Get The App

ચીનની ફરી ચાલબાજી, દુનિયાનો સૌથી મોટો ડેમ તૈયાર કરવાનું શરુ કર્યું, ભારત સામે મોટું સંકટ

Updated: Jun 17th, 2026

GS TEAM

Google News
Google News
India China border news

India China border news: ચીન પોતાની નાપાક ચાલબાજીઓથી અટકવાનું નામ નથી લઈ રહ્યું. તેણે સત્તાવાર રીતે તિબેટમાં યારલુંગ ત્સાંગપો નદીના નીચલા પ્રવાહ પર વિશ્વના સૌથી મોટા ડેમનું નિર્માણ કાર્ય શરૂ કરી દીધું છે. સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે આ નિર્માણ સ્થળ ભારતીય સરહદથી માત્ર 50 કિલોમીટરની દૂરી પર આવેલું છે. આ વિશાળ પ્રોજેક્ટના કારણે બ્રહ્મપુત્રા નદીના નીચલા પ્રવાહવાળા વિસ્તારો, ખાસ કરીને અરૂણાચલ પ્રદેશ અને આસમના માથે ગંભીર સંકટના વાદળો મંડરાઈ રહ્યા છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, ગુપ્તચર સૂત્રો અને સેટેલાઇટ તસવીરોથી ખુલાસો થયો છે કે ભારતની સતત આપત્તિઓ છતાં ચીન આ પરિયોજનાને ખૂબ જ ઝડપથી આગળ ધપાવી રહ્યું છે.

ભારત માટે કેમ વધ્યું મોટું જોખમ?

યારલુંગ ત્સાંગપો નદી તિબેટમાંથી વહીને ભારતમાં 'સિયાંગ' નામે પ્રવેશે છે અને આગળ જતાં તે અસમમાં વિશાળ બ્રહ્મપુત્રા નદી બને છે. ભારતીય અધિકારીઓએ આ મેગા-ડેમને લઈને ગંભીર ચેતવણી જાહેર કરી છે. આશંકા સેવાઈ રહી છે કે આ બંધના કારણે નદીના પાણીનો કુદરતી પ્રવાહ સંપૂર્ણપણે પ્રભાવિત થઈ શકે છે, જેનાથી સ્થાનિક પર્યાવરણને ભારે નુકસાન પહોંચશે. એટલું જ નહીં, નીચલા વિસ્તારોમાં ખેતીવાડી વ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગશે અને અરૂણાચલ પ્રદેશ તથા આસમમાં પૂરની અણધારી તેમજ જોખમી સ્થિતિ સર્જાઈ શકે છે. જોકે, ચીન એવો દાવો કરી રહ્યું છે કે આ પ્રોજેક્ટનો હેતુ માત્ર મોટા પાયે જળવિદ્યુત પેદા કરવાનો છે, પરંતુ ભારત જેવા નીચલા પ્રવાહ ધરાવતા દેશો માટે તેના પરિણામો અત્યંત સંવેદનશીલ અને અસ્થિર કરનારા સાબિત થઈ શકે છે.

ભારત સરકાર એક્શન મોડમાં: કડક દેખરેખ

આ સંવેદનશીલ સ્થિતિ પર ભારત સરકાર સતત ચાંપતી નજર રાખી રહી છે. લોકસભામાં આપવામાં આવેલા એક લેખિત જવાબમાં સરકારે સ્પષ્ટ કર્યું છે કે તે બ્રહ્મપુત્ર નદી બેસિન સાથે જોડાયેલી દરેક પ્રવૃત્તિ અને ચીનની જળવિદ્યુત યોજનાઓનું બારીકાઈથી નિરીક્ષણ કરી રહી છે. નીચલા વિસ્તારોમાં રહેતા ભારતીય નાગરિકોના જીવ, સંપત્તિ અને આજીવિકાની રક્ષા કરવા માટે સરકાર તમામ જરૂરી અને યોગ્ય પગલાં ઉઠાવી રહી છે.

આ પણ વાંચો: રામ મંદિરમાંથી 40 દાનપેટી, 2 કિલો સોનાની ગદા ગુમ, 42થી વધુ કર્મચારીની પૂછપરછ કરશે SIT

સંકટ સામે ભારતની જવાબી વ્યુહરચના

ચીનના આ સંભવિત ખતરાનો સામનો કરવા માટે ભારત સરકાર બે સ્તરે કામ કરી રહી છે. પ્રથમ સ્તરે, ભારતે ચીની સત્તાધીશો સમક્ષ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે અને ચીનને સરહદ પારની નદી પરિયોજનાઓ અંગે સંપૂર્ણ પારદર્શિતા રાખવા, રીઅલ-ટાઇમ ડેટા શેર કરવા તેમજ કોઈ પણ નવું બાંધકામ કરતા પહેલા પૂર્વ પરામર્શ કરવા માટે દ્રઢતાપૂર્વક જણાવ્યું છે. 

બીજા સ્તરે, ચીનના કોઈ પણ આકસ્મિક પગલાનો સામનો કરવા માટે સરકાર પૂર્વોત્તર રાજ્યોમાં પોતાની સ્થિતિ મજબૂત કરી રહી છે. આ વ્યુહરચના અંતર્ગત પૂરની આગાહી કરતી સિસ્ટમ, નદી મોનિટરિંગ નેટવર્ક અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ઝડપથી અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે, જેથી કોઈ પણ ઈમરજન્સીની સ્થિતિમાં તાત્કાલિક એક્શન લઈ શકાય.