India

ચીનનું નવું પેસેન્જર પ્લેન C919 ભારત માટે બની શકે છે મોટો ખતરો?, લેન્ડિંગ થતાં જ LAC પર એલર્ટ!

By GS Team
29 Jul 20263 mins read
TukuTouch Logo
ચીનના સ્વદેશી C919 પેસેન્જર એરક્રાફ્ટે તિબેટના દુર્ગમ લિહાસા ગોંગગર એરપોર્ટ પર સફળ પરીક્ષણ કર્યું છે. આ વિમાન LAC પર ભારત માટે ગુપ્ત ખતરો બની શકે છે. ચીનની 'સિવિલ-મિલિટ્રી ફ્યુઝન' નીતિ હેઠળ, આ C919 કટોકટીમાં 130-160 સૈનિકોને સરહદી વિસ્તારોમાં ઝડપથી ઉતારી શકે છે અને શિયાળામાં PLA માટે પુરવઠો ચાલુ રાખી શકે છે. જોકે, તેના મુખ્ય ભાગો પશ્ચિમી દેશોમાંથી આવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચીનનું નવું પેસેન્જર પ્લેન C919 ભારત માટે બની શકે છે મોટો ખતરો?, લેન્ડિંગ થતાં જ LAC પર એલર્ટ!

China C919 Aircraft Landing In Tibet : ચીનનું પ્રથમ સ્વદેશી પેસેન્જર એરક્રાફ્ટ C919 હવે માત્ર સામાન્ય નાગરિક ઉડ્ડયન પૂરતું મર્યાદિત નથી રહ્યું. આ વિમાને વિશ્વના સૌથી ઊંચા પઠાર એટલે કે તિબેટના લિહાસા ગોંગગર એરપોર્ટ જેવા અત્યંત દુર્ગમ વિસ્તારમાં સફળ પરીક્ષણ કરીને સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. પ્રથમ નજરે આ એરક્રાફ્ટ બોઇંગ અને એરબસની એકચક્રી સત્તાને પડકારતું કોમર્શિયલ પ્લેન લાગે છે, પરંતુ સંરક્ષણ નિષ્ણાતોના મતે તે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ભારત માટે એક મોટો ગુપ્ત ખતરો સાબિત થઈ શકે છે.

શું છે ચીનની 'સિવિલ-મિલિટ્રી ફ્યુઝન' નીતિ?

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની ‘સિવિલ-મિલિટ્રી ફ્યુઝન’ નીતિ હેઠળ ચીનની દરેક નાગરિક ટેકનોલોજી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો જરૂર પડે ત્યારે યુદ્ધ ધોરણે સૈન્ય હથિયાર તરીકે ઉપયોગ કરી શકાય છે.

ઝડપી સૈન્ય તૈનાતી: કટોકટીના સમયે લદ્દાખ કે, અરુણાચલ પ્રદેશ સરહદે તણાવ વધે ત્યારે C919નું આ ખાસ 'હાઈ-ઓલ્ટીટ્યુડ' મોડેલ એક જ વારમાં 130થી 160 જેટલા સશસ્ત્ર ચીની સૈનિકોને લિહાસા, ન્યિંગચી કે અલી કુંશે જેવા સરહદી એરપોર્ટ પર ગણતરીના કલાકોમાં ઉતારી શકે છે.

શિયાળામાં ઓલ-વેધર સપ્લાય: ભારે બરફવર્ષા દરમિયાન જ્યારે પહાડી રસ્તાઓ બંધ થઈ જાય છે, ત્યારે પાતળી હવામાં પણ સરળતાથી લેન્ડ થઈ શકતું આ પ્લેન ચીની સેના (PLA) માટે રાશન અને હથિયારોનો પુરવઠો સતત ચાલુ રાખી શકશે.

કાર્ગો વિમાનોને મદદ: C919 પ્રોજેક્ટ દ્વારા શીખેલી ટેકનોલોજીનો સીધો ફાયદો ચીન તેના Y-20 જેવા ભારે સૈન્ય માલવાહક વિમાનોને વધુ ઘાતક બનાવવામાં કરી રહ્યું છે.

વિજ્ઞાનના નિયમો પણ નિષ્ફળ જાય ત્યાં 'C919-600'ની એન્ટ્રી

સમુદ્ર સપાટીથી 8,000 ફૂટથી વધુ ઊંચાઈ ધરાવતા વિસ્તારોમાં હવા અત્યંત પાતળી હોય છે, જેના કારણે એન્જિનને પૂરતો ઓક્સિજન મળતો નથી, અને લેન્ડિંગ વખતે બ્રેક ફેલ થવાનું જોખમ રહે છે. આ સમસ્યાને માત આપવા ચીને 'C919-600' મોડેલ બનાવ્યું છે, જેનું બોડી નાનું અને એન્જિન વધુ શક્તિશાળી છે. તિબેટના લિહાસામાં આ વિમાનનું સફળ લેન્ડિંગ કરીને ચીને પોતાની ક્ષમતા સાબિત કરી છે.

બોઇંગ અને એરબસ માટે પડકાર પણ પશ્ચિમી દેશો પર નિર્ભરતા

ચીનની કંપની COMACને આ વિમાન માટે 1,000થી વધુ ઓર્ડર મળી ચૂક્યા છે. જોકે, આ પ્લેન પર 'મેડ ઇન ચાઇના'નું ટેગ હોવા છતાં, તેના મુખ્ય જેટ એન્જિન, ઇલેક્ટ્રોનિક્સ અને સેફ્ટી સિસ્ટમ્સ અમેરિકા અને ફ્રાન્સની કંપનીઓ પાસેથી આવે છે. જો પશ્ચિમી દેશો પ્રતિબંધ મૂકે તો ચીનનો આ પ્રોજેક્ટ અટકી શકે છે. આ ઉપરાંત, તેને હજુ સુધી યુરોપ કે, અમેરિકાની સુરક્ષા એજન્સીઓ પાસેથી આંતરરાષ્ટ્રીય સેફ્ટી સર્ટિફિકેટ મળ્યું નથી.

ભારત માટે મોટો સબક

આજના સમયમાં લદ્દાખ અને પૂર્વોત્તર જેવા અત્યંત ઊંચા વિસ્તારોમાં સેના અને સરંજામ પહોંચાડવા માટે ભારતને અમેરિકાના બોઇંગ C-17 ગ્લોબમાસ્ટર કે હરક્યુલસ વિમાનો પર નિર્ભર રહેવું પડે છે. ચીને જે રીતે સિવિલ અને મિલિટ્રી સિસ્ટમને જોડીને સક્ષમતા મેળવી છે, તે ભારત માટે ચેતવણી સમાન છે. ભારતે પણ 'મેક ઇન ઇન્ડિયા' હેઠળ પોતાના સ્વદેશી એરોસ્પેસ પ્રોજેક્ટ્સને ઝડપથી આગળ વધારવા પડશે.