India

પીએમ આવાસના ઘેરાવ મુદ્દે અનેક રાજ્યોમાં ભાજપ-કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે મારામારી, ઉગ્ર વિરોધ

By GS Team
23 Jul 20263 mins read
TukuTouch Logo
દિલ્હીમાં PM આવાસ બહાર કોંગ્રેસના ધરણાં બાદ દેશભરમાં રાજકીય ઘર્ષણ વધ્યું છે. દિલ્હીમાં જંતર-મંતર પર પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસ અને વોટર કેનનો ઉપયોગ થયો, ઇન્ટરનેટ સેવાઓ સસ્પેન્ડ કરાઈ. બિહારમાં રાજભવન ઘેરવાનો પ્રયાસ થયો. ભાજપ-કોંગ્રેસ કાર્યકરો વચ્ચે તેલંગાણા અને આંધ્ર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં મારામારી થઈ, જેમાં પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા.

Summarized by AI; it may make mistakes. Check important info

પીએમ આવાસના ઘેરાવ મુદ્દે અનેક રાજ્યોમાં ભાજપ-કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે મારામારી, ઉગ્ર વિરોધ

મધ્ય દિલ્હીમાં ઇન્ટરનેટ સસ્પેન્ડ, સંસદ માર્ગ પર ફરી ટીયર ગેસ શેલિંગ
બિહારમાં પ્રદર્શનકારી યુવાનોનો રાજભવન ઘેરવા પ્રયાસ, પોલીસે વોટર કેનનો મારો ચલાવ્યો : જંતર મંતર ખાતે દેખાવકારો અને પોલીસ વચ્ચે ફરી ઝપાઝપીથી તંગદિલી વધી
નવી દિલ્હી : દિલ્હીમાં વડાપ્રધાન આવાસ બહાર પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના નેતાઓની અટકાયત અને ઘર્ષણ તેમજ વિદ્યાર્થીઓ પર દિલ્હી પોલીસના લાઠીચાર્જ મુદ્દે કોંગ્રેસે દેશમાં અનેક સ્થળે દેખાવો કર્યા હતા. જે દરમિયાન કોંગ્રેસના અનેક નેતાઓની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે ભાજપના નેતાઓ દ્વારા કોંગ્રેસ કાર્યાલયો બહાર દેખાવો કરવા પ્રયાસ થયો હતો તેથી સામસામે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું. દરમિયાન દિલ્હીમાં શરૂ થયેલા વિરોધ પ્રદર્શનો અન્ય રાજ્યો સુધી ફેલાઇ રહ્યા છે. જ્યારે દિલ્હીમાં ફરી ટીયર ગેસના શેલ છોડાયા હતા અને જંતર મંતર આસપાસ ઇન્ટરનેટ સેવા સસ્પેન્ડ કરાઇ છે.
દિલ્હીના જંતર મંતરેથી શરૂ થયેલા વિરોધ પ્રદર્શનો અન્ય રાજ્યો સુધી પહોંચ્યા છે, બિહારમાં વિદ્યાર્થીઓ યુવાનો દ્વારા રાજ્યપાલના રાજભવનનો ઘેરાવ કરવા પ્રયાસ થયો હતો આ દરમિયાન દિલ્હીની જેમ આ વિદ્યાર્થીઓને રોકવા માટે પણ ટીયર ગેસના શેલ છોડાયા અને વોટર કેનનો મારો ચલાવવામાં આવ્યો હતો. દરમિયાન કોંગ્રેસ અને ભાજપ બન્ને દ્વારા પણ સામસામે વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા હતા.
તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં ભાજપ અને કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે ભારે ઘર્ષણ થતા એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ ઘાયલ થઇ હતી, તેમજ એક વ્યક્તિને પણ ઇજા પહોંચી હતી. કોંગ્રેસ અને ભાજપ બન્ને એકબીજાની ઓફિસ કે કાર્યાલયે ધરણા પ્રદર્શનો કરવા જઇ રહ્યા હતા ત્યારે આ ઘર્ષણ થયું હતું.
આંધ્ર પ્રદેશના વીજયવાડામાં પણ કોંગ્રેસ અને ભાજપ કાર્યકર્તાઓ સામસામે ટકરાયા હતા, પટણામાં પણ આ જ સ્થિતિ જોવા મળી હતી. ભાજપે બિહાર પ્રદેશ કોંગ્રેસ કમિટીના હેડક્વાર્ટર સુધી રેલી કરી હતી, ભાજપ કાર્યકર્તાઓના હાથમાં રાહુલ ગાંધી વિરોધી પોસ્ટરો જોવા મળ્યા હતા. જોકે કોંગ્રેસના કાર્યકર્તાઓ હાથમાં લાઠીઓ સાથે જોવા મળ્યા હતા, બન્ને સામસામે આવે તે પહેલા પોલીસે બન્નેને રોકવા પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ઘર્ષણમાં કોંગ્રેસ અને ભાજપ બન્ને પક્ષોના કાર્યકર્તાઓ ઘાયલ થયા હતા. જમ્મુમાં શહીદ ચોક પર પણ કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ સામસામે આવી ગયા હતા. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દિલ્હીમાં પીએમ આવાસનો ઘેરાવ કરવા પ્રયાસ કર્યો હતો જેને પગલે વિફરેલા ભાજપના નેતાઓએ વિવિધ રાજ્યોમાં કોંગ્રેસ હેડક્વાર્ટર પર દેખાવો શરૂ કર્યા હતા જવાબમાં કોંગ્રેસે પણ ઠેરઠેર વિરોધ પ્રદર્શનો કર્યા હતા.
દિલ્હીમાં જંતર મંતર પર ફરી મોટી સંખ્યામાં યુવાનો એકઠા થવા લાગ્યા હતા, સંસદ માર્ગ પાસે પણ મોટી સંખ્યામાં ટોળે ટોળા ભેગા થઇ રહ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મધ્ય દિલ્હીમાં ઇન્ટરનેટ એક રાત માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું. જ્યારે સંસદ માર્ગ પાસે પોલીસ દ્વારા ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા. જેને પગલે જંતર મંતર અને આસપાસના આશરે દોઢ કિમી વિસ્તારમાં ઇન્ટરનેટ નહીં ચાલે. પોલીસે દાવો કર્યો હતો કે પ્રદર્શનકારીઓએ પોલીસ અધિકારી પર હુમલો કર્યો હતો જે બાદ ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા. દરમિયાન પહેલવાન બજરંગ પુનિયા જંતર મંતર પહોંચ્યા હતા અને ધરણામાં સામેલ થયા હતા.
દરમિયાન બુધવારે પણ સંસદના બન્ને ગૃહોમાં પેપર લીક, વિદ્યાર્થીઓ પર પોલીસનો લાઠીચાર્જ સહિતના મુદ્દે વિપક્ષે સરકારને ઘેરી હતી.