India

'આંદોલનમાં કોંગ્રેસ પણ હતી તો એક જ ધર્મના લોકો પર એક્શન કેમ?', પોલીસ પર ભડકી બોમ્બે હાઈકોર્ટ

By GS Team
29 Jul 20263 mins read
TukuTouch Logo
બોમ્બે હાઈકોર્ટે SDPIના 2 અધિકારીઓને મુંબઈ પોલીસ દ્વારા કરાયેલા 1 વર્ષના તડીપારના આદેશને "સંપૂર્ણપણે ગેરકાયદેસર" ગણાવી રદ કર્યો છે. જસ્ટિસ જામદારે મુંબઈ પોલીસને સવાલ કર્યો કે, શું આ કાર્યવાહી ધર્મના આધારે થઈ છે? બાબરી મસ્જિદ મુદ્દે 'મસ્જિદ તોડવી ન જોઈએ' એવો વિચાર રાષ્ટ્રવિરોધી કેવી રીતે હોઈ શકે? કોર્ટે પોલીસને કઠોર ટિપ્પણી કરતા આદેશ ફગાવ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

'આંદોલનમાં કોંગ્રેસ પણ હતી તો એક જ ધર્મના લોકો પર એક્શન કેમ?', પોલીસ પર ભડકી બોમ્બે હાઈકોર્ટ

HC Lashes Out Mumbai Police: સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા (SDPI) ના બે અધિકારીઓને મુંબઈ પોલીસ દ્વારા તડીપાર (એક્સટર્નમેન્ટ) કરવાના આદેશને બોમ્બે હાઈકોર્ટે "સંપૂર્ણપણે ગેરકાયદેસર" અને "કઠોર" ગણાવતાં રદ કરી દીધો છે. મંગળવારે સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કડક સવાલ ઉઠાવ્યો હતો કે, 'શું અરજદારો સામે આ ચુનિંદા કાર્યવાહી માત્ર એટલા માટે કરવામાં આવી કે તેઓ એક વિશેષ ધર્મ સાથે સંબંધ ધરાવે છે?'

કોર્ટની કઠોર ટિપ્પણી અને પોલીસને સવાલ

એક અહેવાલ પ્રમાણે જસ્ટિસ માધવ જે. જામદારની સિંગલ બેન્ચે આ કેસની સુનાવણી કરી. અરજદારો ફિરોઝ અબ્દુલ વહાબ ખાન અને મોહમ્મદ રફીક ગુલામ રસૂલ અંસારીએ 3 ડિસેમ્બર, 2025 ના રોજ મુંબઈ પોલીસ દ્વારા જારી કરાયેલા એક વર્ષના તડીપારના આદેશ સામે હાઈકોર્ટમાં અરજી કરી હતી.

જસ્ટિસ જામદારે પોલીસ કાર્યવાહી પર સવાલ ઉઠાવતા કહ્યું કે, 'FIRમાં સૂત્રોચ્ચાર સિવાય કંઈ નથી અને કોઈ વ્યક્તિ અથવા જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાનો કોઈ ઉલ્લેખ નથી. પ્રદર્શનમાં કેટલાક અન્ય રાજકીય પક્ષો (શિવસેના-યુબીટી, NCP, કોંગ્રેસ સહિત) અને સ્થાનિક નિવાસીઓ પણ હાજર હતા. પરવાનગી વિના આંદોલન કરવા માટે કોઈને તડીપાર ન કરી શકાય અને ચુનિંદા કાર્યવાહી ન કરી શકાય.'

કોર્ટે આગળ પૂછ્યું કે, 'શું તમે કોંગ્રેસ અથવા શિવસેના (UBT)ના રાજકીય કાર્યકર્તાઓ સામે કોઈ કાર્યવાહી કરી છે? શું કાર્યવાહી માત્ર એટલા માટે કરવામાં આવી હતી કે તેઓ (અરજીકર્તાઓ) એક જ ધર્મના છે? આંદોલન તો બધા રાજકીય પક્ષો કરી રહ્યા હતા.'

પોલીસની દલીલ અને PFI કનેક્શનનો આરોપ

પોલીસ તરફથી હાજર રહેલા સરકારી વકીલ શિશિર હિરેએ પ્રતિબંધિત પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) સાથે અરજદારોના કથિત સંબંધોનો હવાલો આપીને તડીપારની કાર્યવાહીને યોગ્ય ઠેરવી હતી. જોકે, અરજદારોના વકીલ ઈબ્રાહિમ હરબતે આ આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા હતા. તેના પર જસ્ટિસ જામદારે ધ્યાન દોર્યું હતું કે, પોલીસ દ્વારા આપવામાં આવેલી કારણ બતાવો નોટિસમાં આ કથિત કનેક્શનનો કોઈ ઉલ્લેખ નહોતો.

વકીલ હિરેએ દલીલ આપી કે, અધિકારી ધર્મના આધાર પર કાર્યવાહી નહોતા કરી રહ્યા, પરંતુ જો અરજદારો ધર્મના બળ પર હંગામા કરી રહ્યા હતા આ નિંદનીય છે. તેમણે દાવો કર્યો કે, PFI પર પ્રતિબંધ લાગ્યા બાદ આ નવી પાર્ટી અસ્તિત્વમાં આવી છે, તે માત્ર કપડાં બદલવા જેવું છે જ્યારે આત્મા એક જ છે.

બાબરી મસ્જિદ મામલે કોર્ટે શું કહ્યું ?

તડીપારના આદેશને યોગ્ય ઠેરવવા માટે પોલીસે વક્ફ બિલ, ચેમ્બુર-ગોવંડીમાં સિમેન્ટના વેરહાઉસ અને બાબરી મસ્જિદ મુદ્દે થયેલા પ્રદર્શન સાથે સંબંધિત ત્રણ FIRનો હવાલો આપ્યો હતો.

બાબરી મસ્જિદ તોડવા સામે થયેલા પ્રદર્શન સાથે સંબંધિત FIRનો ઉલ્લેખ કરતા જસ્ટિસ જામદારે પોલીસને પૂછ્યું કે 'મસ્જિદને તોડવી ન જોઈએ' એવો અરજદારોનો વિચાર રાષ્ટ્ર વિરોધી કેવી રીતે હોઈ શકે?

કોર્ટે કહ્યું કે, 'અરજીકર્તાઓના મતે બાબરી મસ્જિદને તોડવી ન જોઈતી હતી. આ તેમની પોતાની ધારણા છે. આ રાષ્ટ્રવિરોધી કેવી રીતે થઈ ગયું? દરેકને વાણી સ્વાતંત્ર્યનો અધિકાર છે.'

કોર્ટે તડીપારના આદેશને નાગરિકોના મૂળભૂત અધિકારો વિરુદ્ધ ગણાવતા કહ્યું કે, આ એક અસાધારણ પગલું છે જે નાગરિકો પાસેથી અવરજવરની સ્વતંત્રતા છીનવી લે છે. આખરે કોર્ટે મુંબઈ પોલીસના આ આદેશને સંપૂર્ણપણે ગેરકાયદે ગણીને ફગાવી દીધો હતો.