ટેલિગ્રામ પરનો પ્રતિબંધ હટાવવા દિલ્હી હાઇકોર્ટનો ઇન્કાર, કહ્યું- સરકાર પાસે સત્તા છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Delhi High Court Telegram verdict: દિલ્હી હાઇકોર્ટે દેશના ચર્ચિત મેસેજિંગ એપ ટેલિગ્રામ પર મોટો અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. પેપર લીકની આશંકાઓને પગલે કેન્દ્ર સરકાર દ્વારા ટેલિગ્રામ પર લગાવવામાં આવેલા કામચલાઉ પ્રતિબંધને હાઇકોર્ટે યોગ્ય ઠેરવ્યો છે. દેશમાં આગામી 21 જૂનના રોજ યોજાનારી RE-NEET પરીક્ષાને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો હતો, જેને કોર્ટે પણ મંજૂરી આપી દીધી છે.
અયોધ્યા બાદ હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટેલિગ્રામ પર લેવાયેલા સરકારી એક્શનને કારણે કાયદાકીય અને વહીવટી વર્તુળોમાં મોટી ચર્ચા જાગી છે. દિલ્હી હાઇકોર્ટે ભારત સરકારના એ નિર્ણયને સંપૂર્ણપણે બહાલ રાખ્યો છે, જેમાં RE-NEET પરીક્ષાના કારણે ટેલિગ્રામ પર અસ્થાઈ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ભારતમાં RE-NEETની પરીક્ષા 21 જૂનના રોજ યોજાવાની છે, જેને પગલે આ પ્રતિબંધ 22 જૂન સુધી લાગુ રહેશે. હાઇકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે કટોકટીની સ્થિતિને જોતાં સરકાર પાસે આવા નિર્ણયો લેવાની પૂરેપૂરી સત્તા છે.
સરકારી પ્રક્રિયા યોગ્ય અને કાયદાકીય રીતે સાચી: હાઇકોર્ટ
આ કેસ પર ચુકાદો સંભળાવતા દિલ્હી હાઇકોર્ટે નોંધ્યું હતું કે સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવાની પ્રક્રિયામાં તમામ નિયમોનું પૂરેપૂરું પાલન કરવામાં આવ્યું છે. સરકારે જે 'ઇમરજન્સી નેચર' (કટોકટીની સ્થિતિ) અને મજબૂત કારણો રજૂ કર્યા છે તે આ પ્રતિબંધ માટે પૂરતા છે. કોર્ટે ટેલિગ્રામ પર લગાવેલા 5 દિવસના આ પ્રતિબંધને યોગ્ય ઠેરવતા કહ્યું કે, કેન્દ્ર સરકારે ઉપલબ્ધ સામગ્રી અને પુરાવાઓ પર યોગ્ય વિચાર-વિમર્શ કરીને જ આ આદેશ જાહેર કર્યો છે. આ ઉપરાંત કોર્ટે આઇટી ઍક્ટ(IT Act)નો હવાલો આપતાં કહ્યું કે, સરકાર પાસે દેશહિતમાં આખા પ્લેટફોર્મ કે એપ પર પ્રતિબંધ લગાવવાનો કાનૂની અધિકાર છે.
પેપર લીક અને સાયબર ફ્રોડના ગંભીર આરોપો
ટેલિગ્રામ પ્લેટફોર્મ વિવાદોમાં ઘેરાયું હોય તેવું આ પહેલીવાર નથી બન્યું. આ અગાઉ પણ ટેલિગ્રામ પર અનેક વખત પરીક્ષાના પેપર લીક કરવા અને સોશિયલ મીડિયા પર ફેક (નકલી) પેપર્સ વાઇરલ કરવાના ગંભીર આરોપો લાગતા રહ્યા છે. વિવિધ રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે દેશમાં સાયબર ઠગ અને જાળસાજો પોતાના ગુનાહિત કાર્યો અને નાણાકીય છેતરપિંડી આચરવા માટે આ પ્લેટફોર્મનો મોટા પાયે દુરુપયોગ કરે છે. આ તમામ બાબતો સુરક્ષા એજન્સીઓ માટે લાંબા સમયથી ચિંતાનો વિષય બનેલી છે.
પ્રતિબંધ મૂકતા પહેલા ટેલિગ્રામ સાથે થઈ હતી ઉચ્ચ સ્તરીય બેઠક
કોર્ટની સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલે સ્પષ્ટતા કરી હતી કે આ કોઈ એકતરફી નિર્ણય નથી. કેન્દ્ર સરકારે પ્રતિબંધ લગાવતા પહેલા ટેલિગ્રામના વહીવટી તંત્રને સમન્સ મોકલીને બોલાવ્યું હતું અને તેમની રજૂઆતો પણ સાંભળી હતી. કંપનીની દલીલો અને તપાસના આધારે નીકળેલા તારણોને આધારે જ આ આદેશ રૅકોર્ડ પર લેવાયો છે. સરકાર વતી જણાવાયું છે કે આ સંવેદનશીલ મામલાની સુનાવણી કેબિનેટ સચિવની આગેવાની હેઠળની એક વિશેષ કમિટી દ્વારા કરવામાં આવી હતી, ત્યારબાદ જ અંતિમ નિર્ણય લેવાયો છે.
ટેલિગ્રામના આ ખાસ ફીચર્સ જ બન્યા પ્રતિબંધનું મુખ્ય કારણ
વોટ્સએપ અને ટેલિગ્રામ બંને મેસેજિંગ એપ્સ હોવા છતાં ટેલિગ્રામની કેટલીક ખાસિયતો જ તેની સુરક્ષા વ્યવસ્થા સામે પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા કરે છે. ટેલિગ્રામમાં પ્રાઇવસી એટલી હદે સખત છે કે કોઈ પણ યુઝર પોતાનો મોબાઇલ નંબર દર્શાવ્યા વગર, માત્ર યુઝરનેમ બનાવીને પણ એકાઉન્ટ ઓપરેટ કરી શકે છે. આ ઉપરાંત ટેલિગ્રામના એક સિંગલ ગ્રૂપમાં 2 લાખ જેટલા મેમ્બર્સ જોડાઈ શકે છે અને ગમે તેટલી હેવી ફાઇલ્સ (મોટી સાઇઝના દસ્તાવેજો કે વીડિયો) પણ સહેલાઈથી સેવ અને શેર થઈ શકે છે. આ જ ઍડ્વાન્સ ફીચર્સનો ઉપયોગ ગુનેગારો ઓળખ છુપાવીને પેપર લીક કરવા અને ગેરકાયદે સામગ્રી ફેલાવવા માટે કરે છે, જે આખરે આ અસ્થાઈ પ્રતિબંધનું કારણ બન્યા છે.









