ કે…
- ડેથ ઝોન (Death Zone): મોરૂપના અવશેષો એવરેસ્ટ પર અંદાજે 27,700 ફૂટ (લગભગ 8,443 મીટર) ની ઊંચાઈ પર છે. આ એવો વિસ્તાર છે જ્યાં ઓક્સિજનનું સ્તર એટલું ઓછું હોય છે કે માણસ લાંબો સમય જીવતો રહી શકતો નથી.
- કુદરતી પડકારો: હાડ થીજવતી ઠંડી, બરફના અણધાર્યા તોફાનો, હિમપ્રપાત (Avalanches) વચ્ચે રેસ્ક્યૂ ટીમે કામ કરવું પડશે. 30 વર્ષથી શૂન્યથી નીચેના તાપમાનમાં રહેલા શરીરને સુરક્ષિત નીચે લાવવું એ શારીરિક રીતે અત્યંત પડકારજનક છે.
- શરીરનું અસાધારણ વજનઃ બરફ જામી જવાને કારણે થીજી ગયેલા શરીરનું વજન 100 થી 150 કિલો સુધીનું થઈ જાય છે. આટલી ઊંચાઈએ જ્યાં માણસ પોતાનું વજન માંડ ઊંચકી શકે, ત્યાં 150 કિલોનો દેહ ઢસડીને નીચે લાવવો અત્યંત કપરું કામ છે.
ઓપરેશનનો રોડમેપ: જૂનથી સપ્ટેમ્બર 2026
- આ ભગીરથ કાર્ય માટે ITBP એ એક હાઈ-ઑલ્ટિટ્યુડ પુનઃપ્રાપ્તિ એજન્સીને હાયર કરવા માટે ટેન્ડર બહાર પાડ્યું છે. આ ઓપરેશન જૂન 2026 થી સપ્ટેમ્બર 2026 વચ્ચે હાથ ધરાશે.
- અનુભવી શેરપાઓની ટીમ: આ મિશનમાં ઓછામાં ઓછા 6 અત્યંત અનુભવી નેપાળી શેરપાઓ સામેલ થશે, જેઓ 8,000 મીટરથી વધુ ઊંચાઈ પર ટેકનિકલ રેસ્ક્યૂ ઓપરેશનનો અનુભવ ધરાવતા હોય.
- આંતરરાષ્ટ્રીય મંજૂરીઓ: પર્વતનો આ ભાગ તિબેટ તરફ હોવાથી, ચીની સત્તાવાળાઓ પાસેથી જરૂરી પરવાનગીઓ મેળવવી પડશે. ત્યારબાદ નશ્વર અવશેષોને તિબેટ-નેપાળ સરહદ પાર કરાવીને ભારત લાવવામાં આવશે.
આ સમગ્ર ઓપરેશન દરમિયાન ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રોટોકોલનું પૂરું પાલન કરાશે. 30 વર્ષ પછી પણ પોતાના સૈનિકને પાછા લાવવાનો ભારતનો આ નિર્ણય સાબિત કરે છે કે દેશ પોતાના વીરોને ક્યારેય ભૂલતો નથી.
બીજા બે સૈનિકોના મૃતદેહ ક્યાં છે?
અન્ય બે શહીદ સૈનિકો, સુબેદાર ત્સેવાંગ સામનલા અને હેડ કોન્સ્ટેબલ ત્સેવાંગ પાલજોરના મૃતદેહના ચોક્કસ જીપીએસ (GPS) કોઓર્ડિનેટ્સ ઉપલબ્ધ નથી. એવરેસ્ટના ડેથ ઝોનમાં જ્યાં સુધી કોઈ દેહ સંપૂર્ણપણે ટ્રેસ ન થાય, ત્યાં સુધી બ્લાઇન્ડ સર્ચ ઓપરેશન ચલાવવું એ બીજા શેરપાઓના જીવ જોખમમાં મૂકવા બરાબર છે. તેથી હાલમાં માત્ર લાન્સ નાયક દોરજે મોરૂપના મૃતદેહને જ પરત લાવવાની પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે.









