India

દિલ્હી થપ્પડકાંડ કેસમાં BJP મંત્રી પ્રવેશ વર્મા સામે મોટી કાર્યવાહી, પોલીસે નોંધ્યો કેસ

By GS Team
28 Sep 20262 mins read
TukuTouch Logo
દિલ્હીના વિકાસપુરીમાં રોડ નિરીક્ષણ દરમિયાન ભાજપના મંત્રી પ્રવેશ વર્માએ એક વ્યક્તિને થપ્પડ મારતા વિવાદ થયો છે. વાયરલ વીડિયો બાદ દિલ્હી પોલીસે મંત્રી સામે BNSની કલમ 115 હેઠળ NCR નોંધી તપાસ હાથ ધરી છે. ‘આપ’ ધારાસભ્યે રોડની ગુણવત્તા સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા. આ ઘટનામાં કુલ 5 ફરિયાદો નોંધાઈ છે. ‘આપ’ પાર્ટી મંત્રીના રાજીનામા અને ધરપકડની માંગ કરી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દિલ્હી થપ્પડકાંડ કેસમાં BJP મંત્રી પ્રવેશ વર્મા સામે મોટી કાર્યવાહી, પોલીસે નોંધ્યો કેસ

BJP Minister Pravesh Verma Delhi Slap Case : દિલ્હીના વિકાસપુરી વિસ્તારમાં નવા બનેલા રોડના નિરીક્ષણ દરમિયાન એક વ્યક્તિને થપ્પડ મારવાના વિવાદમાં દિલ્હીના જાહેર બાંધકામ (PWD) મંત્રી પ્રવેશ વર્મા સામે કાનૂની સકંજો કસાયો છે. દિલ્હી પોલીસે વિકાસપુરી પોલીસ સ્ટેશનમાં મંત્રી સામે સ્વેચ્છાએ ઈજા પહોંચાડવા મામલે બીએનએસની કલમ 115 હેઠળ નોન-કોગ્નિઝેબલ રિપોર્ટ (NCR) નોંધીને તપાસ હાથ ધરી છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ દિલ્હીના રાજકારણમાં ભારે હોબાળો મચી ગયો છે.

રોડ નિરીક્ષણ દરમિયાન સર્જાયો હતો વિવાદ

રવિવારે જનકપુરી ચોક અને નજફગઢ નાળા વચ્ચેના આઉટર રિંગ રોડ પર સમારકામનું નિરીક્ષણ ચાલી રહ્યું હતું. તે સમયે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જરનૈલ સિંહે રોડની ગુણવત્તા સામે સવાલ ઉઠાવ્યા હતા. આ દરમિયાન સાહિબ સિંહ નામનો વ્યક્તિ આ સમગ્ર ઘટનાનું વીડિયો રેકોર્ડિંગ કરી રહ્યો હતો. આરોપ છે કે મંત્રી પ્રવેશ વર્માએ તેને થપ્પડ મારી દીધી હતી અને સુરક્ષાકર્મીઓએ તેની સાથે ઝપાઝપી કરી ધમકી આપી હતી.

પોલીસમાં સામસામે 5 ફરિયાદો નોંધાઈ

આ ઘટનાને પગલે દિલ્હી પોલીસ સમક્ષ કુલ 5 અલગ-અલગ ફરિયાદો પહોંચી હતી. જેમાં પીડિત સાહિબ સિંહ દ્વારા આપવામાં આવેલી ફરિયાદના આધારે મંત્રી પ્રવેશ વર્મા સામે એનસીઆર દાખલ કરવામાં આવી છે. આ ઉપરાંત પીડબલ્યુડીના કર્મચારીઓ તરફથી આપ ધારાસભ્ય અને અન્યો વિરુદ્ધ 2 ફરિયાદો તેમજ મંત્રી સાથે ગેરવર્તણૂક મામલે ભાજપ કાર્યકરો દ્વારા 2 ફરિયાદો વિકાસપુરી અને તિલક નગર પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી હતી.

મંત્રી પ્રવેશ વર્માએ આપ્યા ખુલાસા

વિવાદ વકરતાં મંત્રી પ્રવેશ વર્માએ દાવો કર્યો હતો કે સરકારી અધિકારીઓને ફરજ બજાવતા અટકાવવાનો પ્રયાસ સાંખી લેવામાં આવશે નહીં. તેમણે આરોપ લગાવ્યો હતો કે વીડિયો બનાવનાર વ્યક્તિ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેણે ઘટનાસ્થળે મંત્રી તથા તેમના પરિવાર વિરુદ્ધ વાંધાજનક શબ્દો વાપર્યા હતા. સાથોસાથ તેમણે આપ ધારાસભ્ય પર પણ કોન્ટ્રાક્ટર પાસે કમિશન માંગવાના ગંભીર આક્ષેપો કર્યા હતા.

મંત્રીના રાજીનામા અને ધરપકડની માંગ સાથે વિરોધ

આ કાર્યવાહીને લઈને આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે પોલીસ કામગીરી પર સવાલ ઉઠાવી વિકાસપુરી પોલીસ સ્ટેશન બહાર ધરણા શરૂ કર્યા છે. તેમણે માગ કરી છે કે થપ્પડ મારીને મોબાઈલ ફેંકી દેવા બદલ માત્ર એનસીઆર નહીં પરંતુ કડક કલમો હેઠળ એફઆઈઆર નોંધવી જોઈએ. આપે પ્રવેશ વર્માની તાત્કાલિક ધરપકડ કરવાની અને તેમને મંત્રી પદેથી હટાવવાની માંગણી સાથે મોરચો ખોલ્યો છે.