Get The App

કોલસા ખનન મામલે EDની મોટી કાર્યવાહી, બંગાળ-ઝારખંડમાં દરોડા, રોકડ-ઘરેણાં જપ્ત

Updated: Nov 21st, 2025

GS TEAM

Google News
Google News
કોલસા ખનન મામલે EDની મોટી કાર્યવાહી, બંગાળ-ઝારખંડમાં દરોડા, રોકડ-ઘરેણાં જપ્ત 1 - image
Image Source: X

ED raids more than 40 locations: ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં કોલસા માફિયાઓ વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. EDની ટીમે એકસાથે 40થી વધુ ઠેકાણાઓ પર દરોડા પાડ્યા છે, જેનો મુખ્ય હેતુ ગેરકાયદેસર કોલસા ખનન, ચોરી અને તસ્કરીના નેટવર્કને તોડી પાડવાનો છે. આ સંયુક્ત કાર્યવાહી કરોડો રૂપિયાના સરકારી મહેસૂલ (રેવન્યૂ)ના નુકસાન સાથે જોડાયેલા કેસોની તપાસ માટે કરવામાં આવી છે, જેમાં ઘણા મોટા નામ સામેલ હોવાનું બહાર આવ્યું છે.

ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં EDનું સર્ચ ઓપરેશન

રાંચી સ્થિત EDની ટીમે કોલસા ચોરી અને તસ્કરીના કેસોના આધારે ઝારખંડના 18 ઠેકાણાઓ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ કેસમાં અનિલ ગોયલ, સંજય ઉદ્યોગ, એલ.બી. સિંહ અને અમર મંડલ જેવા નામ સામેલ છે. મોટા પાયે કોલસાની ચોરી અને સરકારી મહેસૂલમાં સેંકડો કરોડ રૂપિયાની હાનિ થવાના કારણે EDએ રાજ્યભરમાં દરોડા પાડ્યા છે, જેનાથી ચોંકાવનારા ખુલાસાઓ થવાની સંભાવના છે. ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં EDએ દરોડા પાડ્યા હતા, જે દરમિયાન મોટી માત્રામાં રોકડ અને ઘરેણાં મળી આવ્યા હતા.

ED અધિકારીઓ પાછળ પાલતુ કૂતરા છોડ્યા

દરોડા દરમિયાન રાંચીમાં EDના અધિકારીઓને ઘરમાં પ્રવેશતા રોકવા માટે, કોલસાના વેપારી એલ.બી. સિંહે પોતાના પાલતુ કૂતરાઓને અધિકારીઓ પાછળ છોડી મૂક્યા. કૂતરાઓ પરિસરમાં ફરી રહ્યા છે અને EDના અધિકારીઓને ઘરમાં પ્રવેશતા અટકાવી રહ્યા છે, જ્યારે એલ.બી. સિંહ પોતે ઘરની અંદરથી બહાર નીકળી રહ્યા નથી. આ ઘટના EDની કાર્યવાહીમાં અવરોધ પેદા કરવાના પ્રયાસને દર્શાવે છે.

પશ્ચિમ બંગાળમાં દરોડા અને મુખ્ય આરોપીઓ

EDની બીજી ટીમે પશ્ચિમ બંગાળના દુર્ગાપુર, પુરુલિયા, હાવડા અને કોલકાતા જિલ્લામાં 24 ઠેકાણાઓ પર દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી ગેરકાયદેસર કોલસા ખનન, પરિવહન અને ગેરકાયદેસર સંગ્રહના કેસ સાથે સંકળાયેલી છે. જેમાં નરેન્દ્ર ખડકા, અનિલ ગોયલ, યુધિષ્ઠિર ઘોષ અને કૃષ્ણ મુરારી કાયલ સહિત અન્ય ઘણા લોકોના ઠેકાણાઓનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: વડાપ્રધાન મોદી G-20 સમિટમાં ભાગ લેવા દ.આફ્રિકા રવાના થયા, જાણો શું છે એજન્ડા

કોલસા માફિયાઓને મોટો ફટકો

EDની આ સંયુક્ત કાર્યવાહીને કોલસા માફિયા નેટવર્ક પર મોટો ફટકો માનવામાં આવે છે. તપાસ એજન્સીના જણાવ્યા મુજબ, આવનારા દિવસોમાં વધુ ખુલાસાઓ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે કોલસાના વેપારમાં અનિયમિતતાઓના કેસ અગાઉ પણ સામે આવ્યા છે અને આ દરોડા પાડતા પહેલા EDએ ઘણા વેપારીઓને દિલ્હી બોલાવ્યા હતા.

કોલસા ખનન મામલે EDની મોટી કાર્યવાહી, બંગાળ-ઝારખંડમાં દરોડા, રોકડ-ઘરેણાં જપ્ત 2 - image