India

ખાટુ શ્યામજીમાં દેરાણી-જેઠાણીનો જંગ: અપહરણનો હાઇવોલ્ટેજ ડ્રામા, હાઇકોર્ટ પહોંચ્યો મામલો ને કોંગ્રેસ જીતી!

By GS Team
26 Sep 20263 mins read
TukuTouch Logo
રાજસ્થાનના ખાટુશ્યામજી નગરપાલિકાની ચેરમેન પદની ચૂંટણીમાં કોંગ્રેસે જીત મેળવી છે. દેરાણી-જેઠાણીના કૌટુંબિક ડ્રામા, અપહરણના આરોપો અને હાઇકોર્ટના હસ્તક્ષેપ વચ્ચે આ ચૂંટણી રસપ્રદ બની હતી. કોંગ્રેસના વિનિતા પુનિયાને 10 મત મળ્યા, જ્યારે ભાજપના પ્રેમ દેવીને 9 મત મળ્યા. 19 મતોની ગણતરી બાદ કોંગ્રેસે સત્તા હાંસલ કરી.

Summarized by AI; it may make mistakes. Check important info

ખાટુ શ્યામજીમાં દેરાણી-જેઠાણીનો જંગ: અપહરણનો હાઇવોલ્ટેજ ડ્રામા, હાઇકોર્ટ પહોંચ્યો મામલો ને કોંગ્રેસ જીતી!
AI તસવીર

Congress Wins Khatu Shyamji Municipality Election: રાજસ્થાનના પ્રખ્યાત તીર્થધામ ખાટુશ્યામજીની નગરપાલિકા ચૂંટણી રાજકીય સ્પર્ધાની સાથે સાથે કૌટુંબિક ડ્રામા, દેરાણી-જેઠાણીની લડાઈ, અપહરણના આક્ષેપો અને છેલ્લી ઘડીએ સર્જાયેલા કાયદાકીય લડાઈના જંગમાં ફેરવાઈ હતી. આ ચેરમેન પદની ચૂંટણીએ રાજકીય વફાદારી અને પારિવારિક સંબંધો બંનેની પરીક્ષા લીધી હતી. 20 સભ્યો ધરાવતી ખાટુશ્યામજી નગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસ પાસે 8-8 કાઉન્સિલરો હતા. ચેરમેનની ચૂંટણી પહેલાં બહુમતી સાબિત કરવા બંને પક્ષોએ પોતાના આંકડા મજબૂત કરવાની કવાયત શરૂ કરી હતી.પરંતુ આ બધાની વચ્ચે આખરે કોંગ્રેસ પાર્ટી તેમાં સત્તા હાંસિલ કરીને મેદાન મારી ગઈ છે.

જીત માટે જરૂરી હતા મત

ભાજપ અને કોંગ્રેસના 8-8 કાઉન્સિલરો સિવાય બોર્ડમાં 3 અપક્ષ અને 1 રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી(RLP)ના કાઉન્સિલર હતા. બહુમતી મેળવવા માટે કોઈપણ ઉમેદવારને 11 મતોની જરૂર હતી. કોંગ્રેસે RLPના એકમાત્ર કાઉન્સિલરનું સમર્થન મેળવી લીધું હતું, જેથી તેનો આંકડો 9 પર પહોંચ્યો હતો. બીજી તરફ, ભાજપે કોંગ્રેસના ઉમેદવાર વિનિતા પુનિયા સામે પ્રેમ દેવીને મેદાનમાં ઉતાર્યા હતા.

મામલામાં મોટો વળાંક ક્યારે આવ્યો?

21 સપ્ટેમ્બરે મતદાનના દિવસે જ વૉર્ડ નં. 10ના કોંગ્રેસના કાઉન્સિલર લક્ષ્મી દેવી ગેરહાજર રહ્યા હતા. તેમના પતિ હરલાલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ ગુમ થઈ ગયા છે, અને તેમનું અપહરણ કરવામાં આવ્યું છે. ભાજપ અને લક્ષ્મી દેવીના પરિવારે માંગ કરી હતી કે, તેમની શોધખોળ કરીને તેમને પાછા લાવવામાં આવે. આ સાથે જ ભાજપે ચૂંટણી મુલતવી રાખવાની માંગ કરી હતી. અહીંથી જ આ રાજકીય જંગમાં પારિવારિક ડ્રામા સામે આવ્યો હતો.

દેરાણી-જેઠાણીની જંગ કેમ?

લક્ષ્મી દેવી (કોંગ્રેસ કાઉન્સિલર) અને ભાજપના ઉમેદવાર પ્રેમ દેવી સંબંધમાં દેરાણી અને જેઠાણી થાય છે. ભાજપને આશા હતી કે, કૌટુંબિક સંબંધો તેમના પક્ષમાં કામ કરશે અને કોંગ્રેસ કાઉન્સિલર પોતાની જેઠાણી પ્રેમ દેવીને સમર્થન આપી શકે છે. લક્ષ્મી દેવી અને તેમનો પરિવાર લાંબા સમયથી કોંગ્રેસ સાથે જોડાયેલો છે. અહેવાલો મુજબ, મતદાનના દિવસ પહેલા તેઓ પોતાના મોસાળ ગયા હતા. 21 સપ્ટેમ્બરે તેઓ મત આપવા ન પહોંચતા ભાજપે ચૂંટણી મુલતવી રાખવા દબાણ કર્યું હતું. ભાજપ અને ઉમેદવારના પરિવારની માંગને આધારે રાજ્ય ચૂંટણી પંચે ચેરમેનની ચૂંટણી 25 સપ્ટેમ્બર સુધી મુલતવી રાખી હતી. ત્યારબાદ આ મામલો રાજસ્થાન હાઈકોર્ટમાં પહોંચ્યો હતો.

કોંગ્રેસ ઉમેદવારે હાઇકોર્ટમાં પડકાર્યો નિર્ણય

કોંગ્રેસના ઉમેદવાર વિનિતા પુનિયાએ રાજ્ય ચૂંટણી પંચના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. તેમના વકીલ બહાદુરસિંહે દલીલ કરી હતી કે, ચૂંટણી માટે 100% મતદાન હોવું ફરજિયાત નથી. તેમણે રજૂઆત કરી કે માત્ર અપહરણની ફરિયાદ નોંધાવવાથી એ સાબિત નથી થતું કે, અપહરણ થયું જ છે, અને આ આક્ષેપની તપાસ જરૂરી છે. તેથી રજૂ થયેલા મતોના આધારે પરિણામ જાહેર કરવામાં આવે.
હાઇકોર્ટે આ દલીલ માન્ય રાખી હતી, અને આદેશ આપ્યો હતો કે, જે 19 મતો પડ્યા છે, તેના આધારે જ ચેરમેન પદનો નિર્ણય લેવામાં આવે.

આખરે ખાટુશ્યામજી નગરપાલિકામાં મતોની ગણતરી કરવામાં આવી, ત્યારે આ પારિવારિક ડ્રામાનો અંત કોંગ્રેસની રાજકીય જીત સાથે થયો. કોંગ્રેસના ઉમેદવાર વિનિતા પુનિયાને 10 મત મળ્યા, જ્યારે ભાજપના પ્રેમ દેવીને 9 મત મળ્યા. આ રીતે 19 મતોમાંથી બહુમતી મેળવીને વિનિતા પુનિયાને ખાટુશ્યામજી નગરપાલિકાના ચેરમેન જાહેર કરવામાં આવ્યા હતા.