E-20 પેટ્રોલનો વિવાદઃ ઇથેનોલ વેચીને કોણ કમાણી કરી રહ્યું છે, ગુજરાતની 19 સહિત દેશની 501 કંપનીઓની યાદી જાહેર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ethanol Suppliers List : દેશમાં પેટ્રોલ અને ડીઝલના ઊંચા ભાવો વચ્ચે ઇથેનોલનો કારોબાર રેકોર્ડ રફ્તારે વધી રહ્યો છે. કેન્દ્ર સરકારે પ્રથમ વખત તે 501 કંપનીઓની સત્તાવાર યાદી જાહેર કરી છે, જે સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs)ને પેટ્રોલમા ભેળવવા માટે ઇથેનોલ સપ્લાય કરી રહી છે.
વાહનચાલકોમાં અસંતોષ, છતાં ઇથેનોલનું વેચાણ પૂરપાટ
તાજેતરમાં 'લોકલ સર્કલ્સ' (LocalCircles) દ્વારા કરવામાં આવેલા એક સર્વે મુજબ, 53% વાહન માલિકો સરકારે લાગુ કરેલા E-20 (20% ઇથેનોલ મિશ્રિત) પેટ્રોલની પ્રક્રિયાથી નાખુશ છે. આશરે 66% લોકોએ ફરિયાદ કરી છે કે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલના ઉપયોગથી તેમના વાહનની એવરેજ (માઇલેજ)માં ભારે ઘટાડો થયો છે.
પરંતુ બીજી તરફ, ઇથેનોલ બનાવતી કંપનીઓ માટે આ નીતિ સુવર્ણ તક સાબિત થઈ રહી છે.
3 વર્ષમાં ₹1.72 લાખ કરોડનો જંગી કારોબાર
સરકારી આંકડા દર્શાવે છે કે જાહેર ક્ષેત્રની ઓઈલ કંપનીઓ (IOCL, BPCL અને HPCL) દ્વારા ઇથેનોલની ખરીદી પરનો ખર્ચ છેલ્લા 3 વર્ષમાં જ ₹1.72 લાખ કરોડ સુધી પહોંચી ગયો છે:
- 2023-24: ₹48,757 કરોડ
- 2024-25: ₹73,996 કરોડ
- 2025-26 (જૂન સુધી): ₹49,577 કરોડ
આ બિઝનેસમાં કોનો દબદબો છે?
સંસદમાં રજૂ કરાયેલા દસ્તાવેજો અનુસાર, 16 જુલાઈ 2026 સુધીમાં 501 કંપનીઓ ઓઈલ કંપનીઓ સાથે નોંધાયેલી છે. મુખ્યત્વે મહારાષ્ટ્ર (145), ઉત્તર પ્રદેશ (78), કર્ણાટક (58), મધ્ય પ્રદેશ (33), બિહાર (22), પંજાબ (20) અને ગુજરાત (19) જેવા રાજ્યોની કંપનીઓનો મોટો હિસ્સો છે.
ઇથેનોલ સપ્લાયર કંપનીઓમાં શુગર મિલો, ખાનગી ડિસ્ટિલરીઓ અને બાયોફ્યુઅલ ઉત્પાદકોનો સમાવેશ થાય છે. આ ઇથેનોલ મુખ્યત્વે શેરડીનો રસ, મોલાસીસ (ગોળની રસી), મકાઈ અને ક્ષતિગ્રસ્ત અનાજમાંથી તૈયાર કરવામાં આવે છે.
ગુજરાતની 19 ઇથેનોલ સપ્લાયર કંપનીઓની યાદી
ગુજરાતમાં સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીઓથી લઈને અનેક ખાનગી બાયોફ્યુઅલ કંપનીઓ આ કારોબારમાં સક્રિય છે. સરકારી યાદી મુજબ ગુજરાતમાંથી નીચે મુજબની 19 કંપનીઓ ઓઇલ માર્કેટિંગ કંપનીઓને ઇથેનોલ સપ્લાય કરી રહી છે:
ક્રમ કંપનીનું નામ
1 એડહાસ બાયોફ્યુઅલ રિફાઇનરી પ્રાઇવેટ લિમિટેડ
2 ગ્રેનફ્યુઅલ ડિસ્ટિલરીઝ પ્રાઇવેટ લિમિટેડ
3 ગ્રેનસ્પેન ન્યુટ્રિએન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ
4 ગ્રેનસ્પેન ન્યુટ્રિએન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ (ENL-II)
5 ગ્રોથપાથ પેટ્રોકેમ પ્રાઇવેટ લિમિટેડ
6 લૂના કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ
7 સહકારી ખાંડ ઉદ્યોગ મંડળ લિમિટેડ, ગણદેવી
8 શક્તિકેમ પ્રાઇવેટ લિમિટેડ
9 શ્રી ચલથાણ વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડ
10 શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડ
11 શ્રી કામરેજ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ
12 શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ, પાંડવઈ
13 શ્રી માઢી વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડ
14 શ્રી મહુવા પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ
15 શ્રી નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડ
16 શ્રી સાયણ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ
17 શ્રી ગોવર્ધન સુગર ઇન્ડસ્ટ્રીઝ
18 ટ્રુ ગ્રીન બાયો એનર્જી લિમિટેડ
19 વેક્ટર ઇન્ફ્રાપ્રોપ પ્રાઇવેટ લિમિટેડ
ગ્રાહકોને ફાયદો કે નુકસાન?
સરકારનું કહેવું છે કે ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામનો મુખ્ય ઉદ્દેશ્ય ક્રૂડ ઓઇલ (કાચા ઓઈલ)ની આયાત પર નિર્ભરતા ઘટાડવી, વિદેશી હૂંડિયામણ બચાવવું, કાર્બન ઉત્સર્જન ઘટાડવું અને ખેડૂતોની આવક વધારવાનો છે.
જોકે, આ નીતિથી સામાન્ય વાહનચાલકોને પેટ્રોલના ભાવમાં કોઈ સીધો ફાયદો થયો નથી, કારણ કે છૂટક ભાવ આંતરરાષ્ટ્રીય ક્રૂડ અને ટેક્સના આધારે જ નક્કી થાય છે. ઊલટાનું, વાહનોની માઇલેજ ઘટવાની ફરિયાદો વધી છે, જ્યારે ઇથેનોલ બનાવતી કંપનીઓ માટે અબજો રૂપિયાનો ગેરંટીડ માર્કેટ ઊભો થયો છે.









