DGCAની નવી સિસ્ટમ : ફ્લાઈટની ઘટનાઓનું હવે થશે ઓનલાઈન રિપોર્ટિંગ, જાણો મુસાફરોને શું ફાયદો?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

DGCA Digital Platform : દેશમાં હવાઈ સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના હેતુથી નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) ટૂંક સમયમાં જ એક નવું ડિજિટલ રિપોર્ટિંગ પ્લેટફોર્મ શરૂ કરવા જઈ રહ્યું છે. આ પ્લેટફોર્મ દ્વારા વિમાન ક્ષેત્ર સાથે જોડાયેલી કોઈપણ ઘટનાની રિપોર્ટ ઓનલાઈન સબમિટ કરી શકાશે, જેના પર ઝડપથી કાર્યવાહી થઈ શકશે. આ ઉપરાંત, સરકારે સ્પષ્ટ કર્યું છે કે, સામાન્ય પરિસ્થિતિઓમાં હવાઈ ભાડાં બજારની માંગ અને પુરવઠાના આધારે જ નક્કી થાય છે.
DGCAનું નવું ડિજિટલ પ્લેટફોર્મ શું છે?
નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ રાજ્યસભામાં લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, DGCA હાલમાં eGCA પોર્ટલ પર ઈવેન્ટ રિપોર્ટિંગ માટે એક ડિજિટલ પ્લેટફોર્મ વિકસાવી રહ્યું છે. આ પ્લેટફોર્મના માધ્યમથી એરલાઈન્સ અને સંબંધિત સંસ્થાઓ ફરજિયાત ઘટના અહેવાલો ઈલેક્ટ્રોનિક પદ્ધતિથી સબમિટ કરી શકશે. અત્યાર સુધી આ પ્રક્રિયામાં સમય લાગતો હતો, પરંતુ આ નવી સિસ્ટમ આવ્યા બાદ માહિતી ઝડપથી અધિકારીઓ સુધી પહોંચશે અને તેના પર સમયસર પગલાં લઈ શકાશે. આ નવું ડિજિટલ પ્લેટફોર્મ eGCA પોર્ટલનો જ એક ભાગ હશે. તેનાથી કાગળકામ ઘટશે, રિપોર્ટિંગમાં વિલંબ ઓછો થશે, અને ભવિષ્યમાં સુરક્ષા સુધારણા સંબંધિત નિર્ણયો લેવામાં સરળતા રહેશે.
અત્યારે DGCA સુરક્ષા પર કેવી રીતે નજર રાખે છે?
નાગરિક ઉડ્ડયન મંત્રીએ ઉમેર્યું કે, DGCA પહેલેથી જ નિયમનકારી ઓડિટ, નાઇટ સુપરવિઝન, રેમ્પ ઇન્સ્પેક્શન, સરપ્રાઈઝ ચેકિંગ અને ખાસ ઓડિટ જેવી વિવિધ પ્રક્રિયાઓ દ્વારા વિમાન કંપનીઓ, એરપોર્ટ્સ અને સંબંધિત સંસ્થાઓ પર નજર રાખે છે. આ નવું ડિજિટલ પ્લેટફોર્મ આ વર્તમાન સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે.
હવાઈ ટિકિટનું ભાડું કેવી રીતે નક્કી થાય છે?
નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે રાજ્યસભામાં અલગ લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, હવાઈ ટિકિટના દર અર્થશાસ્ત્રના વિવિધ પરિબળો પર આધાર રાખે છે. જેમ કે:
સીટોની ઉપલબ્ધતા અને મુસાફરોની સંખ્યા
વિમાનમાં સીટોનું ઓક્યુપન્સી લેવલ
ઈંધણનો ખર્ચ અને વિમાનની ક્ષમતા
મોસમ અને તહેવારો/રજાઓ
સરકાર સામાન્ય સંજોગોમાં ભાડા પર કોઈ નિયંત્રણ રાખતી નથી, જેથી સ્પર્ધાત્મક વાતાવરણ જળવાઈ રહે.
સરકાર ક્યારે કરે છે હવાઈ ભાડાંમાં હસ્તક્ષેપ?
સરકારે સ્પષ્ટતા કરી છે કે, માત્ર અસાધારણ પરિસ્થિતિઓમાં જ તે હવાઈ ભાડાં પર નજર રાખે છે, અને જરૂર પડે ત્યારે હસ્તક્ષેપ કરે છે. ઉદાહરણ તરીકે, કોવિડ-19 મહામારી, મહાકુંભ જેવા મોટા ધાર્મિક આયોજનો, પહેલગામની ઘટના કે, પછી ઈન્ડિગોની ફ્લાઈટ્સમાં ઉદ્ભવેલી સમસ્યાઓ જેવી સ્થિતિમાં સરકારે મુસાફરોના હિતોનું રક્ષણ કરવા માટે અસ્થાયી ભાડાંની સીમા (Cap) નક્કી કરી હતી.









