India

Explainer: શું ભારત પાસે 9 દિવસ ચાલે એટલું જ ઓઇલ છે? જાણો દેશના બફર સ્ટોક સહિતની સંપૂર્ણ માહિતી

By GS Team
13 Aug 20264 mins read
TukuTouch Logo
મધ્ય-પૂર્વમાં તણાવ વચ્ચે ભારતના ક્રૂડ ઓઇલ ભંડાર અંગેની ચર્ચાઓએ જોર પકડ્યું છે. 9 દિવસના ભંડારનો દાવો ખોટો સાબિત થયો છે. ભારત પાસે હાલમાં 74 દિવસ ચાલે તેટલો ક્રૂડ ઓઇલનો કોમર્શિયલ અને સ્ટ્રેટેજિક સ્ટોક ઉપલબ્ધ છે. વિશાખાપટ્ટનમ, મેંગલુરુ અને પાદુરમાં ભૂગર્ભ ભંડાર આવેલા છે. આંતરરાષ્ટ્રીય ધોરણ મુજબ 90 દિવસનો સ્ટોક હોવો જરૂરી છે, તેથી ભારત ભંડાર વધારવા પ્રયત્નશીલ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

Explainer: શું ભારત પાસે 9 દિવસ ચાલે એટલું જ ઓઇલ છે? જાણો દેશના બફર સ્ટોક સહિતની સંપૂર્ણ માહિતી

Beyond the 9-day myth: India's 74-day energy shield: મધ્ય-પૂર્વમાં યુદ્ધ, તણાવ કે દરિયાઈ માર્ગો પર સશસ્ત્ર હુમલાની સ્થિતિ સર્જાય છે, ત્યારે સમગ્ર દુનિયાની નજર ક્રૂડ ઓઇલના પુરવઠા પર ટકી જાય છે. રોજિંદી ક્રૂડ ઓઇલ જરૂરિયાતના 85%થી પણ વધુ હિસ્સો વિદેશોમાંથી આયાત કરતાં ભારત જેવા દેશ માટે આવી વૈશ્વિક અસ્થિરતા કોઈ મોટા આર્થિક આંચકાથી કમ નથી. હાલના કેટલાક અહેવાલોમાં દાવો કરાયો હતો કે, જો વૈશ્વિક તેલ પુરવઠો સંપૂર્ણપણે બંધ થઈ જાય, તો ભારત પાસે માત્ર 9 દિવસ ચાલે એટલું જ ઓઇલ છે. પરંતુ શું આ વાત સંપૂર્ણ સત્ય છે? શું ખરેખર 9 દિવસ પછી ભારતમાં પેટ્રોલિયમ પેદાશો ખાલી થઈ જશે? ચાલો, ભારતની ઊર્જા સુરક્ષા, તેના ભંડાર અને વાસ્તવિક સ્થિતિને સમજીએ.

શું ભારતમાં 9 દિવસ ચાલે એટલા જ ઓઇલનું સત્ય

આ દાવા પાછળનું સાચું કારણ સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ(SPR) છે. ભારત સરકાર પાસે કટોકટીના સમય માટે એક ભૂગર્ભ ઇમરજન્સી ક્રૂડ ઓઇલ ભંડાર(Strategic Petroleum Reserve) છે, જેની હાલની ક્ષમતા 5.33 મિલિયન મેટ્રિક ટન(MMT) છે. આ ભંડાર સંપૂર્ણપણે ભરેલો હોય ત્યારે તે દેશની ક્રૂડ ઓઇલની આયાત જરૂરિયાતને આશરે 9.5 દિવસ સુધી પૂરી કરી શકે છે. પરંતુ તેનો અર્થ એ નથી કે દેશ પાસે માત્ર 9 દિવસ ચાલે એટલું જ ઓઇલ છે! આ માત્ર સરકાર દ્વારા 'વિશેષ કટોકટી' માટે અનામત સ્ટોક છે.

કોમર્શિયલ સ્ટોકનું ગણિતઃ 74 દિવસ ચાલે એટલો ક્રૂડ ભંડાર

વાસ્તવમાં ભારત પાસે ઇંધણનો કુલ ભંડાર બે ભાગમાં વહેંચાયેલો છે.
1… સ્ટ્રેટેજિક રિઝર્વ (સરકારનો ઇમરજન્સી સ્ટોક): આશરે 9.5 દિવસ
2… કોમર્શિયલ સ્ટોક: દેશની સરકારી અને ખાનગી તેલ કંપનીઓ (જેવી કે IOCL, BPCL, HPCL, Reliance વગેરે) પાસે તેમની રિફાઇનરી, સ્ટોરેજ ટેન્ક, પાઇપલાઇન્સ અને બંદરો પર ઊભેલા જહાજોમાં રહેલો ક્રૂડ ઓઇલ અને તૈયાર પેટ્રોલિયમ પેદાશોનો જથ્થો આશરે 64.5 દિવસ સુધી ચાલે તેટલો હોય છે.
આ બંને સ્ટોકને ભેગા કરીએ, તો ભારત પાસે 74 દિવસ સુધી ચાલે તેટલું ઓઇલ છે. તેથી કોઈ પણ પુરવઠા વિઘ્ન સમયે દેશ પાસે પરિસ્થિતિ સંભાળવા માટે લગભગ 2.5 મહિનાનો સમય રહે છે.

ક્યાં કેટલો કટોકટી ભંડાર છે?

ઇમરજન્સી ક્રૂડ ઓઇલ સંગ્રહવા માટે જમીનની અંદર મોટા ખડકો કોતરીને ખાસ 'અન્ડરગ્રાઉન્ડ કેવર્ન્સ' (Underground Rock Caverns) બનાવાયા છે. આ સુવિધાઓનું સંચાલન ઇન્ડિયન સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ લિમિટેડ (ISPRL) દ્વારા કરાય છે. હાલમાં ભારત પાસે 3 મુખ્ય સ્થળે આ સુવિધા છે.
1… વિશાખાપટ્ટનમ (આંધ્ર પ્રદેશ): 1.33 મિલિયન મેટ્રિક ટન (MMT) ક્ષમતા
2… મેંગલુરુ (કર્ણાટક): 1.5 મિલિયન મેટ્રિક ટન ક્ષમતા
3… પાદુર (કર્ણાટક): 2.5 મિલિયન મેટ્રિક ટન ક્ષમતા

ક્રૂડ ઓઇલના ભંડારો વધારવાની જરૂર કેમ છે?

જો ભારત પાસે 74 દિવસનો સ્ટોક હોય, તો પણ ભંડાર વધારવો શા માટે જરૂરી છે? તેના મુખ્ય કારણો નીચે મુજબ છે.
1… IEAનું 90 દિવસનું ધોરણ: આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સી(International Energy Agency - IEA)ના નિયમો મુજબ, દરેક સભ્ય દેશ પાસે ઓછામાં ઓછો 90 દિવસનો આયાત ભંડાર હોવો જોઈએ. ભારત હાલમાં 74 દિવસ પર છે, જે 90 દિવસના આંતરરાષ્ટ્રીય માનક કરતાં ઓછો છે.
2… જિયો-પોલિટિકલ તણાવ અને હોર્મુઝની સામુદ્રધુની: ભારત પોતાનું મોટાભાગનું તેલ મધ્ય-પૂર્વથી મંગાવે છે. જો હોર્મુઝની સામુદ્રધુની જેવા દરિયાઈ માર્ગો યુદ્ધના કારણે બંધ થઈ જાય, તો તેલનો પુરવઠો અચાનક અટકી શકે છે.
3… મોંઘવારી અને અર્થતંત્ર પર અસર: ઓઇલનો પુરવઠો ખોરવાતા જ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ભાવ વધે છે, જેનાથી ભારતમાં પેટ્રોલ-ડીઝલ મોંઘા થાય છે અને ફુગાવો (મોંઘવારી) ઝડપથી વધે છે.

સંસદીય સ્થાયી સમિતિની ભલામણો

સંસદીય સ્થાયી સમિતિના તાજેતરના અહેવાલો મુજબ, સરકારે ભારતની ઊર્જા સુરક્ષાને મજબૂત કરવા માટે ઝડપી પગલાં લેવાની જરૂર છે. સમિતિની મુખ્ય ભલામણો જોઈએ.
1… ટેન્ડર અને જમીન મંજૂરીમાં ઝડપ: નવા રિઝર્વ પ્રોજેક્ટ્સ માટે ટેન્ડર પ્રક્રિયા અને જમીન સંપાદન સંબંધિત મંજૂરીઓ ઝડપથી પૂરી કરવી.
2… નાણાકીય મુદ્દાનો ઉકેલ: પ્રોજેક્ટ્સ માટે ફાળવવામાં આવેલા બજેટનો કાર્યક્ષમ ઉપયોગ કરવો અને સમયસર ભંડોળ પૂરું પાડવું.

તો બીજા તબક્કાની યોજના શું છે?

ભારત સરકારે PPP (Public-Private Partnership) મોડેલ હેઠળ વધારાની 6.5 મિલિયન મેટ્રિક ટન (MMT) ક્ષમતા ઊભી કરવાની મંજૂરી આપી છે, જે નીચેના સ્થળોએ ઊભી કરાશે.
1… ચંડીખોલ (ઓડિશા): 4.0 MMT
2… પાદુર (કર્ણાટક - વિસ્તરણ): 2.5 MMT
આ બીજા તબક્કાના પ્રોજેક્ટ્સ પૂર્ણ થશે, ત્યારે ભારતનો સ્ટ્રેટેજિક ઇમરજન્સી ભંડાર 5.33 MMT થી વધીને 11.83 MMT થઈ જશે, જે ભારતના ઇમરજન્સી કવરેજમાં વધારાના 12 દિવસ ઉમેરશે.