Get The App

પંજાબનાં ઉદ્યોગ પ્રધાન સંજીવ અરોરાનાં પરિસરોમાં ઇડીનાં દરોડા

શેરબજારમાં ઇનસાઇડ ટ્રેડિંગ અને યુએઇથી ભારતમાં સટ્ટાબાજીનાં નાણાનાં રાઉન્ડ ટ્રિપિંગથી જોડાયેલ વિદેશી વિનિમય ભંગનો આરોપ

દરોડા દરમિયાન અર્ધલશ્કરી દળોનાં જવાનોએ સુરક્ષા પૂરી પાડી

Updated: Apr 17th, 2026

GS TEAM

Google News
Google News
પંજાબનાં ઉદ્યોગ પ્રધાન સંજીવ અરોરાનાં પરિસરોમાં ઇડીનાં દરોડા 1 - image

 

(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૧૭

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ શુક્રવારે પંજાબનાં ઉદ્યોગ પ્રધાન સંજીવ અરોરા તેમના પુત્ર અને અન્ય કેટલાક લોકોનાં પરિસરોમાં દરોડા પાડયા હતાં. આ દરોડા શેરબજારમાં ઇનસાઇડ ટ્રેડિંગ અને યુએઇથી ભારતમાં સટ્ટાબાજીનાં નાણાનાં રાઉન્ડ ટ્રિપિંગથી જોડાયેલ વિદેશી વિનિમય ભંગની તપાસ હેઠળ પાડવામાં આવ્યા છે.

 ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (ફેમા)ની જોગવાઇઓ હેઠળ લુધિયાણા, જલંધર, ગુરુગ્રામ અને ચંડીગઢમાં કુલ ૧૩ રહેણાંક અને સત્તાવાર પરિસરોની તપાસ કરવામાં આવી છે.

જે પરિસરોમાં દરોડા પાડવામાં આવ્યા છે તેમાં અરોરા, તેમની રિયલ એસ્ટેટ કંપની હેમ્પ્ટન સ્કાય રિયલ્ટી લિમિટેડ (અગાઉ રિતેશ પ્રોપર્ટીઝ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ) તથા અરોરાનાં પુત્ર કાવ્યા અરોરાનાં લુધિયાણાનાં રહેઠાણો તથા ઓફિસોનો સમાવેશ થાય છે તેમ અધિકારીઓએ જણાવ્યું હતું.

આ જ શહેરમાં ફાઇન્ડોક ફિનવેસ્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની નાણાકીય રોકાણ અને સ્ટોક બ્રોકર કંપની ચલાવતા હેમંત સુદ અને જલંધર સ્થિત ઉદ્યોગપતિ તથા બુકી ચંદ્રશેખર અગ્રવાલનાં પરિસરોમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે.

આ દરોડા દરમિયાન કેન્દ્રીય અર્ધલશ્કરી દળોેનાં જવાનોએ ઇડી ટીમોને સુરક્ષા કવચ પુરુ પાડયું હતું તેમ અધિકારીઓએ જણાવ્યું હતું. ૬૨ વર્ષીય અરોરાએ એક્સ પર જણાવ્યું હતું કે તેઓ તપાસમાં સહકાર આપશે.

લુધિયાણા પશ્ચિમનાં ધારાસભ્ય અરોરાના પરિસરોમાં અગાઉ ૨૦૨૪માં પણ ઇડીએ દરોડા પાડયા હતાં. તે સમયે રહેણાંક પ્રોજેક્ટ માટે ઔદ્યોગિક જમીનનાં દુરુપયોગ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં દરોડા પાડવામાં આવ્યા હતાં. તે સમયે તેઓ રાજ્યસભાનાં સાંસદ હતાં.