Explainer: આકાશમાં 10,000 કિમી લાંબો વાદળોનો પટ્ટો! જાણો પેસિફિકથી બંગાળની ખાડી સુધી સર્જાયેલી આ અદ્ભુત ઘટના શું છે?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

The 10,000 km Cloud Lifeline, Reviving India's Monsoon: દેશમાં ચોમાસાની ગતિ ધીમી પડતાં ખેડૂતો અને સામાન્ય જનતા ચિંતામાં મૂકાઈ ગઈ છે. જો કે, નિરાશ થવાની જરૂર નથી કેમ કે ચિંતાના વાદળો હટાવી દે એવી એક અદ્ભુત કુદરતી કરામત આકાશમાં આકાર લઈ રહી છે. અંતરિક્ષમાંથી લેવાયેલી તસવીરોમાં જોવા મળ્યું છે કે પેસિફિક મહાસાગરથી લઈને બંગાળની ખાડી સુધી હજારો કિલોમીટર લાંબો વાદળોનો એક વિશાળ કાફલો (કારવાં) ધસી આવી રહ્યો છે. હવામાન વિજ્ઞાનીઓના મતે, આ કોઈ સામાન્ય ઘટના નથી, પરંતુ સૂતેલા ચોમાસાને ફરીથી જગાડનારો કુદરતી સંકેત છે. જો બધું યોજના મુજબ રહ્યું તો જુલાઈના છેલ્લા અઠવાડિયામાં ભારતભરમાં મેઘરાજા ફરી ધમાકેદાર બેટિંગ કરશે.
શું છે 10,000 કિલોમીટર લાંબો વાદળોનો પટ્ટો
હાલ ભારતના પૂર્વ ભાગથી લઈને મધ્ય પેસિફિક મહાસાગર સુધી આશરે 7,000થી 10,000 કિલોમીટર લાંબો એક વિશાળ પટ્ટો સક્રિય થયો છે. હવામાનની ભાષામાં આને ઇન્ટરટ્રોપિકલ કન્વર્જન્સ ઝોન એટલે કે Intertropical Convergence Zone (ITCZ) કહેવામાં આવે છે.
તે પૃથ્વીના વિષુવવૃત્ત નજીકનો એવો વિસ્તાર છે જ્યાં ઉત્તર અને દક્ષિણ દિશામાંથી આવતા ગરમ પવનો એકબીજા સાથે અથડાય છે. આ અથડામણને કારણે ગરમ અને ભેજવાળી હવા આકાશમાં ઊંચે ચડે છે અને ગણતરીના દિવસોમાં જ ઘટાદાર કાળાડિબાંગ વાદળોનું નિર્માણ થાય છે, જે ભારે વરસાદ લાવવા માટે જાણીતા છે.
ચોમાસું કેમ નબળું પડ્યું, હવે શું બદલાશે?
સામાન્ય રીતે ચોમાસા દરમિયાન આ ITCZ લાઈન ભારતની બરાબર ઉપર હોય છે. પરંતુ ગ્લોબલ વોર્મિંગ અને સમુદ્રના વધતા તાપમાનને કારણે આ વખતે આ સિસ્ટમ પૂર્વ દિશા તરફ ઘણી દૂર સરકી ગઈ હતી. આ સિવાય પેસિફિક મહાસાગરમાં સર્જાયેલી આબોહવાની પેટર્ન પણ આ માટે જવાબદાર છે.
જો કે, સારા સમાચાર એ છે કે આ વિશાળ ઝોનમાં હાલમાં ઘણી નાની-મોટી ઉષ્ણકટિબંધીય (Tropical) સિસ્ટમો અને ઓછા દબાણના ક્ષેત્રો સર્જાયા છે. આ તમામ સિસ્ટમો ધીમે-ધીમે પશ્ચિમ તરફ એટલે કે આપણી બંગાળની ખાડી તરફ આગળ વધી રહી છે. જો આમાંથી બે-ત્રણ સિસ્ટમ પણ મજબૂત બનીને ભારત તરફ આવશે, તો નબળું પડેલું ચોમાસું ફરીથી અત્યંત શક્તિશાળી બની જશે.
20થી 30 જુલાઈ વચ્ચે કયા રાજ્યોમાં થશે ધમાકેદાર એન્ટ્રી?
હવામાન વિભાગ અને આંતરરાષ્ટ્રીય સ્તરના હવામાન મોડેલોના અંદાજ મુજબ, આ સિસ્ટમની અસર 20થી 30 જુલાઈ દરમિયાન ભારતીય ઉપખંડ પર જોવા મળી શકે છે. વરસાદની ભારે અછત ભોગવી રહેલા રાજ્યો માટે આ અમૃત સમાન સાબિત થશે. ખાસ કરીને બિહાર, ઝારખંડ, ઉત્તર-પૂર્વી રાજ્યો, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની પ્રબળ સંભાવના છે.
ખેડૂતો માટે રાહત, પણ તંત્ર માટે ચેતવણી
જો વરસાદ સમયસર આવશે તો જે ખેડૂતોનું વાવેતર અટકી પડ્યું છે તેમને મોટું જીવનદાન મળશે. પરંતુ સિક્કાની બીજી બાજુ પણ છે. જો આ સિસ્ટમ બંગાળની ખાડીમાં આવીને વધુ મજબૂત બને અને ચક્રવાત(વાવાઝોડા)નું સ્વરૂપ ધારણ કરે, તો અતિભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે.
- ખેડૂતોને સલાહ: હવામાનની પળેપળની માહિતી રાખીને પોતાના પાકની સુરક્ષાની તૈયારી રાખવી.
- તંત્રને ઍલર્ટ: શહેરોમાં નબળી ડ્રેનેજ સિસ્ટમ સાફ કરવી અને નીચાણવાળા વિસ્તારોમાં અગાઉથી રાહત સામગ્રી તૈયાર રાખવી.
- માછીમારોને ચેતવણી: બંગાળની ખાડીમાં ઊંચા મોજા ઉછળવાની શક્યતા હોવાથી દરિયો ન ખેડવો.
‘આબોહવા પરિવર્તન’ ભવિષ્યનો કાયમી પડકાર બની ગયો છે
છેલ્લા કેટલાક વર્ષોમાં ગ્લોબલ વોર્મિંગને કારણે આ ITCZ નું વર્તન ખૂબ જ અનિયમિત બન્યું છે. તે ક્યારેક અચાનક ઉત્તર તરફ તો ક્યારેક દક્ષિણ તરફ સરકી જાય છે, જેના કારણે એક જ સમયે એક તરફ દુષ્કાળ અને બીજી તરફ પૂર જેવી ગંભીર સ્થિતિ સર્જાય છે.
આ બદલાતી પેટર્નને સમજવા માટે હવે ભારત જેવા કૃષિપ્રધાન દેશે વધુ આધુનિક સુપર કોમ્પ્યુટર્સ, સેટેલાઇટ્સ અને આંતરરાષ્ટ્રીય વિજ્ઞાનીઓ સાથે મળીને કામ કરવું પડશે. હાલ પૂરતું તો આ 10,000 કિલોમીટર લાંબો વાદળોનો પટ્ટો દેશમાં ચોમાસાની ખાધ પૂરી કરશે તેવી આશા છે.




