India

દુનિયામાં મંદીના વાદળો : ભારતના જીડીપીમાં 7.8 ટકાની વૃદ્ધિ : વાહ વાહ

By GS Team
1 Sep 20263 mins read
TukuTouch Logo
નવી દિલ્હીમાં, અમેરિકા-ઈરાન યુદ્ધ અને ક્રૂડના ઊંચા ભાવ છતાં ભારતીય અર્થતંત્રએ નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ક્વાર્ટરમાં 7.8% વૃદ્ધિ નોંધાવી વિશ્વને ચોંકાવ્યું. વડાપ્રધાન મોદીએ આર્થિક આંકડાઓને ભારત અંગે નિરાશાવાદી ચિત્ર દોરનારાઓ માટે મોટો તમાચો ગણાવ્યો. આ વૃદ્ધિ પાછળ સરકારી ખર્ચ અને ઉત્પાદન-સેવા ક્ષેત્રનો મોટો ફાળો રહ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

દુનિયામાં મંદીના વાદળો : ભારતના જીડીપીમાં 7.8 ટકાની વૃદ્ધિ : વાહ વાહ
  • મુગેરીલાલના સોનેરી સપના : કૂદકે ભૂસકે વધતી મોંઘવારી
  • અમેરિકા-ઈરાન યુદ્ધ, ક્રૂડ ઓઈલના ઊંચા ભાવ છતાં ભારતીય અર્થતંત્રએ એપ્રિલ-જૂનના ક્વાર્ટરમાં વૃદ્ધિ નોંધાવી વિશ્વને ચોંકાવ્યું
  • ભારત અંગે નિરાશાજનક ચિત્ર દોરનારા માટે આર્થિક આંકડા મોટો તમાચો : પીએમ મોદી
  • એપ્રિલ-જૂન ૨૦૨૫માં ૬.૯ ટકાની સરખામણીમાં જીડીપી ૧.૧ ટકા વધ્યો

નવી દિલ્હી : પશ્ચિમે એશિયામાં અમેરિકા અને ઈરાન યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલના ઊંચા ભાવના કારણે આખી દુનિયામાં મંદીના વાદળો છવાયેલા છે. આવા સમયે ભારતીય અર્થતંત્રએ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના પ્રથમ ક્વાર્ટરમાં અપેક્ષા કરતાં ઘણો સારો દેખાવ કરીને ૭.૮ ટકાનો વૃદ્ધિદર નોંધાવીને આખા વિશ્વને ચોંકાવ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે રેટિંગ કંપનીઓ તથા રિઝર્વ બેન્ક પોતે ભારતની આર્થિક વૃદ્ધિના અંદાજ ઘટાડી રહી છે તેના વચ્ચે ભારતીય અર્થતંત્રએ મજબૂત કામગીરી બજાવી છે. ભારતીય જીડીપીના પહેલા ત્રિમાસિકના આંકડા જાહેર થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત અંગે નિરાશાજનક ચિત્ર દોરનારાની આકરી ઝાટકણી કાઢી હતી.
ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ પણ ભારતીય અર્થતંત્રની ગાડી પાટા પરથી ઉતારી શક્યા નથી. ભારતીય અર્થતંત્રનો આ વૃદ્ધિદર ગયા વર્ષના સમાન સમયગાળામાં નોંધાયેલા ૬.૯ ટકાના વૃદ્ધિદર કરતાં વધારે છે. પશ્ચિમ એશિયા સંઘર્ષના લીધે ક્રૂડ ઓઇલની કિંમતો, સપ્લાય ચેઇન અને કોમોડિટી બજાર પર દબાણ હતું.
અર્થતંત્રમાં વાસ્તવિક પ્રવૃત્તિઓને દર્શાવતો જીવીએ (ગ્રોસ વેલ્યુ એડેડ) ૮.૨ ટકા વૃદ્ધિ પામ્યો, જ્યારે ગયા વર્ષે તે ૭.૧ ટકા હતો. સામાન્ય જીડીપી વૃદ્ધિ ૧૦.૩ ટકા રહી, જે ગયા વર્ષે ૮.૧ ટકા હતી.
આ મજબૂત આંકડા પછી પીએમ મોદીએ દેશની આર્થિક મજબૂતાઈની પ્રશંસા કરતાં સરકારના ટીકાકારો પર નિશાન સાધ્યું. તેમણે આ દેખાવને હરક્યુલીન સિદ્ધિ ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે ભારતીય અર્થતંત્ર માટે નિરાશાજનક અનુમાન કરનારાઓ માટે આ આંકડા એક મોટો તમાચો છે. તેઓ ફરીથી એક વખત ખોટા સાબિત થયા અને ભારત આગળ વધ્યું.
સરકારી ખર્ચ વધતાં મળ્યું પ્રોત્સાહન
જીડીપીના આંકડાને સૌથી વધુ ટેકો સ્થાનિક વપરાશ, સરકારી મૂડીખર્ચ, ઉત્પાદન અને સર્વિસ સેક્ટર તરફથી મળ્યો. પ્રથમ ક્વાર્ટરમાં કેન્દ્ર સરકારનો મૂડીખર્ચ ૧૮.૬ ટકા વધ્યો, જ્યારે છેલ્લા ત્રિમાસિક ગાળામાં તેમા ૯.૧ ટકાના દરે વૃદ્ધિ નોંધાી હતી. તેનો સૌથી ફાયદો ઉત્પાદન ક્ષેત્ર અને ઔદ્યોગિક ક્ષેત્રને મળ્યો. મેન્યુફેક્ચરિંગ સેક્ટરે ૯.૨ ટકાની વૃદ્ધિ નોંધાવી, જે ગયા વર્ષના સમાન સમયગાળાના ૮.૩ ટકાની તુલનાએ વધારે છે.
ઇલેક્ટ્રિક સેક્ટરમાં સુધારો
ઇલેક્ટ્રિક સેક્ટરમાં પણ સુધારો જોવા મળ્યો અને તેનો વૃદ્ધિદર વધીને ૮.૯ ટકા થઈ ગયો, જ્યારે એક વર્ષ પહેલા આ સેક્ટર ૧.૮ ટકા સંકોચાયું હતું. કન્સ્ટ્રકશન સેક્ટર પણ ૭.૭ ટકા વધ્યું, જ્યારે ગયા નાણાકીય વર્ષમાં તેનો વૃદ્ધિદર ૫.૨ ટકા હતો. ઇન્ડસ્ટ્રીયલ પ્રોડકશનમાં પણ પ્રથમ ક્વાર્ટર દરમિયાન સરેરાશ વૃદ્ધિ ૫.૭ ટકા રહી હતી, જે ગયા વર્ષના સમાન સમયગાળાની ૩.૮ ટકાની વૃદ્ધિ કરતાં સારી છે. સ્થાનિક માંગનો અંદાજ તે વાત પરથી લગાવી શકાય છે કે પ્રથમ ક્વાર્ટરમાં પેસેન્જર વાહનોના વેચાણમાં ૨૫.૬ ટકાના દરે વૃદ્ધિ થઈ.

કૃષિ-માઈનિંગ સેક્ટરમાં વૃદ્ધિદર ઘટયો
જો કે દરેક સેક્ટરનું પ્રદર્શન મજબૂત રહ્યું હોય તેવું નથી. કૃષિ ક્ષેત્રનુ પર્ફોર્મન્સ ગયા વર્ષના ૪.૪ ટકાથી ઘટીને ૩.૬ ટકા થઈ ગઈ. આ સિવાય સૌથી વધુ દબાણ માઇનિંગ સેક્ટર પર રહ્યુ. તેમા ૨.૪ ટકાનો ઘટાડો થયો. જ્યારે ગયા વર્ષના સમાન સમયગાળામાં તેણે ૧૨.૪ ટકાની વૃદ્ધિ નોંધાવી હતી. બીજી બાજુએ સર્વિસ સેક્ટર સતત ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ બની રહ્યુ છે. રિયલ્ટી અને પ્રોફેશનલ સર્વિસીઝમાં લગભગ ૧૨ ટકાના દરે વૃદ્ધિ થઈ. જ્યારે સર્વિસિઝ નિકાસની વૃદ્ધિ છેલ્લા ત્રિમાસિક સમયગાળામાં ૮.૯ ટકાથી વધી ૧૩.૧ ટકા થઈ હતી. ગયા વર્ષે જીએસટી દરમાં કાપ મૂકાતા અને ઇન્કમ ટેક્સના રાહત આપવામાં આવતા લોકોની ખર્ચ કરવાની ક્ષમતાને સમર્થન મળ્યું હતું.
હવે અહીં સૌથી મોટો સવાલ એ છે કે જીડીપીમાં આ વૃદ્ધિ જારી રહેશે. અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે બીજા અને ત્રીજા ત્રિમાસિક સમયગાળામાં થોડી સુસ્તી આવી શકે છે. જો કે આમ છતાં નાણાકીય વર્ષના અંતે ભારતીય અર્થતંત્ર સાત ટકાના દરની આસપાસ વૃદ્ધિ પામે તેમ મનાય છે.