જમ્મુ-કાશ્મીરમાં 14 જગ્યાએ વાદળ ફાટવાથી પૂર : ચારનાં મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટવાની ઘટનાઓ અચનાક વૃદ્ધિ જોવા મળી છે. સ્થાનિક લોકોનાં જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીરમાં ૧૪ જગ્યાઓએ વાદળ ફાટવાની ઘટનાઓ જોવા મળી છે.
રાજૌરી જિલ્લાનાં થાનામંડી સબ ડિવિઝનની પંચાયત પાસે વાદળ ફાટયું હતું. જેમાં ચાર લોકોનાં મોત થયા હતાં અને ઇન્ફ્રાસ્ટ્રકચરને પણ નુકસાન થયું હતું.
પર્વતીય વિસ્તારોમાં અનેક જગ્યાએ વાદળ ફાટવાને કારણે અચનાક પૂર આવતા અને ભૂસ્ખલન થતાં જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું. સ્થાનિક લોકો અનુસાર અલગ અલગ ૧૪ જગ્યાએ વાદળ ફાટવાની ઘટનાઓ જોવા મળી હતી.
વાદળ ફાટવાની અસર રાજૌરી જિલ્લાનાં અનેક વિસ્તારોમાં જોવા મળી છે. મુખ્ય બસ સ્ટેન્ડ સંપૂર્ણપણે તણાઇ ગયું છે. અનેક ગાડીઓ પણ પાણીનાં પ્રવાહમાં વહી ગઇ છે. અનેક મકાનો પણ તણાઇ ગયા છે અથવા ક્ષતિગ્રસ્ત થયા છે.
બીજી તરફ ઉત્તરાખંડનાં ધારચુલા-તવાઘાટ રાષ્ટ્રીય હાઇવે પર કુલાગાડની પાસે પર્વત પરથી પડેલા કાટમાળ અને ભારે બોલ્ડરોની ચપેટમાં આવવાને કારણે બેલી બ્રિજ ધ્વસ્ત થઇ ગયું છે.
પુલ તૂટી જવાને કારણે ઉચ્ચ હિમાલયી ક્ષેત્રની ત્રણેય ખીણો દારમા, વ્યાસ અને ચૌદાસમાં રહેનારા લોકોની અવરજવર ઠપ થઇ ગઇ છે. ભારતનો ચીન સરહદ સાથેનો સંપર્ક પણ તૂટી ગયો છે.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગથી મળેલી માહિતી અનુસાર કુલાગાડની પાસે આવેલા પર્વતમાં ભૂસ્ખલન થવાને કારણે બોલ્ડરો પડવાથી બેલી બ્રિજ તૂટી ગયું હતું. કુલાગાડમાં નાના વાહનોની અવરજવર માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. ધારચૂલાનાં કૂલાગાડમાં બેલી બ્રિજ તૂટવાની આ પ્રથમ ઘટના નથી. સ્થાનિક લોકોનાં જણાવ્યા અનુસાર ૨૦૧૩ અને ૨૦૨૪માં પણ બેલિ બ્રિજને નુકસાન થયું છે.









