Cockroach Janata Party Pune Protest : NEET અને CBSE પરીક્ષાઓને લઈને ચાલી રહેલા વિવાદ અને હોબાળાની વચ્ચે 'કોકરોચ જનતા પાર્ટી' કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહી છે. દિલ્હીના જંતર-મંતર ખાતે યોજાયેલા પ્રથમ સફળ પ્રદર્શન બાદ, આ પાર્ટીએ હવે મહારાષ્ટ્રમાં પોતાના આગામી વિરોધ પ્રદર્શનની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. પાર્ટીના અધ્યક્ષ અને સ્થાપક અભિજીત દીપકેએ સોશિયલ મીડિયા પર આ અંગેની સત્તાવાર માહિતી શેર કરી છે.
પાર્ટીનો દાવો છે કે દિલ્હીમાં થયેલા પ્રથમ વિરોધ પ્રદર્શન દરમિયાન તેમને યુવાનો અને વિદ્યાર્થીઓ તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. અભિજીત દીપકે પોતે શનિવારે સવારે અમેરિકાથી ભારત પરત ફર્યા બાદ એરપોર્ટથી સીધા જ દિલ્હીના વિરોધ સ્થળે પહોંચ્યા હતા. દિલ્હીના પ્રદર્શન દરમિયાન જ દીપકેએ ચેતવણી આપી હતી કે, 'દેશભરમાં અનેક સ્થળોએ આવા પ્રદર્શનો કરવામાં આવશે, જે અંતર્ગત હવે શિક્ષણનું હબ ગણાતા પુણે શહેરની પસંદગી કરવામાં આવી છે.'
પુણે વિરોધ પ્રદર્શનની તારીખ અને સમય
કોકરોચ જનતા પાર્ટીનું આ બીજું મોટું વિરોધ પ્રદર્શન નીચે મુજબના શિડ્યુલ અનુસાર યોજાશે:
તારીખ: 11 જૂન 2026
સમય: સાંજે 4:00 વાગ્યે
સ્થાન: સાવિત્રીબાઈ ફુલે પુણે યુનિવર્સિટી કેમ્પસ (Savitribai Phule Pune University Campus)
શું છે મુખ્ય માંગ?
આ વિરોધ પ્રદર્શનનો મુખ્ય હેતુ પણ NEET અને CBSE પરીક્ષાઓમાં થયેલી કથિત ગેરરીતિઓ બદલ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરવાનો છે. અભિજીત દીપકેએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પક્ષના સભ્યો, વિદ્યાર્થીઓ અને સમર્થકોને મોટી સંખ્યામાં આ પ્રદર્શનમાં જોડાવા માટે અપીલ કરી છે.
અભિજીત દીપકે પોતે મહારાષ્ટ્રના હોવાથી, રાજ્યમાં તેમના આ પ્રથમ વિરોધ પ્રદર્શન પર રાજકીય વર્તુળોનું ખાસ ધ્યાન છે. તેમણે રવિવારે દાવો કર્યો હતો કે દિલ્હીના પ્રદર્શનમાં 6,000 થી 7,000 લોકો સામેલ થયા હતા.
મંજૂરી અંગે સસ્પેન્સ
દરમિયાન, દિલ્હીમાં વિરોધ પ્રદર્શન માટે સ્થાનિક પોલીસે પ્રદર્શનના થોડા કલાકો પહેલા જ મંજૂરી આપી હતી. જો કે, પુણેમાં પ્રસ્તાવિત આ વિરોધ પ્રદર્શન માટે સ્થાનિક પોલીસ તરફથી સત્તાવાર મંજૂરી મળી છે કે નહીં, તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. દિલ્હીમાં પણ છેલ્લી ઘડીએ મંજૂરી માંગવામાં આવી હોવાથી કેટલાક વર્તુળોમાં પાર્ટીની કામગીરીની ટીકા થઈ ચૂકી છે.


