'લાગણી દુભાવતા કન્ટેન્ટ નહીં ચલાવી લેવાય...', ધ્રુવ રાઠીના VIDEO અંગે દિલ્હી હાઇકોર્ટનું કડક વલણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Dhruv Rathee Controversial YouTube Video: યુટ્યુબર ધ્રુવ રાઠીના એક વિવાદાસ્પદ વીડિયોને લઈને દિલ્હી હાઇકોર્ટે મોટો આદેશ જાહેર કર્યો છે. અદાલતે કેન્દ્ર સરકારની ગ્રીવન્સ એપેલેટ કમિટી(GAC - ફરિયાદ અપીલીય સમિતિ)ને નિર્દેશ આપ્યો છે કે તેઓ આ વીડિયોને પ્લેટફોર્મ પરથી હટાવવાની માંગ કરતી અપીલ પર આગામી 15 દિવસની અંદર પોતાનો આખરી નિર્ણય સંભળાવે. જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માની બેન્ચે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે કોર્ટના આ આદેશની કોઈપણ પ્રકારની અવગણનાને ગંભીરતાથી લેવામાં આવશે.
ધાર્મિક લાગણી દુભાવવાનો ગંભીર આરોપ
આ સમગ્ર વિવાદ ધ્રુવ રાઠી દ્વારા 21 માર્ચ 2026ના રોજ અપલોડ કરવામાં આવેલા એક વીડિયો સાથે જોડાયેલો છે, જેનું શીર્ષક ‘શું હિન્દુ બીફ ખાઈ શકે છે? કેરળ સ્ટોરી 2નો પર્દાફાશ’ હતું. આ મામલે અરજી કરનાર વકીલ અમિતા સચદેવાનો આરોપ છે કે ધ્રુવ રાઠીએ પોતાના વીડિયોમાં હિન્દુ ધર્મના આરાધ્ય દેવ ભગવાન રામ, માતા સીતા અને ભગવાન કૃષ્ણ વિશે આપત્તિજનક ટિપ્પણીઓ કરી છે. જેમાં તેઓ માંસ અને મદિરાનું સેવન કરતા હોવાનો દાવો કરાયો છે. આનાથી દેશના કરોડો લોકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે.
કેન્દ્ર સરકારે વીડિયોને ગણાવ્યો સમાજમાં ફૂટ પાડનારો
સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર વતી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ(ASG) ચેતન શર્માએ કોર્ટમાં ઉગ્ર દલીલો કરી હતી. તેમણે કહ્યું કે, યુટ્યુબ જેવા ઇન્ટરમીડિયરી પ્લેટફોર્મ્સે આવી નફરત ફેલાવતી સામગ્રી પર અગાઉથી જ કાળજી રાખવી જોઈતી હતી અને તેને તાત્કાલિક હટાવવી જોઈતી હતી. એએસજીએ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું કે, “ધ્રુવ રાઠીનો આ વીડિયો નુકસાનકારક છે અને તે સમાજમાં વૈમનસ્ય તથા ફૂટ પાડનારો છે. કાં તો ગૂગલ પોતે જ આ વીડિયો હટાવવાનો નિર્ણય લે અથવા કોર્ટે આ મામલે કડક આદેશ આપવો જોઈએ. બહુમતી સમુદાયની આસ્થાની મજાક ઉડાવતા કન્ટેન્ટને કોઈ મંચ મળવો જોઈએ નહીં.”
ગૂગલે કહ્યું- મામલો કમિટી સમક્ષ પેન્ડિંગ છે
બીજી તરફ, ગૂગલ(યુટ્યુબની પેરન્ટ કંપની) તરફથી હાજર રહેલા વકીલે કોર્ટને માહિતી આપી હતી કે કંપની આ મામલે અરજદારને પોતાનો જવાબ આપી ચૂકી છે અને આ વિવાદ અંગેની અપીલ હાલમાં GAC(ગ્રીવન્સ અપીલેટ કમિટી) સમક્ષ દાખલ કરવામાં આવી છે. આ દલીલો સાંભળ્યા બાદ, દિલ્હી હાઇકોર્ટે વીડિયો હટાવવા અંગે પોતે સીધો કોઈ અંતિમ ફેંસલો આપવાને બદલે, સરકારી સમિતિને જ 15 દિવસમાં ચુકાદો આપવા માટે કહી દીધું છે. હવે સૌની નજર GACના આગામી નિર્ણય પર ટકેલી છે.









