India

Explainer: ‘કુચુ પુચુ’, ‘ડેલુલુ’, FOMO અને MIA... જાણો Gen-Z દ્વારા વપરાતા સ્લેન્ગના અર્થ

By GS Team
29 Jul 20264 mins read
TukuTouch Logo
આજના ડિજિટલ યુગમાં Gen-Zના અનોખા સ્લેન્ગ શબ્દો ચર્ચામાં છે. 1990ના દાયકાના અંતથી 2010ની શરૂઆત વચ્ચે જન્મેલા યુવાનો 'કુચુ-પુચુ', 'ડેલુલુ', 'FOMO', 'MIA', 'Rizz', 'Clocked', 'Sus' અને 'વાસ્તેગુના હુઈયાં' જેવા શબ્દો વાપરે છે. સોનમ વાંગચુકના વિરોધ પ્રદર્શન અને લોકસભામાં પણ આ શબ્દો ગુંજ્યા હતા. આ શબ્દો યુવાનોની લાગણીઓને ટૂંકાણમાં અને રમુજી રીતે વ્યક્ત કરે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

Explainer: ‘કુચુ પુચુ’, ‘ડેલુલુ’, FOMO અને MIA... જાણો Gen-Z દ્વારા વપરાતા સ્લેન્ગના અર્થ
AI તસવીર

Gen-Z slang Meanings: આજના ડિજિટલ યુગમાં ભાષા માત્ર પુસ્તકો કે શબ્દકોશ સુધી સીમિત નથી રહી, પરંતુ ઈન્ટરનેટ મીમ્સ અને સોશિયલ મીડિયાના માધ્યમથી દરરોજ બદલાઈ રહી છે. આજની યુવા પેઢી એટલે કે Gen-Z એટલે કે જેમનો જન્મ 1990ના દાયકાના અંતથી 2010ના દાયકાની શરૂઆત વચ્ચે થયો છે તે લોકો, વાતચીતમાં અનોખા શબ્દોનો ઉપયોગ કરે છે. આ પ્રકારના શબ્દોને Gen-Z સ્લેન્ગ કહી શકાય. કોઈને પણ વિચિત્ર કે અનોખા લાગે એવા આ શબ્દો માત્ર Gen-Z મિત્રો વચ્ચેની ચેટ સુધી સીમિત નથી રહ્યા. તાજેતરમાં સોનમ વાંગચુક અને કોકરોચ પાર્ટીના વિરોધ પ્રદર્શનમાં આ શબ્દો વારંવાર સાંભળવા મળ્યા. એટલું જ નહીં, લોકસભામાં પેપર લીક વિરોધી બિલ પરની ચર્ચા વખતે પણ આ શબ્દો ગૂંજ્યા. ચાલો, આ વાયરલ અને તેના અર્થ શું છે એ સમજીએ.

Gen-Zના વાયરલ શબ્દો અને તેમનો અર્થ

  1. Delulu- ડેલુલુ
    આ શબ્દ અંગ્રેજી શબ્દ 'Delusional' પરથી આવ્યો છે, જેના અર્થ થાય છે ભ્રમ કે કલ્પનાની દુનિયામાં રહેવું. જ્યારે કોઈ વ્યક્તિ વાસ્તવિકતા છોડીને અવાસ્તવિક અપેક્ષાઓ રાખે છે, ત્યારે તેને મજાકમાં 'ડેલુલુ' કહેવામાં આવે છે.
    ઉદાહરણ: ‘તે વિચારે છે કે તેની ફેવરિટ સેલિબ્રિટી તેને મેસેજ કરશે, તે થોડી 'ડેલુલુ' છે.’
  2. FOMO- ફોમો (Fear Of Missing Out)
    FOMOનો અર્થ થાય છે 'કંઈક ચૂકી જવાનો કે ગુમાવવાનો ડર'. આ સોશિયલ મીડિયા પર સૌથી વધુ વપરાતો શબ્દ છે. જ્યારે લોકો અન્યોને પાર્ટી કરતાં, પ્રવાસ કરતાં કે નવી વસ્તુઓ માણતાં જુએ છે, ત્યારે તેમને પોતે પાછળ રહી ગયાની લાગણી અનુભવાય છે.
    ઉદાહરણ: ‘મારા બધા મિત્રો વિકેન્ડમાં ફરવા ગયા છે અને હું ઘરે એકલો છું, મને ફોમો થઈ રહ્યું છે.’
  3. MIA- એમ.આઇ.એ. (Missing In Action)
    MIAનો મૂળ અર્થ અચાનક કોઈ જગ્યાએથી કે વાતચીતમાંથી ગાયબ થઈ જવું એવો થાય છે. જે વ્યક્તિ લાંબા સમયથી સંપર્કમાં ન હોય કે સોશિયલ મીડિયા પર નિષ્ક્રિય હોય, તેના માટે આ શબ્દ વપરાય છે.
    ઉદાહરણ: ‘તે છેલ્લા 5 દિવસથી સોશિયલ મીડિયા પરથી સાવ મિઆ છે.’
  4. Rizz – રિઝ
    આ શબ્દ 'Charisma' (આકર્ષણ/ચાર્મ) શબ્દ પરથી આવ્યો છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાની વાતો, અંદાજ કે પર્સનાલિટીથી કોઈને પણ સરળતાથી પ્રભાવિત કે આકર્ષિત કરી લે, ત્યારે તેની પાસે 'Rizz' છે તેમ કહેવાય.
    ઉદાહરણ: ‘તેણે વાતચીત શરૂ કરી અને બધાનું દિલ જીતી લીધું. તેની રિઝ ખરેખર અદ્ભુત છે!’
  5. Clocked – ક્લોક્ડ
    'Clocked'નો અર્થ થાય છે કોઈ બાબત, છુપી સચ્ચાઈ કે ભૂલને યોગ્ય સમયે પારખી લેવી અથવા પકડી પાડવી.
    ઉદાહરણ: ‘મેં કંઈ જ ન કહ્યું, છતાં તેણે મારી સમસ્યા તરત જ ક્લોક્ડ કરી લીધી.’
  6. Sus – સસ
    આ શબ્દ 'Suspicious'(શંકાસ્પદ)નું ટૂંકું રૂપ છે. કોઈ વ્યક્તિનું વર્તન રમૂજી રીતે શંકાસ્પદ લાગે અથવા કંઈક ગડબડ કે છૂપી વાત હોય તેવું લાગે, ત્યારે આ શબ્દ વપરાય છે.
    ઉદાહરણ: ‘જ્યારે પણ આપણે ફરવા જવાનું પ્લાનિંગ કરીએ છીએ ત્યારે તે અચાનક બહાના બનાવવા લાગે છે, તેનું આ વર્તન બહુ સસ લાગે છે.’
  7. વાસ્તેગુના હુઈયાં – Wasteguna Huiyaan
    આ એક ટ્રેન્ડી અને હાસ્યાસ્પદ શબ્દ છે જે મિમ્સ દ્વારા વાયરલ થયો છે. જ્યારે કોઈ વ્યક્તિ નાની વાતને બહુ અતિશયોક્તિ કરીને રજૂ કરે અથવા વિચિત્ર પ્રતિક્રિયા આપે, ત્યારે આ શબ્દનો ઉપયોગ થાય છે. કોઈ વ્યક્તિ એવું પૂછે કે, ‘Can I get a HiFives?’ અને આવું પૂછતા જ સામેની વ્યક્તિ હાઇફાઇવ કરે છે. આ જ સંવાદની તર્જ પર થોડા વર્ષો પહેલા સોશિયલ મીડિયામાં અમેરિકાથી એક ટ્રેન્ડ શરૂ થયો હતો, જેમાં એક યુવક રસ્તે જતા લોકોને પૂછે છે કે ‘Can I get a Huiyaan?’ પછી સામેના લોકો બોલે છે કે, હુઈયાં. બસ પછી આ શબ્દ વાયરલ થઈ ગયો, વાસ્તેગુના હુઈયાં. આ શબ્દનો કોઈ અર્થ જ નથી, પરંતુ Gen-Z તેનો વ્યાપક ઉપયોગ કરે છે. જંતર મંતર આંદોલનમાં પણ આ શબ્દની રમૂજ જોવા મળી હતી.
  8. Kuchu-Puchu- કુચુ-પુચુ: આ એક અત્યંત પ્રેમભર્યો અને રમૂજી શબ્દ છે. જ્યારે કોઈ બહુ નાનું બાળક, સુંદર પાલતુ પ્રાણી (જેમ કે બિલાડી કે કૂતરાનું બચ્ચું) અથવા કોઈ ક્યૂટ વસ્તુ જુઓ ત્યારે તેના પ્રેમ અને લાગણીને વ્યક્ત કરવા માટે આ શબ્દ વપરાય છે. ઉદાહરણ: ‘જુઓ આ બિલાડીનું બચ્ચું કેટલું 'કુચુ-પુચુ' લાગે છે!’

Gen-Zમાં આ પ્રકારની લોકપ્રિયતાનું કારણ

આજના યુવાનો પોતાની લાગણીઓ અને વિચારોને લાંબા વાક્યોના બદલે ટૂંકા અને રમૂજી શબ્દોમાં વ્યક્ત કરવાનું પસંદ કરે છે. મિમ્સ, રીલ્સ અને ઇન્ટરનેટ ટ્રેન્ડ્સ આ નવા શબ્દોને ઝડપથી વાયરલ કરે છે. બદલાતા સમય સાથે આ સ્લેન્ગ હવે આપણી દૈનિક વાતચીતનો ભાગ બની રહ્યા છે. આ શબ્દોનો અર્થ સમજવો એ આજના ડિજિટલ અને સ્માર્ટ યુગ સાથે કદમ મિલાવવાની એક મનોરંજક રીત છે!