સગીરોના સોશિયલ મીડિયા પર એકાઉન્ટ નિયંત્રણ અંગે વિચાર કરો: સુપ્રીમ કોર્ટનો સરકારને નિર્દેશ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Supreme Court On Social Media Age Limit : દેશમાં 18 વર્ષથી ઓછી ઉંમરના સગીરોને સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવાથી કેવી રીતે દૂર રાખી શકાય, તે દિશામાં નક્કર પગલાં ભરવા માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે.
સગીરોને લઈને સુપ્રીમે કેન્દ્રને આપ્યો મહત્ત્વનો આદેશ
ચીફ જસ્ટિસ સૂર્ય કાંતની આગેવાની હેઠળની બેન્ચે જણાવ્યું છે કે, સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માટે લઘુતમ ઉંમર 18 વર્ષ નક્કી કરવાની શક્યતાઓ સરકારે તપાસવી જોઈએ. અદાલતે ભારપૂર્વક જણાવ્યું કે, બાળકોની ઓનલાઈન સુરક્ષા માત્ર સામાન્ય ગાઈડલાઈન્સ પૂરતી સીમિત ન રહેવી જોઈએ, પરંતુ તેને કાયદાકીય પીઠબળ મળવું જરૂરી છે.
‘સગીરોની સુરક્ષા માટે કાયદાકીય રીતે બંધનકર્તા નિયમો હોવા જરૂરી’
સુનાવણી દરમિયાન જસ્ટિસ જોયમાલ્યા બાગચીએ સ્પષ્ટ કર્યું કે, બાળકોની સુરક્ષાને લગતી વ્યવસ્થા ફક્ત સલાહ કે માર્ગદર્શિકા બનીને ન રહેવી જોઈએ. તેમણે કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યો કે, ઈન્ટરમીડિયરી નિયમો હેઠળ આ જોગવાઈઓને કાયદાકીય સ્વરૂપ આપવાની શક્યતાઓ પર ગંભીરતાથી વિચાર કરવામાં આવે. અદાલતે સંકેત આપ્યો કે માત્ર વહીવટી સૂચનાઓ પૂરતી નથી, સગીરોની સુરક્ષા માટે કાયદાકીય રીતે બંધનકર્તા નિયમો હોવા જરૂરી છે.
બાળકોના કરાર અમાન્ય હોવાની વકીલની દલીલ
કોર્ટમાં 'જસ્ટ રાઈટ્સ ફોર ચિલ્ડ્રન એલાયન્સ' તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ HS ફૂલકાએ દલીલ કરી હતી કે, ભારતના વર્તમાન કાયદા મુજબ સગીરો દ્વારા કરવામાં આવતા કોઈપણ કરાર પહેલેથી જ અમાન્ય ગણાય છે. જ્યારે કોઈ બાળક સોશિયલ મીડિયા પર ખાતું ખોલે છે ત્યારે તે એક પ્રકારે પ્લેટફોર્મ સાથે કરાર કરે છે. આથી સોશિયલ મીડિયા કંપનીઓ અને અન્ય ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર કાયદાકીય જવાબદારી નક્કી થવી જોઈએ, જેથી સગીરો પોતાની રીતે આવા કરાર ન કરી શકે.
સરકારે યોગ્ય તપાસ અને પગલાં લેવાની ખાતરી આપી
કેન્દ્ર સરકાર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ અદાલતને ખાતરી આપી કે, સરકાર આ ગંભીર બાબતની સંપૂર્ણ તપાસ કરશે અને જરૂરી તમામ પગલાં ભરશે. સુપ્રીમ કોર્ટની આ મહત્વની ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે બાળકો અને કિશોરોમાં વધી રહેલા સોશિયલ મીડિયાના ઉપયોગ, તેમની ડિજિટલ સલામતી અને કંપનીઓની જવાબદારીઓને લઈને દેશભરમાં વ્યાપક ચર્ચા ચાલી રહી છે.




