India

E20 પેટ્રોલ વાહનો માટે હાનિકારક : ગડકરીની કબૂલાત, વધુ એક આંદોલનની તૈયારીથી સરકાર ડરી!

By GS Team
2 Aug 20264 mins read
TukuTouch Logo
નીટ પેપર લીક બાદ હવે ઈ-20 પેટ્રોલ મુદ્દે સરકાર ભીંસમાં મુકાઈ છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પહેલા ઈ-20ના ફાયદા ગણાવ્યા, પરંતુ હવે માઈલેજ ઘટતું અને એન્જિનને નુકસાન થતું હોવાની કબૂલાત કરી છે. આમ આદમી પાર્ટી અને અન્ય સંગઠનોએ આ મુદ્દે વડાપ્રધાન નિવાસ સુધી મોરચો કાઢવાની જાહેરાત કરી છે. સરકારે અફવાઓ રોકવા ક્વિક રિસ્પોન્સ ટીમ બનાવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

E20 પેટ્રોલ વાહનો માટે હાનિકારક : ગડકરીની કબૂલાત, વધુ એક આંદોલનની તૈયારીથી સરકાર ડરી!

E20 Petrol And Nitin Gadkari News: નીટ પેપર લીક મુદ્દે કોકરોચ જનતા પાર્ટીએ સરકારને ભીંસમાં મૂક્યા પછી હવે E20 પેટ્રોલ મુદ્દે આમ આદમી પાર્ટી અને અન્ય સંગઠનોએ સરકાર સામે બાંયો ચઢાવી છે. આવા સમયે દેશમાં E20 પેટ્રોલની સૌથી વધુ તરફેણ કરનારા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના સૂર બદલાઈ રહ્યા છે. E20ને ભવિષ્યનું પેટ્રોલ ગણાવનારા ગડકરીએ લોકોને પડકાર ફેંક્યા પછી, પેટ્રોલિયમ તેમનું મંત્રાલય નહીં હોવાના ખુલાસા કર્યા પછી હવે E20થી માઈલેજ ઘટતું હોવાની તથા એન્જિનને નુકસાન થતું હોવાની કબૂલાત સુધી આવી ગયા છે.

દેશમાં હવે E20 પેટ્રોલ મુદ્દે લોકોના આક્રોશને અવાજ આપવા આમ આદમી પાર્ટી અને ટેક્સી સહિત અન્ય સંગઠનોએ મંગળવારે વડાપ્રધાન નિવાસ સુધી મોરચો કાઢવાની જાહેરાત કરી છે ત્યારે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી ઈથેનોલ મિશ્રિત પેટ્રોલના વપરાશ મુદ્દે સતત તેમના નિવેદનો બદલવાના કારણે વિવાદોમાં રહ્યા છે.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી લાંબા સમયથી ઈથેનોલ મિશ્રિત પેટ્રોલની ભલામણ કરી રહ્યા છે. તેમણે ગયા વર્ષે ઓગસ્ટમાં વર્લ્ડ બાયોફ્યુઅલ ડે ઈન ઈન્ડિયા કાર્યક્રમમાં ઈથેનોલને ભવિષ્યનું ઈંધણ ગણાવ્યું હતું અને તેના અનેક ફાયદા હોવાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું, અત્યારે પેટ્રોલમાં ઈથેનોલનું મિશ્રણ થઈ રહ્યું છે. આગામી સમયમાં ડીઝલમાં આઈસોબ્યુટેનોલનું મિશ્રણ કરાશે.

જોકે, છેલ્લા કેટલાક સમયથી E20 પેટ્રોલથી વાહનો ખરાબ થતા હોવાના દાવા થતા શરૂઆતમાં તેમણે લોકોને પડકાર ફેંક્યો કે E20થી કોઈ વાહન ખરાબ થયું હોય તો મારી સામે લાવો. આ સાથે તેમણે E20થી વાહનને નુકસાન થતું હોવાના દાવાને સંપૂર્ણપણે નકારી કાઢ્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પર તેમના વિરુદ્ધ ખોટો પ્રચાર કરાઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું.

જોકે, આ અંગે વિવાદ વધતા તેમજ સરકારે એક કોર્ટમાં સુનાવણી સમયે E20થી માઈલેજ પર અસર થતી હોવાની તેમજ એન્જિનને નુકસાન થતું હોવાનું જણાવ્યા પછી ગડકરીની આકરી ટીકા થઈ રહી હતી ત્યારે ગડકરીએ ખુલાસો કરતા કહ્યું હતું કે પેટ્રોલિયમ મંત્રાલય તેમના હેઠળ નથી આવતું. આમ કહી તેમણે E20ના વિવાદથી છેડો ફાડવાનો પ્રયત્ન કર્યો હતો.

હવે નીતિન ગડકરીએ પોતે સંસદમાં કબૂલ્યું છે કે E20થી વાહનોને નુકસાન થાય છે. ગડકરીએ રાજ્યસભામાં કહ્યું હતું કે, 2005થી 2016 વચ્ચે બનેલા બીએસ-3 વાહનોને E20 પર ચલાવાતા રબરના કેટલાક પાર્ટ્સ, રબર પાઈપ, સીલ અને ગાસ્કેટ બદલવાની જરૂર પડી શકે છે. જોકે, તેમણે દાવો કર્યો કે, E20ની ગાડીના પરફોર્મન્સ પર અસર થઈ શકે છે. માઈલેજ પણ બેથી છ ટકા સુધી ઘટી શકે છે.

E20 પેટ્રોલ મુદ્દે ભારે દબાણ પછી અંતે સરકારે કબૂલાત કરી છે કે ઈથેનોલ મિશ્રિત પેટ્રોલથી જૂના વાહનોની માઈલેજ પર અસર થઈ રહી છે. જોકે, વાહનોનું કેટલું માઈલેજ ઘટે છે તે મુદ્દે સરકારના મંત્રાલયોમાં જ મતભેદ છે. માર્ગ, પરિવહન અને હાઈવે મંત્રાલયે લોકસભામાં જણાવ્યું હતું કે, બીએસ-૩, બીએસ-૪ અને બીએસ-૬ વાહનો ઈ-૧૦ પેટ્રોલ માટે ડિઝાઈન કરાયા છે. આ વાહનોમાં E20 પેટ્રોલનો વપરાશ કરવામાં આવતા માઈલેજમાં બેથી છ ટકાનો ઘટાડો થઈ શકે છે. બીજીબાજુ થોડા દિવસો પહેલા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે રાજ્યસભામાં વાહનના માઈલેજ અંગે પૂછાયેલા સવાલના લેખિત જવાબમાં કહ્યું હતું કે, ઈ-૧૦ પેટ્રોલ માટે ડિઝાઈન કરાયેલા જૂના વાહનોમાં E20 પેટ્રોલના વપરાશથી ૩થી પ ટકા માઈલેજ ઘટી શકે છે. માઈલેજમાં ઘટાડા અંગેનો આ તફાવત મોટો નથી, પરંતુ આ મુદ્દા પર સરકારના જ બે મંત્રાલયો વચ્ચે કોઈ કોમ્યુનિકેશન નથી અને તેઓ સંસદમાં અલગ અલગ આંકડા રજૂ કરી રહ્યા છે.

ફેક ન્યૂઝ ફેલાતા રોકવા સરકારે ક્વિક રિસ્પોન્સ ટીમ બનાવી

નવી દિલ્હી: નીટ પેપર લીકના આંદોલનથી ગભરાયેલી સરકાર હવે E20 મુદ્દે આંદોલનની અટકળોથી પહેલાથી જ દોડતી થઈ ગઈ છે. કેન્દ્ર સરકારની E20 નીતિનો સોશિયલ મીડિયા પર ભારે વિરોધ થઈ રહ્યો છે ત્યારે ઓનલાઈન ફેલાવાઈ રહેલી અફવાઓને રોકવા અને ભ્રામક માહિતી દૂર કરવા સરકારે ક્વિક રિસ્પોન્સ ટીમ બનાવી છે.

ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ અંગે લોકો ગેરમાર્ગે દોરાતા રોકાય અને તેમને સાચી માહિતી મળે તે હેતુથી સરકારે વિવિધ મંત્રાલયોના અધિકારીઓની સંયુક્ત ટીમ બનાવી છે, જે ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર ફેલાવાઈ રહેલી ખોટી માહિતીઓનો તુરંત જવાબ આપશે. આ પહેલ હેઠળ વાહન ઉત્પાદક કંપનીઓ, ઓટો ડીલરો, વ્હિકલ ટેસ્ટિંગ એજન્સીઓ, ઓઈલ માર્કેટિંગ કંપનીઓ અને પેટ્રોલ પંપ માલિકોને પણ આ ટીમમાં જોડવામાં આવ્યા છે. આ સિવાય સોશિયલ મીડિયા પર E20 અંગે ખોટી માહિતી અને ફેક કન્ટેન્ટની તુરંત ઓળખ કરી તુરંત પ્રતિભાવ અપાશે.

અધિકારીઓએ જણાવ્યું કે, માહિતી અને પ્રસારણ, માર્ગ પરિવહન, ભારે ઉદ્યોગ અને પેટ્રોલિયમ જેવા મહત્વના મંત્રાલયોના અધિકારીઓ આ અભિયાનમાં જોડાયા છે. આ ટીમ વૈજ્ઞાાનિક સંશોધનો અને વિશ્વસનીય રિપોર્ટના આધારે સાચી માહિતી જનતા સુધી પહોંચાડશે. આ ટીમ માત્ર દાવા અને આરોપોનું ખંડન કરવા સુધી મર્યાદિત રહેવાના બદલે સોશિયલ મીડિયા યુઝર્સને વાહન ચાલકોના વાસ્તવિક અનુભવ, ઓટો કંપનીઓનો વિશ્વાસ અને પેટ્રોલિયમ કંપનીઓના આંકડા પણ શૅર કરી રહી છે.