Explainer: 5053 પાનાની ચાર્જશીટ, 80 સાક્ષી, 3 પ્રત્યક્ષદર્શી અને 3 આરોપી... લોહગઢ કિલ્લા પર થયેલી હત્યાની સનસનીખેજ કહાની
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Pune Lohagadh Fort Ketan Agarwal Murder Case Chargesheet : પુણેના 26 વર્ષીય યુવા કેતન અગ્રવાલની હત્યા ક્રાઇમ થ્રીલર ફિલ્મની પણ ઝાંખી પાડી દે એવું સુનિયોજિત કાવતરું હતું. લોહગઢ કિલ્લાની 400 ફૂટ ઊંડી ખાઈમાં ધકેલીને કરાયેલી કેતનની હત્યાના કેસમાં પુણે ગ્રામીણ પોલીસે 5053 પાનાની વિશાળ ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં ત્રણ આરોપીઓ અને ઘટનાને નજરે જોનારા ત્રણ પ્રત્યક્ષદર્શીના નિવેદનોએ આખા કેસને નવો વળાંક આપ્યો છે. ચાલો, રૂવાડાં ઊભા કરી દે એવી આ મર્ડર મિસ્ટ્રીની સંપૂર્ણ કહાની જાણીએ.
5053 પાનાની ચાર્જશીટ!
પુણેના વડગાંવ માવલ કોર્ટમાં રજૂ કરવામાં આવેલી 5053 પાનાની ચાર્જશીટમાં 80થી વધુ સાક્ષીની જુબાની નોંધવામાં આવી છે. (કેટલાક અહેવાલો મુજબ સાક્ષીઓની સંખ્યા 100 થી વધુ છે.) તેમાંથી 3 પ્રત્યક્ષદર્શી એવા છે, જેમણે મુખ્ય આરોપી સિયા અને ચેતનને કેતનને પહાડ પરથી ધક્કો મારતા પોતાની નજરે જોયા છે. આ સાક્ષીઓ કોર્ટમાં જુબાની આપવા માટે પણ સંમત થયા છે.
ભાડુતી હત્યારા શોધવાનો પ્રયાસ કરેલો
પોલીસ તપાસમાં એ વાત પણ સામે આવી છે કે, કેતનને મારવા માટે આરોપીઓએ પહેલા મહારાષ્ટ્રની બહારના લોકોનો સંપર્ક કરીને ભાડુતી હત્યારા (હિટમેન) શોધવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બાદમાં બહારના વ્યક્તિની સંડોવણીથી જોખમ લાગતા તેમણે એ પ્લાન પડતો મૂક્યો હતો. જે વ્યક્તિનો સંપર્ક કરવામાં આવ્યો હતો તેને હવે પોલીસે મુખ્ય સરકારી સાક્ષી બનાવ્યો છે. આ ઉપરાંત કોલ ડેટા રેકોર્ડ્સ (CDR), ઇન્ટરનેટ સર્ચ હિસ્ટ્રી, વોટ્સએપ ચેટ્સ અને સીસીટીવી (CCTV) ફૂટેજ જેવા ડિજિટલ પુરાવાને પણ કેસનો મુખ્ય આધાર બનાવાયો છે.
હત્યાના મુખ્ય ત્રણ આરોપીઃ કોની કેવી ભૂમિકા?
આ હત્યાકાંડના આયોજન અને અમલમાં ત્રણ લોકોની અલગ-અલગ ભૂમિકા રહી છે, જેના વિશે નીચે મુજબ ખુલાસો કરાયો છે.
1: સિયા પ્રવીણ ગોયલ (કેતનની મંગેતર અને માસ્ટરમાઇન્ડ)
- 20 વર્ષની સિયા ગોયલ કેતનની મંગેતર હતી. 19 ફેબ્રુઆરી 2026 માં બંનેની સગાઈ થઈ હતી અને નવેમ્બરમાં ઉદયપુર ખાતે તેમના લગ્ન થવાના હતા. પરંતુ પોલીસ તપાસમાં ખુલ્યું છે કે સિયા અગાઉથી જ (ઓક્ટોબર 2025 થી) ચેતન ચૌધરી સાથે પ્રેમ સંબંધમાં હતી. પોલીસને બંનેના ફૂલહાર પહેરેલા ફોટા પણ મળ્યા છે, જેનાથી શંકા છે કે કદાચ તેમણે ડિસેમ્બર 2025 માં રાજસ્થાનમાં ગુપ્ત રીતે લગ્ન પણ કર્યા હતા.
- સિયાએ હત્યાને અકસ્માતનું રૂપ આપવા માટે ઘણાં અઠવાડિયા સુધી હાઇ-પ્રોફાઇલ ક્રાઇમ પોડકાસ્ટ સાંભળ્યા અને 2025 ના મેઘાલય હનીમૂન હત્યા કેસ (સોનમ રઘુવંશી કેસ) નો ઉંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો. લગ્ન પહેલા કેતન અને સિયા પ્રિ-વેડિંગ શૂટ માટે બાલી (Bali) જવાના હતા, પરંતુ 6 જૂનના રોજ સિયાએ ચાલાકીથી કેતનનો પાસપોર્ટ ફાડીને એક કેફેના વોશરૂમમાં ફેંકી દીધો હતો, જેથી તેઓ વિદેશ ન જઈ શકે.
- 14 જૂનના રોજ સિયા કેતનને લોહગઢ કિલ્લા પર લઈ ગઈ હતી અને તેને ધક્કો મારવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. ત્યારે કેતન એક ઝાડી પકડીને બચી ગયો હતો અને સિયાએ ત્યાં સાપ હોવાનું બહાનું કાઢીને વાત બદલી નાખી હતી. આખરે 18 જૂનના રોજ, જન્મદિવસની સફરના બહાને તે ફરીથી કેતનને ત્યાં લઈ ગઈ અને સેલ્ફી લેવામાં ધ્યાન ભટકાવીને તેને 400 ફૂટ ઊંડી ખાઈમાં ધક્કો મારી દીધો હતો.
2. ચેતન બાબુલાલ ચૌધરી (સિયાનો પ્રેમી)
- 22 વર્ષના ચેતન ચૌધરીએ હત્યાને અંજામ આપવામાં સીધી ભૂમિકા ભજવી હતી. ઘટનાના દિવસે (18 જૂન) તેણે પોતાનો ફોન કામના સ્થળે જ મૂકી દીધો હતો અને ટ્રેક ન થઈ જવાય તે માટે સવારના 7 થી સાંજના 5:40 સુધી ઇન્ટરનેટ પણ બંધ રાખ્યું હતું. પોતાની ઓળખ છુપાવવા માટે તેણે હૂડી (Hoodie) પહેરી હતી અને કોઈને જાણ ન થાય એ રીતે તે કિલ્લા સુધી સિયા-કેતનની પાછળ ગયો હતો.
- કેતનને ખીણમાં ધકેલી દેવા શું કરવું એ અગાઉથી નક્કી હતું. એટલે જેવો સિયાએ કેતનને ખભા પરથી ધક્કો માર્યો કે તરત જ ચેતને આવીને કેતનના પગ પર જોરદાર લાત મારી દીધી. કેતનને બચવાની જરા પણ તક ન મળે અને તે સીધો ખાઈમાં જ પડે એ માટે ચેતને પોતાની પૂરી તાકાત લગાવી દીધી હતી.
3. રિતેશ સંજય હાંગે (ચેતનનો મિત્ર અને કાવતરાખોર)
- 22 વર્ષનો રીતેશ હાંગે ચેતનનો ક્લાસમેટ અને ખાસ મિત્ર છે. ભલે તે ઘટના સમયે પહાડ પર હાજર ન હતો, પરંતુ ચાર્જશીટ મુજબ તે સમગ્ર કાવતરાની પ્લાનિંગનો મુખ્ય હિસ્સો હતો. રિતેશે જ પોલીસથી કેવી રીતે બચવું અને સીસીટીવી (CCTV) ની નજરમાંથી કેવી રીતે દૂર રહેવું તેના સૂચનો આપ્યા હતા.
- આ કેસની તપાસમાં સૌથી મોટો ખુલાસો એ થયો કે રીતેશે Mahi (માહી) નામનું એક નકલી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યું હતું. આ એકાઉન્ટ પરથી તેણે સિયાની મિત્ર બનીને કેતનને મેસેજ કર્યા હતા. રીતેશે માહી બનીને કેતનને સમજાવ્યો હતો કે 19 જૂને સિયાનો જન્મદિવસ છે, તેથી 18 જૂને તેને સરપ્રાઈઝ આપવા માટે લોહગઢ કિલ્લા પર લઈ જા. આ જ પ્લાનમાં ફસાઈને કેતન કિલ્લા પર ગયો હતો. હત્યા બાદ આ ફેક એકાઉન્ટ ડિલીટ કરી દેવાયું હતું.
તો આ ત્રણેય આરોપી હાલ ક્યાં છે?
આ સમગ્ર કેસ દર્શાવે છે કે ત્રણેય આરોપીએ સાથે મળીને હત્યાનું કાવતરું ઘડ્યું હતું, જેને તેમણે નિર્દયતાથી અંજામ આપ્યો હતો અને પુરાવા છુપાવવાનો પૂરેપૂરો પ્રયાસ કર્યો હતો. હાલ સિયા, ચેતન અને રિતેશ ત્રણેય પુણેની યરવડા સેન્ટ્રલ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. હવે આ કેસ કોર્ટમાં ચાલશે, જ્યાં 5053 પાનાની ચાર્જશીટ, ડિજિટલ પુરાવા અને સાક્ષીઓના નિવેદનો તેમના ગુનાનો ફેંસલો કરશે.




