Get The App

ઈડીએ 2,892 દરોડા પાડી વિક્રમી રૂ.81,422 કરોડની સંપત્તિ જપ્ત કરી

Updated: May 3rd, 2026

GS TEAM

Google News
Google News
ઈડીએ 2,892 દરોડા પાડી વિક્રમી રૂ.81,422 કરોડની સંપત્તિ જપ્ત કરી 1 - image

- નાણાકીય વર્ષ 2025-26નો ઈડીનો રિપોર્ટ જાહેર

- ઈડીએ મની લોન્ડરિંગના કેસોમાં 214 લોકોની ધરપકડ કરી, 27 ટકાનો ઘટાડો : 812 ચાર્જશીટ દાખલ કરી

- ઈડીએ છેતરપિંડીનો ભોગ બનેલા લોકોને લક્ષ્યાંક કરતાં બમણી રૂ. 32,000 કરોડથી વધુની મિલકતો પરત કરી

નવી દિલ્હી : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં મની લોન્ડરિંગના કેસોમાં ધરપકડોમાં ૨૭ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જોેકે, મિલકતો ટાંચમાં લેવાની બાબતમાં ઈડીએ રેકોર્ડ કર્યો છે. ઈડાએ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં કુલ રૂ. ૮૧,૦૦૦ કરોડના મૂલ્યની સંપત્તિઓ ટાંચમાં લીધી છે. આ જ સમયમાં ઈડીએ હાથ ધરેલા દરોડાની સંખ્યા બમણી થઈને ૨,૮૯૨ થઈ હતી તેમ અધિકારીઓએ કહ્યું હતું.

કેન્દ્રીય તપાસ એજન્સીએ તેના નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના વાર્ષિક રિપોર્ટમાં જણાવ્યું કે સમીક્ષા હેઠળના સમયમાં પીએમએલએ હેઠળ ૧૫૬ લોકોની ધરપકડ કરાઈ હતી  જ્યારે ૨૦૨૪-૨૫માં ઈડીએ ૨૧૪ લોકોની ધરપકડ કરી હતી, જે ૨૭ ટકાનો ઘટાડો દર્શાવે છે. ૨૦૨૩-૨૪માં ઈડીએ ૨૭૨ લોકોની ધરપકડ કરી હતી. આ સંદર્ભમાં ઈડીએ કહ્યું કે, તેણે વધુ ટાર્ગેટેડ અને પુરાવા આધારિત તપાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.આ સાથે ઈડીએ સમીક્ષા હેઠળના વર્ષમાં ૭૧૨ આદેશો હેઠળ વિક્રમી રૂ. ૮૧,૪૨૨ કરોડના મૂલ્યની સંપત્તિ ટાંચમાં લીધી છે, જે અગાઉના વર્ષની તુલનામાં ૧૭૧ ટકાની વૃદ્ધિ દર્શાવે છે. નાણાકીય વર્ષ ૨૪-૨૫માં ઈડીએ ૪૬૧ આદેશો આપીને રૂ. ૩૦,૦૩૬ કરોડના મૂલ્યની સંપત્તિ ટાંચમાં લીધી હતી. ઈડીએ અગાઉના વર્ષમાં ૧,૪૯૧ દરોડાની સરખામણીએ આ વર્ષે ૨,૮૯૨ દરોડા પાડયા હતા, જે દરોડાની સંખ્યા બમણાથી વધુ થઈ હોવાનું દર્શાવે છે.

આ રિપોર્ટ મુજબ ઈડીએ નાણાકીય વર્ષ ૨૦૨૬માં સફળતાપૂર્વક વિક્રમી ૮૧૨ ચાર્જશીટ દાખલ કરી હતી, જે સંખ્યા અગાઉના વર્ષમાં ૪૫૭ હતી. વધુમાં ઈડીએ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં છેતરપિંડીનો ભોગ બનેલા લોકોને જપ્ત કરેલી સંપત્તી પરત કરવાના તેના લક્ષ્યાંક કરતા બમણી સંપત્તિ પાછી આપી હતી. 

ઈડીએ સમીક્ષા હેઠળના સમયમાં રૂ. ૩૨,૦૦૦ કરોડથી વધુના મૂલ્યની મિલકતો પાછી આપી હતી જ્યારે એજન્સીએ એપ્રિલ ૨૦૨૬માં નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં રૂ. ૧૫,૦૦૦ કરોડના મૂલ્યની સંપત્તિ પીડિતોને પાછી આપવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું હતું.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) પાસે  મની લોન્ડરિંગના કાયદા હેઠળ ગુનાની આવકની વ્યાખ્યા કરવાની, ધરપકડ, સર્ચ અને મિલકતો જપ્ત કરવાની અસાધારણ સત્તા છે. આ કાયદા હેઠળ જામીન મેળવવા અત્યંત મુશ્કેલ છે, કારણ કે આરોપી દોષિત નથી તેની કોર્ટને ખાતરી હોય અને જામીન પર હોય ત્યારે આરોપી અન્ય કોઈ ગુનો નહીં કરે તેની પણ કોર્ટને ખાતરી હોય તો જ જામીન અપાતા હોય છે.