Get The App

ચક્રવાત નરેલથી પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં બિહામણું દ્રશ્ય સર્જાયું : વીડિયો વાયરલ

Updated: Mar 29th, 2026

GS TEAM

Google News
Google News
ચક્રવાત નરેલથી પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં બિહામણું દ્રશ્ય સર્જાયું : વીડિયો વાયરલ 1 - image

- આકાશમાં લોહી જેવો લાલ રંગ ફેલાતા ગભરાટ

- વિશેષજ્ઞાના મતે આવી ઘટના અસામાન્ય નથી, ખાસ કરીને દુષ્કાળની સ્થિતિમાં તેની  તીવ્રતા વધી જાય છે

નવી દિલ્હી: ટ્રોપિકલ ચક્રવાત નરેલથી સર્જાયેલા ધૂળના તોફાનની અસરને કારણે પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં શાર્ક બે અને ડેનહામ સહિતના વિસ્તારોમાં આકાશમાં લાલ રંગ પ્રસરી જતા નાટયાત્મક દ્રશ્ય સર્જાયું હતું અને લોકોમાં ગભરાટ ફેલાયો હતો. જોરદાર પવનને કારણે લોહયુક્ત લાલ માટી વાતાવરણમાં ઊંચે સુધી ઉડવાથી પ્રલયકારી દ્રશ્ય સર્જાયું હતું. ધૂળના ગાઢ રજકણોએ પ્રકાશના વાદળી તરંગોને વિખેરી નાખતા આકાશમાં માત્ર લાલ રંગ છવાઈ ગયો હતો.

ધૂળના તોફાનથી  પ્રકાશના અન્ય કિરણો વાતાવરણમાં વિખેરાઈ જતા આકાશમાં લાલ રંગ ફેલાય છે

સ્થાનિક લોકોએ વર્ણન કર્યું કે કેવી રીતે થોડી ક્ષણોમાં દિવસનો પ્રકાશ અલોપ થઈ ગયો અને દ્રશ્યતા લગભગ શૂન્ય થઈ ગઈ. હવા ધૂળથી એટલી વ્યાપ્ત થઈ ગઈ કે શ્વાસ લેવાનું તેમજ ચાલવાનું પણ મુશ્કેલ થઈ ગયું. ગેસકોઈન વિસ્તારમા કેટલાક નાટયાત્મક દ્રશ્યો સર્જાયા ત્યારે એક્સમાઉથ અને કારાથા જેવા નગરો સહિત પિલબારા તટ પણ વ્યાપક તોફાન સીસ્ટમથી પ્રભાવિત થયા.

આ અસાધારણ દ્રશ્યો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થયા પણ તેના ખરાપણા વિશે ઓનલાઈન વિવાદ સર્જાયો. કેટલાક દર્શકોને રંગોની અત્યાધિક તીવ્રતાને કારણે તેમાં ડિજિટલ છેડછાડની શંકા ગઈ, જ્યારે અન્યોએ ફૂટેજની નો ફિલ્ટર આવૃત્તિ શેર કરીને તેનો બચાવ કર્યો. 

ઉલ્લેખનીય છે કે ટ્રિપલ સ્ટ્રાઈક સીસ્ટમ તરીકે ઓળખાતો ચક્રવાત નરેલ અસામાન્ય હોવા છતાં સતત બનતી સીસ્ટમ છે. તે પ્રથમ ક્વીન્સલેન્ડના કેપ યોર્ક દ્વીપકલ્પ પર ત્રાટક્યો હતો જ્યાંથી તે ઉત્તરીય વિસ્તાર તરફ આગળ વધીને પશ્ચિમ ઓસ્ટ્રેલિયા પર ત્રાટકવા અગાઉ હિંદ મહાસાગર પર ફરી તીવ્ર બન્યો. તેની ચરમ સીમાએ તે કેટેગરી ૪ સુધી પહોંચી ગયો જેમાં પવનની ગતિ ૨૦૦ કિ.મી.પ્રતિ કલાક હોવાને કારણે તટીય વિસ્તારોમાં ભારે માળખાકીય નુકસાન થયું.નિષ્ણાંતોએ જણાવ્યું છે કે આકાશ લાલ દેખાવું તે અસાધારણ બાબત નથી. તેમણે ધ્યાન દોર્યું કે ૨૦૦૯ના સીડનીમાં ધૂળના તોફાનમાં પણ આવી ઘટના બની હતી. આ ઘટના કુદરતી પવનના ઘસારાથી પ્રેરિત હોય છે અને મોટાભાગે દુષ્કાળ જેવી સ્થિતિને કારણે વધુ તીવ્ર બને છે.