લોકશાહી ખતરામાં? I.N.D.I.A. ગઠબંધનના નેતાઓનો ચીફ જસ્ટિસને પત્ર, ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર ઉઠાવ્યા સવાલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

INDIA bloc letter to CJI: દેશના રાજકારણમાંથી એક ખુબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વિપક્ષી પક્ષોના 'ઇન્ડિયા' (INDIA) ગઠબંધને ભારતના ચીફ જસ્ટિસ (CJI) સૂર્યકાંતને એક અત્યંત મહત્ત્વનો પત્ર લખ્યો છે. શુક્રવારે જાહેર કરાયેલા આ છ પાનાના પત્રમાં વિપક્ષે દેશની ચૂંટણી પ્રક્રિયામાં મોટા પાયે ગેરરીતિઓ અને હેરાફેરી થતી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. પત્રમાં ચેતવણી આપવામાં આવી છે કે જો ન્યાયતંત્ર આવી ચિંતાઓ પર ધ્યાન આપવામાં નિષ્ફળ જશે, તો તે દેશમાં 'પ્રજાસત્તાક વ્યવસ્થાના સંપૂર્ણ પતન' સમાન ગણાશે. સામાન્ય રીતે વિપક્ષ ક્યારેય આ રીતે સીધો ચીફ જસ્ટિસને પત્ર નથી લખતો, પરંતુ પત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે આપણી લોકશાહી અત્યારે જોખમમાં હોવાથી જ તેમણે આ અસાધારણ રસ્તો અપનાવવો પડ્યો છે.
'જ્યારે બધું નિષ્ફળ જાય, ત્યારે ન્યાયતંત્ર જ છેલ્લો આશરો'
23 વિપક્ષી નેતાઓ અને એક અપક્ષ સાંસદની સહીવાળા આ પત્રમાં ન્યાયતંત્રને આ ગંભીર મુદ્દાઓ પર વિચાર કરવા વિનંતી કરાઈ છે. વિપક્ષનું કહેવું છે કે જ્યારે બધી વ્યવસ્થાઓ નિષ્ફળ જાય ત્યારે પણ જનતાનો ભરોસો માત્ર કોર્ટ પર હોય છે. સંસ્થાઓ નિષ્ફળ જાય ત્યારે લોકશાહી અરાજકતામાં બદલાઈ જાય છે. વિપક્ષે સ્પષ્ટ કર્યું કે તેઓ ન્યાયતંત્ર પર સવાલ નથી ઉઠાવી રહ્યા, પણ જ્યારે તમામ રસ્તા બંધ થાય ત્યારે કોર્ટ જ છેલ્લો આશરો છે. જો કોર્ટ પણ મૌન રહેશે, તો જનતા ન્યાય માટે કોની પાસે જશે?
ચૂંટણી પંચ પક્ષપાતી હોવાનો વિપક્ષનો ખુલ્લો આક્ષેપ
પત્રમાં દેશમાં મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીની બંધારણીય જરૂરિયાત પર ભાર મૂકી ભાજપ સરકાર પર પ્રહારો કરાયા છે. આરોપ છે કે સત્તાધારી પક્ષના ફાયદા માટે ચૂંટણી પ્રક્રિયા સાથે ચેડાં થતાં પરિણામો શંકાસ્પદ બન્યા છે. ઇન્ડિયા ગઠબંધનથી અલગ રહેલા AAP અને DMK પક્ષોએ પણ આ પત્રમાં સહી કરી છે. વિપક્ષનો મુખ્ય આક્ષેપ ચૂંટણી પંચ અને ખાસ કરીને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના પક્ષપાતી વલણ સામે છે.
'મતદાર યાદી સુધારણા અભિયાન' એક મોટી આફત સાબિત થયું
વિપક્ષનો આરોપ છે કે આચારસંહિતા ભંગ બદલ સત્તાધારી પક્ષ સામે કોઈ પગલાં લેવાતા નથી અને માત્ર વિપક્ષને જ નિશાન બનાવાય છે. પત્રમાં મતદાર યાદી સુધારણાના 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (SIR) અભિયાનને રાજકીય પ્રેરિત 'મોટી આફત' ગણાવાયું છે. વિપક્ષનો દાવો છે કે પારદર્શિતાના નામે શરૂ કરાયેલી આ નવી પ્રક્રિયામાં ફોર્મ ભરવા અને નાગરિકત્વ પર સવાલો ઉઠાવીને અસંખ્ય સાચા મતદારોને મતાધિકારથી વંચિત કરી દેવાયા છે.
આગામી વિધાનસભા ચૂંટણીઓ અને EVM પર ઉઠ્યા સવાલો
દેશના કેટલાક રાજ્યોમાં ટૂંક સમયમાં જ વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, તે પહેલાં વિપક્ષે આ પત્ર લખીને માહોલ ગરમાવી દીધો છે. પત્રમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ અને ખાસ કરીને ઇવીએમ (EVM)ની ભૂમિકા સામે પણ ગંભીર આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ ઐતિહાસિક પત્રમાં સંસદના બંને ગૃહોના વિરોધ પક્ષના નેતાઓ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી ઉપરાંત અખિલેશ યાદવ (SP), મમતા બેનરજી (TMC), તિરુચી શિવા (DMK), તેજસ્વી યાદવ (RJD) અને સંજય સિંહ (AAP) સહિતના દેશના તમામ દિગ્ગજ નેતાઓએ સહી કરીને ન્યાયતંત્ર પાસે તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી છે.









