CUET UG 2026 Server Down: દેશમાં મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ(NEET)ને લઈને પહેલાથી જ ભારે હોબાળો મચેલો છે અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી(NTA) ચારેય તરફથી વિવાદોમાં ઘેરાયેલી છે. આ ગંભીર તણાવ વચ્ચે આજે એટલે કે 30 મે 2026ના રોજ દેશભરમાં આયોજિત CUET UGના (કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ) પરીક્ષા કેન્દ્રો પર મોટી ગેરવ્યવસ્થાના દૃશ્યો સામે આવ્યા છે, જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
TCSના સર્વરમાં ટેકનિકલ ખામી: કલાકો મોડી શરૂ થઈ પરીક્ષા
મળતી માહિતી મુજબ, પરીક્ષાનું આયોજન કરતી એજન્સી TCSના(ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ) સર્વરમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાઈ હતી. સર્વર ઠપ થઈ જવાના કારણે કલાકો સુધી દેશના ઘણા પરીક્ષા કેન્દ્રો પર સીયુઈટી યુજીની પરીક્ષા સમયસર શરૂ થઈ શકી ન હતી. કમ્પ્યુટર સ્ક્રીન લોગ-ઇન ન થવાને કારણે સેન્ટર્સ પર વિદ્યાર્થીઓ લાંબા સમય સુધી બેસી રહ્યા હતા અને પરીક્ષામાં મોડું થયું હતું.
#CUETUG2026 — Important Notice
— National Testing Agency (@NTA_Exams) May 30, 2026
M/s TCS has reported that a technical glitch at their end delayed the commencement of CUET (UG) 2026 at some centres on 30.05.2026. The issue has since been resolved, and the exam is being conducted with full compensatory time so that no candidate…
NTAએ બપોરની શિફ્ટનો સમય બદલવો પડ્યો
સવારની શિફ્ટમાં સર્જાયેલી આ ટેકનિકલ ખામી અને ભારે અંધાધૂંધીના પગલે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ (NTA) તાબડતોબ નિર્ણય લેવો પડ્યો હતો. NTA દ્વારા બપોરની શિફ્ટના સમયમાં ફેરફાર કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જેથી કરીને ટેકનિકલ ખામીને સુધારી શકાય અને વિદ્યાર્થીઓને વધુ પરેશાની ન થાય. જો કે, આ અચાનક કરાયેલા ફેરફારથી દૂર-દૂરથી આવેલા પરીક્ષાર્થીઓને સેન્ટર પર કલાકો સુધી રાહ જોવાની ફરજ પડી હતી.
NEET બાદ હવે CUET: NTAની કામગીરી પર ઉઠ્યા સવાલો
દેશની સૌથી મોટી એજ્યુકેશનલ એજન્સી NTA માટે આ સમય ખૂબ જ મુશ્કેલ સાબિત થઈ રહ્યો છે. એકતરફ સુપ્રીમ કોર્ટ અને સોશિયલ મીડિયા પર નીટ પરીક્ષાના પેપર લીક અને ગ્રેસ માર્ક્સને લઈને ભારે આક્રોશ છે, ત્યાં બીજી તરફ દેશની તમામ સેન્ટ્રલ યુનિવર્સિટીઓમાં એડમિશન માટે લેવાતી CUET UG પરીક્ષામાં આવી ગંભીર ખામી સામે આવતા એજન્સીની ડિજિટલ સિક્યોરિટી અને વ્યવસ્થાપન પર ફરી એકવાર મોટા સવાલો ઊભા થયા છે. વાલીઓ સોશિયલ મીડિયા પર NTA વિરુદ્ધ પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે.


