Get The App

Explainer: પૃથ્વી પર મર્યાદાથી વધુ માણસો ‘ખદબદી’ રહ્યા છે, 2060 સુધીમાં ઉજ્જડ થઈ જવાનો ભય!

Updated: Apr 7th, 2026

GS TEAM

Google News
Google News
Explainer: પૃથ્વી પર મર્યાદાથી વધુ માણસો ‘ખદબદી’ રહ્યા છે, 2060 સુધીમાં ઉજ્જડ થઈ જવાનો ભય! 1 - image

Global Population Crisis : માનવજાતના અસ્તિત્વ પર મોટું પ્રશ્નચિહ્ન લગાવે એવા ચિંતાજનક સમાચાર આવ્યા છે. એક નવો વૈજ્ઞાનિક અભ્યાસ કહે છે કે, માનવવસ્તીને સહન કરવાની પૃથ્વીની ક્ષમતા ઓછી થઈ રહી છે. જો આપણે આપણી જીવનશૈલી નહીં બદલીએ તો 2060 સુધીમાં વિશ્વની વસ્તી 12 અબજ સુધી પહોંચી જશે. એટલે કે, પૃથ્વી પર લોકોની સંખ્યા એટલી વધી જશે કે કુદરત પાસે આપણને જરૂરી પાણી, હવા અને ખોરાક આપવાની તાકાત રહેશે નહીં. વિજ્ઞાનીઓ કહે છે કે અત્યારે પણ આપણે મર્યાદા કરતાં વધારે ઉપયોગ કરી રહ્યા છીએ. ચાલો જાણીએ કે મુદ્દો કેટલો ગંભીર અને ચિંતાજનક છે.

ફ્લિન્ડર્સ યુનિવર્સિટીના અહેવાલે ચિંતા જગાવી

ઓસ્ટ્રેલિયાની ફ્લિન્ડર્સ યુનિવર્સિટીના પ્રોફેસર કોરી બ્રેડશોએ આ વિષયમાં ઘણું સંશોધન કર્યું છે. તેમના રિપોર્ટ મુજબ, આપણે હાલમાં જે રીતે સંસાધનોનો ઉપયોગ કરી રહ્યા છીએ. જો આમ જ ચાલુ રહ્યું તો આપણે મોટી મુશ્કેલીમાં ફસાઈ જઈશું. તેમણે પોતાના અભ્યાસમાં છેલ્લા 200 વર્ષની વસ્તી વૃદ્ધિની તપાસ કરી છે. પહેલા એવું હતું કે વસ્તી વધી તો સામે નવી શોધો પણ થઈ. પરંતુ હવે એવું નથી.

1960 પછી બદલાયેલો ટ્રેન્ડ

1960 પહેલા જ્યારે વસ્તી વધતી હતી, ત્યારે વધુ લોકોનો મતલબ વધુ હાથ, વધુ વિચારો અને વધુ શોધખોળ હતી. આથી દેશ-દુનિયાનો વિકાસ પણ ઝડપથી થતો હતો. 1960 પછી વસ્તી તો વધતી જ રહી છે, પણ વિકાસનો દર ધીમો પડી ગયો છે. પૃથ્વી પર એટલા બધા માણસો ઉમેરાઈ ગયા છે કે બધા માટે જમીન, પાણી અને ઊર્જા જેવી મર્યાદિત વસ્તુઓ હવે ખૂટવા લાગી છે. હવે વધુ લોકો એટલે પૃથ્વી પર વધુ બોજ, એવો અર્થ થાય છે. 

વિજ્ઞાનીઓ આને ‘નકારાત્મક વસ્તી તબક્કો’ (Negative Demographic Phase) કહે છે. આનો સરળ અર્થ એ છે કે હવે વધુ લોકોનો અર્થ પ્રગતિ નથી, પરંતુ પૃથ્વી પર વધારે દબાણ છે. આપણે જમીન, પાણી અને હવાને એટલી બધી ઝડપથી ખતમ કરી રહ્યા છીએ કે કુદરત પાછા ભરપાઈ નથી કરી શકતી.

આ પણ વાંચો : ‘આ વખતે પાકિસ્તાનના કેટલા ટુકડા થશે એ તો ભગવાન જ જાણે’, 'કોલકાતા' વાળી ધમકી પર રાજનાથ સિંહનો વળતો પ્રહાર

આજની વસ્તી Vs પૃથ્વીની ક્ષમતા

આ સંશોધનના આંકડા ઘણાં ચોંકાવનારા છે. જેમ કે... 

  • પૃથ્વીની વાસ્તવિક ક્ષમતા (Sustainable Limit): જો આપણે પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના સલામત અને સ્વસ્થ જીવન જીવવું હોય તો પૃથ્વી માત્ર 2.5 અબજ લોકોને જ ટકાવી શકે એમ છે.
  • હાલની વસ્તી (Current Population): આજે વિશ્વમાં 8.3 અબજ લોકો વસે છે, જે આદર્શ સંખ્યા કરતાં ત્રણ ગણાથી પણ વધારે છે.
  • આગાહી (Future Projection): જો આ જ રીતે વૃદ્ધિ થતી રહી તો 2060 સુધીમાં આ આંકડો 12 અબજ સુધી પહોંચી જશે. આદર્શ સંખ્યા કરતાં 4.8 ગણી વસ્તી!

અશ્મિભૂત ઇંધણનો 'જાદુ' અને તેની કિંમત

હવે સવાલ એ છે કે, જો પૃથ્વી પર માત્ર 2.5 અબજ લોકો જ રહી શકે એમ છે, તો 8.3 અબજ લોકો કેવી રીતે જીવી રહ્યા છે? આનો શ્રેય (કે દોષ) જાય છે કોલસો, પેટ્રોલ અને ગેસ જેવા અશ્મિભૂત ઇંધણને. આ ઇંધણના કારણે આપણે ખેતીમાં રસાયણો, ખાતરો અને ટ્રેક્ટર જેવી ચીજો તથા અનાજ પ્રોસેસિંગ માટે અત્યાધુનિક સાધનો અને ટેક્નોલોજીથી સજ્જ ફેક્ટરીઓનો ઉપયોગ કરીને ખૂબ બધું ઉત્પાદન કરી શક્યા છીએ. આમ, વધુ ખોરાક ઉત્પન્ન થવાથી માનવ વસ્તી બેફામ વધી છે. પરંતુ આપણે પૃથ્વી પર પ્રાપ્ય કુદરતી સંસાધનો એટલી ઝડપથી વાપરી રહ્યા છીએ કે તેના કારણે આબોહવા ઝડપથી બદલાઈ રહી છે અને પ્રદૂષણ વધી રહ્યું છે. એમ કહી શકાય કે સમગ્ર માનવજાત પોતાની બચત ખતમ કરીને ક્રેડિટ કાર્ડ પર વૈભવી જીવન જીવી રહી છે.

આ પણ વાંચો : મણિપુરમાં ફરી હિંસા ભડકી: રોકેટ હુમલામાં બે બાળકોના મોત, પાંચ જિલ્લામાં ઇન્ટરનેટ બંધ

ખલનાયક કોણ: વધુ લોકો કે વધુ વપરાશ?

ઘણી વાર એવી દલીલ થાય છે કે અમેરિકા કે યુરોપ જેવા સમૃદ્ધ દેશોના લોકો વધારે સંસાધનો વાપરતા હોવાથી તેઓ દોષિત છે. પરંતુ આ નવા સંશોધનમાં એક ચોંકાવનારી વાત સામે આવી છે. જ્યારે પૃથ્વી પર દબાણ વધી જાય છે ત્યારે કુલ વસ્તી (Population Size) સૌથી મોટો ખલનાયક બની જાય છે. એટલે કે, ભલે ગરીબ લોકો ઓછો ઉપયોગ કરતા હોય, પરંતુ જો તેમની સંખ્યા જ અબજોમાં હશે, તો તે પણ પૃથ્વી માટે ખૂબ મોટો બોજ બની જશે.

ભવિષ્ય માટે કોઈ આશા છે?

આ અભ્યાસ કહે છે કે આપણે આકરા દુકાળ અને પાણી માટે યુદ્ધ લડવું પડે એવા ભવિષ્ય તરફ જઈ રહ્યા છીએ. જોકે, આ સંશોધન એમ પણ કહે છે કે જો આપણે અત્યારથી સુધારા કરવાનું શરૂ કરીએ તો કટોકટી ટાળી શકાય એમ છે. વસ્તી વૃદ્ધિનો દર ઘટી રહ્યો છે, જે સારો સંકેત છે. જો વિશ્વના તમામ દેશો પોતાની ઊર્જા નીતિઓ, ખેતી અને ખાનપાનની આદતોમાં મોટા ફેરફાર કરે, તો આપણે આપણા આ સુંદર ગ્રહને બચાવી શકીએ એમ છીએ. પરંતુ આ માટે સમય ઝડપથી ઓછો થઈ રહ્યો છે. માનવજાત જેમ બને એમ જલ્દી જાગી જાય તો સારું, નહીંતર આ પૃથ્વીને ઉજ્જડ ગોળો બની જતા વાર નહીં લાગે.

આ પણ વાંચો : બંગાળ ચૂંટણી પહેલા 90 લાખ મતદારોના નામ હટાવાયા, ચૂંટણી પંચે જાહેર કર્યો ડેટા