India

CEC જ્ઞાનેશ કુમારનું નહીં, ‘બોસ’નું રાજીનામું માંગો... કેજરીવાલે CJPને આપી સલાહ

By GS Team
28 Sep 20263 mins read
TukuTouch Logo
દિલ્હીના પૂર્વ CM અરવિંદ કેજરીવાલે CEC જ્ઞાનેશ કુમાર સામે વિપક્ષી દેખાવો પર CJPને મહત્ત્વની સલાહ આપી છે. તેમણે કહ્યું કે, ચૂંટણી પંચના અધિકારીઓએ 'બોસ'ના આદેશથી કામ કર્યું છે, તેથી વારંવાર નાના અધિકારીઓ સામે પ્રદર્શન કરવાને બદલે સીધા PM નરેન્દ્ર મોદીના રાજીનામાની માંગ સાથે આંદોલન કરવું જોઈએ. તેમણે 2 ઑક્ટોબરે CJPના આંદોલનને સમર્થન આપ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

CEC જ્ઞાનેશ કુમારનું નહીં, ‘બોસ’નું રાજીનામું માંગો... કેજરીવાલે CJPને આપી સલાહ

Kejriwal On CEC Gyanesh Kumar : દેશના મુખ્ય ચૂંટણી કમિશનર(CEC) જ્ઞાનેશ કુમાર SIRમાં ગરબડ કરવા સહિતના આક્ષેપોનો સામનો કરી રહ્યા છે અને વિપક્ષોએ તેમના વિરુદ્ધ મોરચો ખોલીને રાજીનામાની માંગ કરી રહ્યા છે, એટલું જ નહીં, કોકરોચ જનતા પાર્ટી(CJP)એ પણ CEC રાજીનામું નહીં આપે તો આંદોલન કરવાની જાહેરાત કરી છે, ત્યારે હવે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે સીઈસીને લઈને સીજેપીને મહત્ત્વની સલાહ આપી છે.

ECના અધિકારીઓએ જે કંઈ કર્યું, તે ‘બોસ’ના આદેશથી કર્યું : કેજરીવાલ

અરવિંદ કેજરીવાલે ચૂંટણી પંચની ભૂમિકા સામે મોરચો ખોલતાં કોકરોચ જનતા પાર્ટી(CJP)ને સીધા દેશના વડાપ્રધાનના રાજીનામાની માંગ સાથે આંદોલન કરવાની સલાહ આપી છે. તેમણે જણાવ્યું છે કે, ચૂંટણી પંચના મુખ્ય અધિકારીએ જે કંઈ કર્યું છે તે પોતાના સ્વાર્થ માટે નહીં પરંતુ ‘બોસ’ આદેશથી કર્યું છે, તેથી વારંવાર નાના અધિકારીઓ સામે દેખાવો કરવાને બદલે સીધા ‘બોસ’ સામે આંદોલન થવું જોઈએ.

CJPને સીધું વડાપ્રધાનનું રાજીનામું માંગવા કેજરીવાલની અપીલ

કેજરીવાલે સીઈસી વિરુદ્ધ પ્રદર્શનની રણનીતિ પર વાત કરતાં કહ્યું હતું કે, 'હું સીજેપીને એક મેસેજ આપવા માંગુ છું. પહેલા તેમણે કહ્યું કે ધર્મેન્દ્ર પ્રધાન(Dharmendra Pradhan)નું રાજીનામું, હવે કહી રહ્યા છે કે, જ્ઞાનેશ કુમાર(Gyanesh Kumar)નું રાજીનામું. અરે એક જ વારમાં બોસનું રાજીનામું લઈ લો ને.'

‘જ્ઞાનેશ કુમારે પોતાના માટે થોડી ગરબડ કરી’

ચૂંટણી કમિશનરની ભૂમિકા અંગે આગળ વાત કરતાં અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) જણાવ્યું હતું કે, 'વારંવાર કેટલી વાર લોકો જંતર-મંતર જશે અને કેટલી વાર આંદોલન કરશે? જ્ઞાનેશ કુમારે પોતાના માટે થોડી ગરબડ કરી, તેને શું મળ્યું? તેણે તો બોસ માટે કર્યું જે કંઈ કર્યું, બોસના કહેવા પર કર્યું. આ આંદોલન જ્ઞાનેશ કુમારના રાજીનામા માટે નહીં, નરેન્દ્ર મોદી(PM Narendra Modi)ના રાજીનામા માટે હોવું જોઈએ.'

જ્ઞાનેશ કુમારે રાજીનામું આપવું પડશે : કેજરીવાલ

આગામી સમયમાં થનારા પ્રદર્શનો અંગે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, 'આ મુદ્દો જનતા ઉઠાવશે અને જનતા રસ્તા પર ઉતરશે. કોકરોચ વાળાએ 2 ઑક્ટોબર માટે એલાન કર્યું છે, મને ખૂબ ખુશી છે કે હવે 140 કરોડ કોકરોચ રસ્તા પર ઉતરશે. હું આશા રાખું છું કે જ્ઞાનેશ કુમારે રાજીનામું પણ આપવું પડશે અને આપણે લોકોને એસઆઇઆરથી મુક્તિ મળશે.'

CEC ઑફિસમાં બેસી દેશની મતદાર યાદી બનાવી રહ્યાનો આરોપ

ચૂંટણી પંચના સોફ્ટવેર અને મતદાર યાદી સામે સવાલ ઉઠાવતાં તેમણે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી કે, 'તેમણે કોઈ સોફ્ટવેર બનાવ્યું છે જેણે ઘણા વિસ્તારોમાં એસડીએમનો પાવર હટાવી દીધો અને દિલ્હી ચૂંટણી પંચમાં કેટલાક લોકો બેઠા છે, જેઓ કોઈનો પણ વોટ કાપી શકે છે અને ઉમેરી શકે છે. જ્ઞાનેશ કુમારજી પોતાની ઓફિસમાં બેસીને સમગ્ર દેશની મતદાર યાદી બનાવી રહ્યા છે. ગોવાનું જે ઉદાહરણ સામે આવ્યું છે, 97 લોકોના વોટ જોડવા માટે પત્ર લખતા રહ્યા પણ ન જોડ્યા.'

‘લોકશાહીનું સત્યાનાશ વાળી દીધું’

મતદાર યાદીની વ્યવસ્થા સામે રોષ વ્યક્ત કરતાં તેમણે આખરે જણાવ્યું હતું કે, 'કોઈનો વોટ હટાવી શકે છે, કોઈનો જોડી શકે છે, તો પછી સરકારો બદલાઈ જ ન શકે. લોકશાહી શું છે, જો હું મારી સરકારથી ખુશ નથી તો હું સરકાર બદલી શકું છું. ચૂંટણીથી જનતા સરકાર બદલી શકે છે, પરંતુ લોકશાહીનું સત્યાનાશ વાળી દીધું છે એમણે. પંજાબની અંદર અમે ઘણી મોટી ટીમ બનાવી છે, જે સમગ્ર પ્રક્રિયા પર નજર રાખી રહી છે.'