કોંગ્રેસની 'મેલોની' વાળી રમૂજ પર વિવાદ વધ્યો, વિદેશ મંત્રાલયે કહ્યું, 'વાત સન્માનપૂર્વક રજૂ થવી જોઈએ'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

MEA Reacts To Congress Remark On Giorgia Meloni: કોંગ્રેસ દ્વારા ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની પર કરાયેલી ટિપ્પણી અને રાહુલ ગાંધીના વિદેશ નીતિ અંગેના નિવેદન પર વિદેશ મંત્રાલયે પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે, ઇટાલી સાથે ભારતના સંબંધો ખૂબ જ મજબૂત છે, અને આપણે તેને વધુ ગાઢ બનાવવા માંગીએ છીએ. મંત્રાલયે સ્પષ્ટપણે કહ્યું કે, કોઈપણ વાત આદર અને સન્માન સાથે રજૂ કરવી જોઈએ. કોંગ્રેસના એક કાર્યક્રમમાં બોલતી વખતે રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતની વિદેશ નીતિ પર કટાક્ષ કર્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, 'ખબર નહીં ક્યાંથી એમના મગજમાં ઘુસી ગયું કે ગળે મળવું એ જ ફોરેન પોલિસી છે.' આ દરમિયાન તેમણે મંચ પર કોંગ્રેસ નેતા સંદીપ દિક્ષીતને બોલાવીને તેમને જોરથી ગળે લગાડીને એક એક્ટ કરી બતાવ્યો હતો.
સંદીપ દિક્ષીતની ટિપ્પણી અને વિવાદ
આ એક્ટ દરમિયાન નેતા સંદીપ દિક્ષીતે રાહુલ ગાંધીને રોકીને કટાક્ષ કરતા પૂછ્યું હતું કે, 'એક વાત પૂછી શકું? મેલોની સમજીને તો નથી પકડ્યા ને…' તેમના આ સવાલ પર હોલમાં હાજર લોકો હસી પડ્યા હતા. રાહુલ ગાંધીએ પણ હસતાં હસતાં જવાબ આપ્યો હતો કે, 'ના-ના, હું હજી સુધી ત્યાં નથી પહોંચ્યો.' રાહુલ ગાંધી અને સંદીપ દિક્ષીતનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયો હતો, જેના પછી રાજકીય વિવાદ ચગ્યો છે.
રાજનાથ સિંહના આકરા પ્રહાર
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે રાહુલ ગાંધી અને કોંગ્રેસના આ વલણ પર તીખા પ્રહાર કર્યા છે. તેમણે રાહુલ ગાંધીની આ ટિપ્પણીને સંકુચિત માનસિકતા ધરાવતી અને અત્યંત નિંદનીય ગણાવી હતી.
રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, આ બાબત તેમને વ્યક્તિગત રીતે પણ પીડા આપે છે. તેમણે ઉમેર્યું, 'હું એ વિચારી પણ નથી શકતો કે ગાંધી સરનેમ ધરાવતી કોઈ વ્યક્તિ આવી શરમનાક ટિપ્પણી કરી શકે.' તેમણે વધુમાં કહ્યું કે, પોતાના લાંબા રાજકીય જીવનમાં તેમણે વિપક્ષના કોઈ પણ નેતાનું આવું અભદ્ર અને અકલ્પનીય વર્તન ક્યારેય જોયું નથી, જે સ્વસ્થ લોકશાહી માટે ગંભીર ખતરો છે.









