Strait Of Hormuz: પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવની વચ્ચે ભારત સરકારે સ્પષ્ટતા કરી છે કે હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા તમામ 22 ભારતીય જહાજો સંપૂર્ણપણે સુરક્ષિત છે. આ સાથે જ ભારતે તે અહેવાલોનું સખત શબ્દોમાં ખંડન કર્યું છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતાં ભારતીય ધ્વજ ધરાવતા અથવા ભારત આવતા જહાજોને સુરક્ષિત રસ્તો આપવાના બદલામાં, ભારતે જપ્ત કરેલા તેના ત્રણ ટેન્કરોની અદલાબદલી કરવાની માંગ કરી છે.
ભારતે જપ્ત કરેલ જહાજ ઈરાનની માલિકીના નથી!
અગાઉ રૉયટર્સના અહેવાલમાં સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું હતું કે, ઓળખ છુપાવવા અને સમુદ્રમાં ગેરકાયદે હસ્તાંતરણના આરોપસર ભારતે ત્રણ ટેન્કરો જપ્ત કર્યા હતા. જો કે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ અહેવાલોને સંપૂર્ણપણે પાયાવિહોણા ગણાવતાં કહ્યું કે, 'આ પ્રકારની કોઈ પણ ચર્ચા થઈ નથી.' તેમણે પ્રેસ બ્રીફિંગ દરમિયાન વધુમાં સ્પષ્ટ કર્યું કે જે ત્રણ જહાજોની વાત કરવામાં આવી રહી છે, તે ઈરાનની માલિકીના નથી અને તે ઈરાની જહાજો પણ નથી.
'સંબંધિત દેશો સાથે સતત સંપર્કમાં'
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ચિંતા વ્યક્ત કરતાં સ્વીકાર્યું હતું કે આપણા અનેક જહાજો હજુ પણ હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા છે. સરકાર ઈરાન અને અન્ય સંબંધિત દેશો સાથે સતત સંપર્કમાં છે અને આ જહાજોને સુરક્ષિત રીતે સ્વદેશ પરત લાવવા માટે તમામ જરૂરી વાટાઘાટો કરવાની યોજના બનાવી રહી છે.
આ પણ વાંચો: ઈરાનના ટોચના નેતા અલી લારિજાનીની અંતિમ તસવીર આવી સામે, પુત્ર પણ માર્યો ગયો


