Get The App

Explainer: CBSEનો ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદ, આજે પણ ધો. 12નું પરિણામ વિદ્યાર્થીનું ભવિષ્ય નક્કી કરે છે

Updated: Jun 8th, 2026

GS TEAM

Google News
Google News
Explainer: CBSEનો ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદ, આજે પણ ધો. 12નું પરિણામ વિદ્યાર્થીનું ભવિષ્ય નક્કી કરે છે 1 - image

Evaluating papers, or failing futures: ભારતીય પરિવારો માટે દર વર્ષે મે મહિનાનો અંત માત્ર ઉનાળાની ગરમી જ નથી લાવતો, પરંતુ તેની સાથે બોર્ડના પરિણામોનો ગભરાટ પણ લાવે છે. ધોરણ 12 ની માર્કશીટ હવે કદાચ કોઈ વિદ્યાર્થીની સંપૂર્ણ ક્ષમતા નક્કી નથી કરી શકતી, પરંતુ વર્ષ 2026 માં સામે આવેલા ‘સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન’(CBSE)ના ઓન-સ્ક્રીન માર્કિંગ (OSM) વિવાદે આખી મૂલ્યાંકન પ્રક્રિયા પર જ સવાલો ઊભા કરી દીધા છે, જેને લીધે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભયંકર અવિશ્વાસ પેદા થયો છે. આ વિવાદને પરિણામે દેશની શિક્ષણ વ્યવસ્થામાં ધરમૂળથી બદલાવ લાવવાની માંગ ફરી એકવાર ઊઠવા લાગી છે.

OSM વિવાદ: ટેકનોલોજી સુધારાને બદલે સમસ્યા બની

વર્ષ 2026માં CBSE એ મૂલ્યાંકન પ્રક્રિયાને વધુ ઝડપી અને સચોટ બનાવવા મોટા પાયે ઓન-સ્ક્રીન માર્કિંગ (OSM) સિસ્ટમ અમલી કરી, જે અંતર્ગત શિક્ષકોએ પેપરની ફિઝિકલ નકલોને બદલે કમ્પ્યુટર સ્ક્રીન પર સ્કેન કરેલી ઉત્તરવહીઓ તપાસવાની હતી. જે પગલું ટેકનિકલ અપગ્રેડેશન તરીકે ભરાયું હતું, તે ટૂંક સમયમાં જ બોર્ડના ઇતિહાસના સૌથી મોટા વિવાદોમાં ફેરવાઈ ગયું.

આ પરિણામો જાહેર થતાં જ દેશભરના વિદ્યાર્થીઓએ અણધારી રીતે ઓછા ગુણ મળ્યા હોવાની ફરિયાદો શરૂ કરી. ઓનલાઈન પોર્ટલ પર જવાબો અધૂરા સ્કેન થયા, કેટલાક પાનાં ગાયબ થયા તેમજ ઘણાં પ્રશ્નો તપાસવાના જ રહી ગયા જેવા અત્યંત ગંભીર આક્ષેપો થયા. જેને લીધે પરિણામના દિવસે જ CBSE નું સત્તાવાર પોર્ટલ ક્રેશ થઈ ગયું અને વિદ્યાર્થીઓની ચિંતા અને આક્રોશ ચરમસીમાએ પહોંચી ગયા. આ સ્થિતિ એટલી વણસી કે 4,00,000 થી વધુ વિદ્યાર્થીએ કુલ 11,00,000થી વધુ ઉત્તરવહીની નકલ મેળવવા માટે અરજી કરી. આ આંકડો દર્શાવે છે કે સિસ્ટમ પરનો ભરોસો કેટલો હચમચી ગયો હતો. 

Explainer: CBSEનો ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદ, આજે પણ ધો. 12નું પરિણામ વિદ્યાર્થીનું ભવિષ્ય નક્કી કરે છે 2 - image

17 વર્ષના વિદ્યાર્થીએ પોલ ખોલી

આ વિવાદમાં વધુ આઘાતજનક વળાંક ત્યારે આવ્યો જ્યારે એક 17 વર્ષના વિદ્યાર્થીએ CBSE ની ટેન્ડર પ્રક્રિયાની પોલ ખોલી નાંખી. પરીક્ષાના પરિણામો અને ગુણની ગણતરીમાં મોટી ગરબડ કેમ થઈ, એની તપાસ બોર્ડના મોટા અધિકારીઓ કે આઈ.ટી. એક્સપર્ટ્સે કરવાની હોય. પરંતુ આ કેસમાં 17 વર્ષના એ વિદ્યાર્થીએ માત્ર ‘મારા માર્ક્સ ખોટા છે’ એવું કહીને અટકી જવાને બદલે આ વિવાદના મૂળ સુધી પહોંચવા માટે CBSEની સરકારી ટેન્ડર પ્રક્રિયા અને ખરીદી દસ્તાવેજોનું વિગતવાર વિશ્લેષણ કર્યું. 

એટલું જ નહીં, તેણે પુરાવા સાથે સાબિત કર્યું કે પરિણામો જાહેર કરવામાં થયેલી ટેકનિકલ ભૂલો પાછળ વહીવટી લાપરવાઇ જવાબદાર હતી. કારણ કે પરિણામ બનાવવાનું કામ સસ્તામાં કામ કરી આપતી બિનઅનુભવી કંપનીને સોંપાયું હતું. ખુદ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પણ સ્વીકાર્યું હતું કે પુનઃમૂલ્યાંકન માટે અરજી કરનારા 4,00,000 વિદ્યાર્થીમાંથી લગભગ 20% (એટલે કે આશરે 80,000 વિદ્યાર્થી) ના કિસ્સામાં બોર્ડે પોતાની ભૂલો સુધારવી પડી છે. 

આંકડાનો વિરોધાભાસ અને ગ્રેડનો ફુગાવો 

છેલ્લા બે દાયકામાં બોર્ડ પરીક્ષાઓના આંકડા અને તેના મૂલ્યોમાં જમીન-આસમાનનો તફાવત આવ્યો છે. વર્ષ 2004માં ધો. 12 (CBSE)માં માત્ર 20% વિદ્યાર્થી 75%થી વધુ ગુણ મેળવી શકતા હતા. તે સમયે 90% માર્ક્સ લાવવા એ શૈક્ષણિક શ્રેષ્ઠતાનું પ્રતીક હતું અને આવા વિદ્યાર્થીઓ ટોચના 5% થી 6%માં સ્થાન મેળવતા હતા.

તેની તુલનામાં વર્ષ 2024 માં પાસ થવાની ટકાવારી વધીને 87.98% થઈ ગઈ, જેમાં 22,000 થી વધુ વિદ્યાર્થીએ 95% થી વધુ ગુણ મેળવ્યા. ગ્રેડનો આ પ્રકારનો ફુગાવો, ઉદાર માર્કિંગ પોલિસી અને કોચિંગ ક્લાસના વ્યાપારીકરણના કારણે આજે 90% ગુણ મેળવનારાની સંખ્યા એટલી વધી ગઈ છે કે સ્પર્ધાત્મક શહેરોમાં તે 'સામાન્ય' ગણાય છે. 

શિક્ષણ શાસ્ત્રીઓના મતે, જ્યારે દરેક વ્યક્તિ ઊંચા ગુણ મેળવે છે ત્યારે ગુણ પોતાનું વાસ્તવિક મૂલ્ય ગુમાવી બેસે છે, પરંતુ આપણી પાસે આ સિસ્ટમનો કોઈ મજબૂત વિકલ્પ ઉપલબ્ધ નથી.

ધોરણ 12 ના માર્ક્સ કેમ હજુ પણ અનિવાર્ય છે?

એવો દાવો કરાય છે કે, હવે પ્રવેશ પરીક્ષાઓ (જેમ કે JEE, NEET, CUET) નો જમાનો છે, એટલે બોર્ડના માર્ક્સનું કોઈ મહત્ત્વ નથી રહ્યું. એક નજરે આ વાત સાચી લાગે કારણ કે હવે અખબારોમાં ટોપર્સના ફોટા પહેલા જેટલી ચર્ચા જગાવતા નથી, પરંતુ માળખાકીય રીતે વાસ્તવિકતા તદ્દન અલગ છે.

- રાષ્ટ્રીય સ્તરની લાયકાત: JEE (Joint Entrance Examination) Advanced ની લાયકાત માટે ધો. 12 માં લઘુતમ 75% ગુણ (અથવા ટોપ 20 પર્સન્ટાઇલમાં સ્થાન) હોવું ફરજિયાત છે. NEET (National Eligibility cum Entrance Test) કાઉન્સેલિંગ માટે મેડિકલ ઉમેદવારોએ ઓછામાં ઓછા 50% ગુણ મેળવવા જરૂરી છે.

- યુનિવર્સિટી એડમિશન: ભલે કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં પ્રવેશ CUET (Common University Entrance Test) સ્કોરના આધારે થાય છે, પરંતુ ટાઈ-બ્રેકર તરીકે અથવા લઘુતમ પાત્રતાના માપદંડ તરીકે ધો. 12ના ગુણ જ જોવામાં આવે છે.

- વિદેશમાં અભ્યાસ: ઘણાં વિદ્યાર્થીઓ માને છે કે SAT (Scholastic Assessment Test) આપીને વિદેશ જવું હોય તો ભારતીય બોર્ડના માર્ક્સ કામના નથી. પરંતુ આ એક મોટી ગેરસમજ છે. યુએસએની યુનિવર્સિટીઓ હાઈસ્કૂલના ટ્રાન્સક્રિપ્ટ તપાસે છે, યુકેની યુનિવર્સિટીઓ સ્પષ્ટ લઘુતમ ટકાવારી માંગે છે અને કેનેડાની કોલેજો શરતી પ્રવેશ (Conditional Offers) માટે ધો. 12 ના અંતિમ પરિણામો પર જ નિર્ભર રહે છે.

વિદ્યાર્થીઓ અને વાલીઓ પર ભાવનાત્મક બોજ

આ શૈક્ષણિક અને વહીવટી અંધાધૂંધીની સૌથી મોટી કિંમત વિદ્યાર્થીઓ માનસિક સ્વાસ્થ્યના રૂપમાં ચૂકવી રહ્યા છે. રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ (NCPCR) ના એક અભ્યાસ મુજબ, ભારતીય કિશોરોમાં માનસિક તણાવ અને ચિંતાનું સૌથી મોટું કારણ પરીક્ષાઓ છે. પ્રતિષ્ઠિત મેડિકલ જર્નલ 'ધ લેન્સેટ' ના ગ્લોબલ મેન્ટલ હેલ્થ રિપોર્ટ (2024) માં પણ નોંધાયું છે કે, ભારતમાં શૈક્ષણિક દબાણને કારણે થતી માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓનો દર વિશ્વમાં સૌથી વધુ છે. વાલીઓ પોતાના બાળકોને સતત મોક ટેસ્ટ આપતા અને રડતા જોઈને લાચારી અનુભવે છે. સિસ્ટમની આ ખામીઓ બાળકોના આત્મવિશ્વાસને તોડી નાખે છે.

આ મુદ્દે નિષ્ણાતોનું શું કહેવું છે 

આ વ્યાપક કટોકટી અંગે દેશના અગ્રણી શિક્ષણ શાસ્ત્રીઓનું માનવું છે કે બોર્ડ પરીક્ષાઓની પદ્ધતિમાં ધરમૂળથી ફેરફાર કરવાનો સમય આવી ગયો છે.

IIT દિલ્હીના પ્રોફેસર ડૉ. કૃષ્ણ કુમાર આનંદના જણાવ્યાનુસાર, બોર્ડ પરીક્ષાઓ એક એવા સમય માટે ડિઝાઇન કરાઈ  હતી, જ્યારે ઉચ્ચ શિક્ષણની બેઠકો મર્યાદિત હતી અને ફિલ્ટરિંગ કરવા માટે એક કઠોર વ્યવસ્થાની જરૂર હતી. આજે સ્થિતિ બદલાઈ છે, તેથી પરીક્ષાઓના મૂલ્યાંકનનો હેતુ પણ બદલાવો જોઈએ.

IIM ઇન્દોરના પૂર્વ ડિરેક્ટર પ્રોફેસર પંકજ ચંદ્રા જણાવે છે કે, આપણે રાતોરાત બોર્ડ પરીક્ષાઓ નાબૂદ કરી શકતા નથી કારણ કે આપણી સિસ્ટમ એક સમાન માપદંડ માટે તેના પર નિર્ભર છે. પરંતુ, આપણે ગોખણપટ્ટીને બદલે વિવેચનાત્મક વિચારસરણી (Critical Thinking), વ્યવહારિક ઉપયોગ અને કૌશલ્યનું પરીક્ષણ થાય તે રીતે આ સિસ્ટમને સુધારવી પડશે. પરીક્ષાઓ વિકસિત થવી જોઈએ, નાબૂદ નહીં.

વિશ્વસનીય શૈક્ષણિક વ્યવસ્થાનું નિર્માણ જરૂરી 

વર્ષ 2026 ની બોર્ડ પરીક્ષાઓની નિષ્ફળતા આપણને ઘણું શીખવી જાય છે. વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષા છોડી દેવી એ વ્યવહારિક વિકલ્પ નથી, કારણ કે દુનિયા આજે પણ આ પ્રમાણપત્રોના આધારે જ દરવાજા ખોલે છે. આશા રાખીએ કે આગામી વર્ષોમાં ભારત એક એવી પારદર્શક અને વિશ્વસનીય શૈક્ષણિક વ્યવસ્થાનું નિર્માણ કરશે, જ્યાં વિદ્યાર્થીઓ માત્ર માર્ક્સના આધારે પોતાની જાતને વ્યાખ્યાયિત નહીં કરે. પરંતુ, એમ થાય ત્યાં સુધી તો દરેક ભારતીય પરિવારે આ 'બોર્ડ ગેમ' રમવી જ પડશે, ભલે તેના નિયમો કેટલાય અંશે અન્યાયી કેમ ન લાગે.