Four Stars of Destiny: ભારતીય સેનાના પૂર્વ પ્રમુખ જનરલ એમ.એમ. નરવણેનું આત્મકથા પુસ્તક 'ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની'(Four Stars of Destiny) હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. સંરક્ષણ મંત્રાલયે છેલ્લા પાંચ વર્ષમાં 35માંથી 32 સૈન્ય અધિકારીઓના પુસ્તકોને મંજૂરી આપી દીધી છે, પરંતુ જનરલ નરવણેનું પુસ્તક હજુ પણ સમીક્ષા હેઠળ અટકાયેલું છે.
સરકાર પાસે મંજૂરીની રાહ જોઈ રહી છે 'ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની'
એક RTI રિપોર્ટ મુજબ, 2020થી 2024 દરમિયાન મંજૂરી માટે આવેલા પુસ્તકોમાં હવે માત્ર નરવણેની જ પાંડુલિપિ એવી છે જે સત્તાવાર રીતે સરકાર પાસે પેન્ડિંગ છે. આ એ જ પુસ્તક છે જેનો ઉલ્લેખ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કર્યો હતો, જેના કારણે રાજકીય ગરમાવો વધી ગયો છે.
ચીની ટેન્કો સામેની ગંભીર સ્થિતિનો પુસ્તકમાં ઉલ્લેખ
આ પુસ્તક અટકી પડવાનું મુખ્ય કારણ તેમાં કરવામાં આવેલા લદ્દાખ સરહદના ખુલાસાઓ હોવાનું માનવામાં આવે છે. જનરલ નરવણે 2019થી 2022 સુધી સેના પ્રમુખ હતા, જે દરમિયાન ચીન સાથે પૂર્વી લદ્દાખમાં ભારે તણાવ હતો. પુસ્તકના અંશો મુજબ, 31 ઓગસ્ટ, 2020ની રાત્રે જ્યારે ચીની ટેન્કો રેચિન લા વિસ્તાર તરફ આગળ વધી રહી હતી, ત્યારે સ્થિતિ અત્યંત ગંભીર હતી. રાહુલ ગાંધીનો દાવો છે કે નરવણેએ લખ્યું છે કે તે સમયે સંરક્ષણ મંત્રી સાથેની વાતચીત બાદ તેમને એક 'હોટ પોટેટો'(અત્યંત મુશ્કેલ સ્થિતિ) સોંપી દેવામાં આવી હતી અને તેમણે પલકવારમાં મોટા સૈન્ય નિર્ણયો લેવા પડ્યા હતા.
આ પણ વાંચો: ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ 'ફાઈનલ' થતાં PM મોદીએ 'મિત્ર' ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માન્યો
સંવેદનશીલ વિગતોને લીધે પુસ્તકની થઈ રહી છે ઊંડી તપાસ
આ સંવેદનશીલ વિગતોને કારણે સંરક્ષણ મંત્રાલય તેની ઊંડી તપાસ કરી રહ્યું હોય તેવું જણાય છે. એક તરફ લેફ્ટનન્ટ જનરલ એસ.એ. હસનૈન અને મેજર જનરલ જી.ડી. બક્ષી જેવા અધિકારીઓના પુસ્તકોને લીલી ઝંડી મળી ગઈ છે, ત્યારે નરવણેના પુસ્તક પરની મૌન જાળવી રાખવામાં આવ્યું છે. આ મામલે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે સરકાર પૂર્વ સેના પ્રમુખનું પૂરેપૂરું સન્માન કરે છે અને વિપક્ષ આ મુદ્દાનો દુરુપયોગ કરી રહ્યો છે. હાલમાં પ્રકાશક પેંગ્વિન રેન્ડમ હાઉસ અને રક્ષામંત્રાલય બંનેએ આ વિલંબ પર કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.


