India

રામ મંદિર માટે આપેલું દાન પાછું લેવા કોર્ટ જશે દિગ્વિજય સિંહ, કહ્યું- શિવરાજ કરતાં વધુ રૂપિયા આપ્યા હતા

By GS Team
3 Jul 20263 mins read
TukuTouch Logo
ભોપાલ: કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે રામ મંદિર દાન ઉચાપત મામલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, અયોધ્યામાં કેસ દાખલ કરી તેઓ પોતાના દાન કરેલા ₹1,11,000 પાછા માંગશે. આ રકમ તેઓ રામાલય ટ્રસ્ટમાં જમા કરાવશે. તેમને પોલીસ પર ભરોસો ન હોવાથી કોર્ટમાં જશે. આ મામલે અત્યાર સુધી 8 લોકોની ધરપકડ થઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રામ મંદિર માટે આપેલું દાન પાછું લેવા કોર્ટ જશે દિગ્વિજય સિંહ, કહ્યું- શિવરાજ કરતાં વધુ રૂપિયા આપ્યા હતા

Digvijaya Singh Ram Mandir Donation Refund : મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે રામ મંદિર ચઢાવા ચોરીના મામલાને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, તેઓ અયોધ્યામાં કેસ દાખલ કરશે, અને માંગ કરશે કે, તેમના દ્વારા આપવામાં આવેલું દાન પાછું આપવામાં આવે, કારણ કે તેની ઉચાપત થઈ છે. મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં મીડિયા સાથેની વાતચીતમાં દિગ્વિજય સિંહે કહ્યું કે 'મેં નક્કી કર્યું છે કે, અયોધ્યામાં કેસ દાખલ કરીશ. મેં જે દાન આપ્યું હતું, તેની ઉચાપત થઈ છે, તેને લૂંટવામાં આવ્યું છે. એટલા માટે એ પૈસા મને પાછા આપવામાં આવે, જેથી હું તેને રામાલય ટ્રસ્ટમાં જમા કરાવી શકું. મને પોલીસ સ્ટેશન પર ભરોસો નથી. પોલીસ ભાજપના નિયંત્રણમાં છે, એટલા માટે હું પોલીસ સ્ટેશન નહીં જાઉં, કોર્ટમાં જઈશ.'

મંદિર માટે બે વાર દાન આપ્યું: દિગ્વિજય સિંહ

દિગ્વિજય સિંહે કહ્યું, 'રામ મંદિર માટે બે વાર દાન અભિયાન ચલાવવામાં આવ્યું હતું. પહેલીવાર જ્યારે લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રા નીકળી હતી, ત્યારે પણ મેં યોગદાન આપ્યું હતું. અમને રામ મંદિર અને ભગવાન રામ પર આસ્થા છે. પરંતુ પહેલીવાર એકત્રિત કરાયેલા દાનનો ક્યારેય હિસાબ આપવામાં આવ્યો નથી. અયોધ્યામાં રામ મંદિરની તરફેણમાં (શ્રી રામ જન્મભૂમિ વિરુદ્ધ બાબરી મસ્જિદ વિવાદ) સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા પછી, ફરીથી દાન અભિયાન શરૂ કરવામાં આવ્યું. વિશ્વ હિન્દુ પરિષદે અભિયાન ચલાવ્યું હતું, પરંતુ મેં તેમને દાન ન આપ્યું કારણ કે, મને તેમના પર ભરોસો નહોતો. દાનના પૈસાની ઉચાપત કરવાની તેમની આદત જૂની છે. એટલા માટે મેં સીધું ટ્રસ્ટને દાન આપ્યું હતું.'

દિગ્વિજય સિંહે જણાવ્યું કે, મધ્ય પ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે 1 લાખ રૂપિયા દાન આપ્યા હતા, એટલા માટે તેમણે તેમના કરતાં વધુ રકમ આપવાનો નિર્ણય કર્યો હતો. કોંગ્રેસ નેતાએ કહ્યું, 'મેં 1 લાખ 11 હજાર રૂપિયા દાન કર્યા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને વિનંતી કરી કે, આ રકમ ટ્રસ્ટમાં જમા કરાવવામાં આવે. અમે પોતે પૈસા જમા કરાવ્યા અને તેની રસીદ પણ લીધી. મેં આ દાન ભગવાન રામમાં આસ્થા અને ભવ્ય મંદિર નિર્માણની ભાવનાથી આપ્યું હતું, પરંતુ હવે સામે આવી રહેલી ફરિયાદો ખૂબ જ ચિંતાજનક છે.'

આ આપણી આસ્થા પર ઊંડો પ્રહાર: દિગ્વિજય

તેમણે આક્ષેપ કર્યો કે, ટ્રસ્ટના સંચાલનની જવાબદારી સંભાળી રહેલા ચંપત રાયે 10 થી 15 હજાર રૂપિયા મહિનાના પગાર પર કર્મચારીઓની નિમણૂક કરી હતી, જ્યારે રોજ આવતા દાનનો 10 થી 20 ટકા હિસ્સો ગાયબ થઈ જતો હતો. દિગ્વિજય સિંહે કહ્યું, 'દાનમાં આવનારી રોકડની થપ્પીઓ ગાયબ થઈ જતી હતી. આમાં બેંક અધિકારીઓ અને કર્મચારીઓની ભૂમિકા પણ સામે આવી છે. આ આપણી આસ્થા અને ભગવાન રામ પ્રત્યેની શ્રદ્ધા પર ઊંડો પ્રહાર છે. જેથી હું કોર્ટના દરવાજા ખખડાવીશ અને પોતાના દાનની રકમ પાછી માંગીશ.'

અયોધ્યાના રામ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા ચડાવવામાં આવેલા દાન (રોકડ, સોનું-ચાંદી, આભૂષણો ઇત્યાદિ)ની ઉચાપતનો મામલો 7 જૂને સામે આવ્યો હતો. આરોપ છે કે, ચઢાવાનું સંચાલન કરનારા રામ મંદિર ટ્રસ્ટના કર્મચારીઓ અને બેંક સાથે જોડાયેલા કેટલાક લોકોની મિલીભગતથી ગેરરીતિ કરવામાં આવી. યુપી સરકારે મામલાની તપાસ માટે SITની રચના કરી. આ મામલામાં અત્યાર સુધીમાં 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ રામ મંદિર ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાય અને સભ્ય અનિલ મિશ્રાનું રાજીનામું થયું છે.