| AI IMAGE |
IAS-Anurag-Yadav: ભારતીય ચૂંટણી પંચ (ECI) દ્વારા હાથ ધરવામાં આવેલા મતદાર યાદીના SIR અભિયાનને લઈને વિવાદ વકર્યો છે. એક તરફ મુખ્ય ચૂંટણી કમિશનર અને IAS અધિકારીઓ વચ્ચે તીખી બોલાચાલી થઈ રહી છે, તો બીજી તરફ લાખો મતદારોના નામ યાદીમાંથી કપાઈ જતાં મામલો હવે દેશની સર્વોચ્ચ અદાલત સુધી પહોંચ્યો છે.
CEC જ્ઞાનેશ કુમાર અને IAS અનુરાગ યાદવ વચ્ચે શું થયું?
તાજેતરમાં યુપી કેડરના 2000 બેચના IAS અધિકારી અનુરાગ યાદવને પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં ચૂંટણી નિરીક્ષક પદેથી હટાવી દેવામાં આવ્યા છે. એક વીડિયો કોન્ફરન્સિંગ દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર સાથે તેમની ઉગ્ર દલીલ થઈ હતી. સમીક્ષા બેઠકમાં પોલિંગ સ્ટેશનની સંખ્યાનો જવાબ મોડો આપવા બદલ સવાલ ઉઠાવાતા અનુરાગ યાદવે કહ્યું કે, હું પણ 25 વર્ષથી સર્વિસમાં છું, મારી સાથે આ રીતે વાત ન કરી શકાય. આ ઘટનાને શિસ્તહીનતા ગણીને આયોગે તેમને તાત્કાલિક પદમુક્ત કર્યા હતા.
મહારાષ્ટ્રના CEOએ પણ આપી હતી ચેતવણી
માત્ર ઉત્તર પ્રદેશ કે પશ્ચિમ બંગાળ જ નહીં, મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) એસ. ચોકલિંગમે પણ નવેમ્બર મહિનામાં પંચને પત્ર લખીને આગાહ કર્યા હતા. જેમાં તેમણે જણાવ્યું હતું કે, મતદાર યાદી શુદ્ધ કરવાનું કામ ઉતાવળમાં ન થઈ શકે. જ્યાં ચૂંટણી નજીક નથી, ત્યાં પૂરતો સમય આપવો જોઈએ. વર્તમાન ડેટાને 2002ના રેકોર્ડ સાથે મેપ કરવો એ સમય માંગી લે તેવી પ્રક્રિયા છે. નોંધનીય છે કે 2001-02માં આ પ્રક્રિયા 13 મહિના ચાલી હતી, જેની સામે અત્યારે ખૂબ જ ઓછો સમય અપાયો છે.
આ પણ વાંચો:'અહીં સિગારેટનો કશ મારતા જ ઓફિસર આવી જાય', કેનેડાનો એન્ટી સ્મોકિંગ કાયદો ચર્ચામાં
પશ્ચિમ બંગાળમાં મોટું સંકટ
પશ્ચિમ બંગાળમાં આ મામલો હાલ સૌથી વિવાદિત બન્યો છે. આ ઉતાવળની સૌથી ગંભીર અસર પશ્ચિમ બંગાળમાં જોવા મળી રહી છે. રાજ્યમાં અંદાજે 89 લાખ મતદારોના નામ યાદીમાંથી હટાવી દેવામાં આવ્યા છે. તેમાંથી 27.1 લાખ લોકો એવા છે જેમને અપીલ કરવાની પણ તક મળી નથી. એપ્રિલના અંતમાં થનારા મતદાન પહેલા લાખો લોકો મતાધિકાર ગુમાવે તેવી સ્થિતિ સર્જાતા આ વિવાદ હવે સુપ્રીમ કોર્ટના દ્વારે પહોંચ્યો છે.
રાજકીય ગરમાવો અને ચૂંટણી પંચનો તર્ક
મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ હર્ષવર્ધન સકપાલે પણ 13 મહિનાનો સમય આપવાની માંગણી કરી છે. બીજી તરફ, ચૂંટણી પંચના સૂત્રોનું કહેવું છે કે આગામી સમયમાં વસ્તી ગણતરી (Census) શરૂ થવાની હોવાથી, જે સરકારી કર્મચારીઓ અને શિક્ષકો ચૂંટણી ડ્યુટી કરે છે તેઓ વ્યસ્ત થઈ જશે. તેથી આ પ્રક્રિયા વહેલી પૂરી કરવી અનિવાર્ય છે.
સુપ્રીમ કોર્ટ પર સૌની
ચૂંટણી યાદીને ક્ષતિરહિત બનાવવાનો આશય સારો હોઈ શકે, પરંતુ વહીવટી અધિકારીઓનો વિરોધ અને લાખો મતદારોના નામ કટ થવાની ઘટનાએ લોકશાહીના આ સૌથી મોટા પર્વ સામે સવાલો ઉભા કર્યા છે. હવે જોવાનું એ રહેશે કે સુપ્રીમ કોર્ટ આ મામલે શું વલણ અપનાવે છે.


