મહારાષ્ટ્રમાં 'કેબ સેવા'ના નિયમોમાં ફેરફાર, બાઈક-ટેક્સી નહીં ચલાવી શકે બહારના લોકો, મરાઠી પણ ફરજિયાત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Maharashtra Bike-Taxi Rules Change: મહારાષ્ટ્રમાં સરકારે બાઈક-ટેક્સી સેવાઓના સંચાલનને લઈને એક મોટો નિર્ણય લીધો છે. રેપિડો, ઓલા, ઉબેર કે અન્ય એગ્રીગેટર્સની બાઈક-ટેક્સી સેવાઓ માટે હવે ડોમિસાઈલ એટલે કે સ્થાનિક નિવાસી પ્રમાણપત્ર (Domicile Certificate) ફરજિયાત રહેશે. તેનો અર્થ એ કે જેઓ મહારાષ્ટ્રના મૂળ નિવાસી હશે, તેઓ જ બાઈક-ટેક્સી ચલાવી શકશે. આ સાથે જ તેમને મરાઠી ભાષા આવડવી પણ ફરજિયાત છે. પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે વિધાનસભામાં આ અંગેની માહિતી આપી. પ્રશ્નકાળ દરમિયાન શિવસેનાના ધારાસભ્ય દિલીપ લાંડે દ્વારા પૂછવામાં આવેલા સવાલના જવાબમાં તેમણે આ જાહેરાત કરી હતી.
1 ઓગષ્ટથી નવા પરમિટ જારી થશે
મહારાષ્ટ્રમાં હાલ 3.5 લાખથી વધુ બાઈક-ટેક્સીઓ રસ્તા પર દોડી રહી છે. જોકે, તેના માટે કોઈ કડક નિયમો નક્કી ન હોવાના કારણે સતત સવાલો ઉઠી રહ્યા હતા. ત્યારબાદ હવે સરકારે એક મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે અનધિકૃત એપ આધારિત લાખો બાઈક-ટેક્સી સેવાઓને નિયમિત કરવાની દિશામાં આ મહત્ત્વનું પગલું ભર્યું છે. પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે વિધાનસભામાં જણાવ્યું કે, આગામી 1 ઓગસ્ટથી એપ આધારિત બાઈક સેવાઓ માટે નવા પરમિટ જારી કરવામાં આવશે.
દરરોજ 5 રૂપિયા સરકારને આપવા પડશે, 2% વેલફેર પર ખર્ચ થશે
પરિવહન મંત્રીએ આગળ જણાવ્યું કે, બાઈક-ટેક્સી ઓપરેટર્સે સરકારને દરરોજ 5 રૂપિયા ફી ચૂકવવી પડશે. આ ફી દ્વારા થનારી આવકના 2% વેલફેર ફંડ એટલે કે કલ્યાણ કોષમાં જમા કરવામાં આવશે અને આ રકમનો ઉપયોગ જનકલ્યાણના કાર્યો માટે કરવામાં આવશે.
વિધાનસભામાં ઉઠ્યો મુદ્દો
બાઈક-ટેક્સી મુદ્દે આજે 7 જુલાઈ, મંગળવારના રોજ વિધાનસભામાં સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. શિવસેનાના ધારાસભ્ય દિલીપ લાંડેએ કહ્યું કે, ગેરકાયદેસર બાઈક-ટેક્સી ઓપરેટર્સના કારણે ઓટો અને ટેક્સી ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. બીજી તરફ, ઉદ્ધવ ઠાકરે જૂથના ધારાસભ્ય સુનીલ પ્રભુએ પણ અનેક બાઈક-ટેક્સી ચાલકો દારૂના નશામાં વાહન ચલાવતા હોવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ બાબતે પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે આશ્વાસન આપ્યું હતું કે, નિયમોનું ચુસ્તપણે પાલન થાય તે માટે પરિવહન વિભાગને એક વિશેષ અભિયાન ચલાવવાનો નિર્દેશ આપવામાં આવશે.









